<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

ભારે કરી! ભેંસ ચડી છાપરે : ઘરમાં રહેતી મહિલા ભાગી !

લોકોએ પૂછયું ‘ઉપર કેવી રીતે પહોંચી ?' વીડિયો વાયરલ

નવી દિલ્‍હી, તા.૧૭: ‘ગઈ ભેંસ પાણીમાં' તમે આ કહેવત તો સાંભળી જ હશે, પરંતુ શું તમે કયારેય એવું સાંભળ્‍યું કે જોયું છે કે ‘ભેંસ ચડી છાપરે!' આવું તમે કયારેય નહીં સાંભળ્‍યું હોય કેમ કે આવું જોવા મળવું અશકય છે કે કોઈ ભેંસ કોઈ ઘરની છત પર ચડેલી જોવા મળી છે. પરંતુ હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્‍યો છે જેમાં એક ભેંસ કાચા ઘરના છાપરે ચડેલી જોવા મળે છે. જેના પર નળિયા પાથરેલા છે. આ ઘરમાં રહેતી મહિલા ગભરાઈને ઘરની બહાર દોડી આવી હતી. ભેંસને જોઈને લોકોની પાસે બસ એક જ સવાલ હતો કે ‘ભેંસ ચડી તો ચડી કેવી રીતે?'

ઈન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ @soljardhurv પર હાલમાં એક વીડિયો પોસ્‍ટ કરવામાં આવ્‍યો છે જેમાં એક ભેંસ મકાનના છાપરે ચડેલી જોવા મળે છે. આ એક કાચું ઘર છે. જેના ઉપર નળિયા મૂકેલા છે. વીડિયો જોતાં એવું લાગે છે કે ઘરની છત પર જવા માટે કોઈ સીડીની પણ જરૂર નહીં પડી હોય. જોકે એ વિચારવા જેવી વાત છે કે ભેંસ છાપરે કેવી રીતે ચડી ગઈ. ભેંસ મોજથી છાપરા પર ઊભી છે. કોઈપણ પ્રકારના હલનચલન નથી કરી રહી, બસ ચારેકોર જોઈ રહી છે.

ભેંસને કારણે ઘરમાં રહેતી મહિલા ડરી ગઈ હતી. આવું થવાથી મહિલા ગભરાઈને ઘરની બહાર નીકળી ગઈ હતી. મહિલા ધીમા અવાજે કશુંક બોલી રહી હતી પરંતુ તેની કોઈ પણ વાત સમજાતી નથી. વીડિયો તો થોડી વારમાં પૂરો થઈ જાય છે. પરંતુ એ નથી જાણવા મળતું કે ભેંસ છાપરા પરથી નીચે આવી કે નહીં. તમે આવા વીડિયો સોશિયલ મીડિયા પર જોયા હશે. જેમાં ગાય-ભેંસ છાપરે ચડી જાય છે, જોકે તેમને પછી સીડીની મદદથી નીચે પણ ઉતારી લેવામાં આવે છે. પરંતુ આ વીડિયોમાં તો કંઈક અલગ જ જોવા મળી રહયું છે.

આ વીડિયોને લગભગ ૯૦ લાખ વ્‍યૂઝ મળ્‍યા છે. જ્‍યારે ઘણા લોકોએ કોમેન્‍ટ પણ કરી છે. જેમાં એક યુઝરે કહયું કે ‘ગઈ ભેંસ પાણીમાં સાંભળ્‍યું હતું, પણ છાપરે ચડી ભેંસ નહોતું સાંભળ્‍યું.' તો વધુ એક યુઝરે લખ્‍યું કે કોઈ વિચારી રહ્‍યું હશે કે ભેંસને નીચે કેવી રીતે ઉતારીશું પરંતુ હું એવું વિચારી રહયો છું કે ભેંસ ઉપર ચડી તો ચડી કેવી રીતે? તો એકે કહ્‍યું કે ઘરની છતની મજબૂતાઈ સારી છે. વધુ એકે કહયું કે - ‘ભાઈ યમરાજ આવ્‍યા કે શું!' એકે કહયું કે ‘ગઈ ભેંસ હીરોપંતી દેખાડવામાં!'

(10:01 AM IST)