<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

હુમલા પહેલાં સૈફ અલી ખાન પાસે એક કરોડની માગણી કરાઈ

ફોરેન્‍સિકની ટીમે ઘટના સ્‍થળેથી ફિંગરપ્રિન્‍ટ્‍સ લીધાઃ પોશ ઈમારતની સુરક્ષા વ્‍યવસ્‍થા સામે સવાલ

મુંબઈ, તા.૧૭: બોલીવૂડને હચમચાવી મૂકતી બાન્‍દ્રામાં બનેલી ઘટનામાં ફ્‌લૅટમાં ઘૂસેલા હુમલાખોરે અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરતાં પહેલાં એક કરોડ રૂપિયાની માગણી કરી હોવાનું તપાસમાં સામે આવ્‍યું હતું. હુમલાખોર સરળતાથી ૧૨મા માળે જઈને પાછો રફુચક્કર થઈ ગયો હોવાથી પૉશ ઈમારતની સુરક્ષાવ્‍યવસ્‍થા સામે સવાલ ઊભો થયો હતો. બીજી બાજુ, ફોરેન્‍સિકની ટીમે ઘટનાસ્‍થળેથી ફિંગરપ્રિન્‍ટ્‍સ લીધા હોવાનું સૂત્રોએ જણાવ્‍યું હતું.

પોલીસના જણાવ્‍યા મુજબ બાન્‍દ્રા પશ્‍ચિમમાં આવેલી સતગુરુ શરણના ૧૧થી ૧૪ માળ સૈફ અલી ખાનના છે અને ઘટના ગુરુવારના મળસકે અઢી વાગ્‍યાની આસપાસ ૧૨મા માળે બની હતી. આ પ્રકરણે સૈફની નોકરાણીની ફરિયાદને આધારે બાન્‍દ્રા પોલીસે અજાણ્‍યા શખસ વિરુદ્ધ ભારતીય ન્‍યાય સંહિતાની કલમ ૩૧૧, ૩૧૨, ૩૩૧(૪), ૩૩૧(૬) અને ૩૩૧(૭) હેઠળ ગુનો નોંધ્‍યો હતો.

સૂત્રોના જણાવ્‍યા મુજબ આરોપી બાજુની ઈમારતની દીવાલ કુદાવીને સતગુરુ શરણના કોમ્‍પ્‍લેક્‍સમાં પ્રવેશ્‍યો હતો. ડકના એરિયામાંથી તે ઉપલા માળે ગયો હતો અને ત્‍યાંથી દાદર ચઢીને ૧૨મા માળે પહોંચ્‍યો હતો. સૈફના પુત્રની રૂમમાંથી બહાર આવેલા આરોપી પર નોકરાણીની નજર પડી હતી. નોકરાણીએ બૂમાબૂમ કરતાં આરોપીએ તેના હાથ પર છરીનો ઘા ઝીંકયો હતો.

અવાજ સાંભળી દોડી આવેલા સૈફ અલી ખાને બહાદુરીથી આરોપીનો સામનો કર્યો હતો. જોકે આરોપીએ ઉપરાછાપરી છ ઘા ઝીંકતાં સૈફ ગંભીર રીતે ઘવાયો હતો. આ ધમાચકડીમાં તક ઝડપી આરોપી ફરાર થઈ ગયો હતો.

નોકરાણીએ પોલીસને આપેલા પ્રાથમિક નિવેદનમાં જણાવ્‍યું હતું કે સૈફ મદદ માટે દોડી આવ્‍યો ત્‍યારે આરોપીએ છરીની ધાક બતાવી ધમકી આપી હતી. એક કરોડ રૂપિયા ન આપે તો સૈફને મારી નાખવાની ધમકી તેણે ઉચ્‍ચારી હતી. પોતાને નાણાંની સખત જરૂર હોવાનો દાવો પણ તેણે કર્યો હતો.

(11:06 AM IST)