News of Friday, 17th January 2025
સાયબર ગઠીયા લોકોને એક SBI REWARD27..APK નામની ફાઈલ મોકલી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તમને ખાસ રિવોર્ડ આપ્યું છે પરંતુ PIB ફેક્ટ ચેક યુનિટે આ મેસેજને ફેક ગણાવ્યો
જો તમને પણ આવો કોઈ મેસેજ આવે, તો સાવધાન થઈ જજો, કારણ કે લોકો સાથે છેતરપિંડી આચરવા માટે છેતરપિંડી કરનારા શખ્સોએ આ નવી તરકીબ શોધી

નવી દિલ્હી તા.૧૭ : સોશિયલ મીડિયા પર અત્યારે એક ફેક મેસજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં SBI રિવોર્ડ પોઈન્ટ મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મેસેજમાં એક શરત રાખવામાં આવી છે કે આ માટે તમારે એક APK ફાઈલ ડાઉનલોડ કરવી પડશે. જો તમને પણ આવો કોઈ મેસેજ આવે, તો સાવધાન થઈ જજો, કારણ કે લોકો સાથે છેતરપિંડી આચરવા માટે ઠગોએ આ નવી તરકીબ શોધી છે.
સાયબર ઠગો લોકોને એક SBI REWARD27..APK નામની ફાઈલ મોકલી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તમને ખાસ રિવોર્ડ આપ્યું છે. પરંતુ PIB ફેક્ટ ચેક યુનિટે આ મેસેજની સત્યતા જણાવી છે અને આ મેસેજને ફેક ગણાવ્યો છે. PIBના જણાવ્યા અનુસાર, આ ફાઈલ તમારા પર્સનલ ડેટા અને ફાઈનાન્શિયલ સિક્યોરિટીને નુકસાન પહોંચાડી શકે છે.
PIBએ ચેતવણી આપી છે કે આ પ્રકારની ફાઈલ ડાઉનલોડ ન કરો અને અજાણી લિંક પર ભૂલથી પણ ક્લિક ન કરો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ આ મામલે સ્પષ્ટતા કરી છે કે તે ક્યારેય આવી લિંક અથવા APK ફાઈલ SMS અથવા વોટ્સએપ દ્વારા મોકલતી નથી.
APK (એન્ડ્રોઈડ પેકેજ કિટ) એક ફાઈલ ફોર્મેટ છે, જેનો ઉપયોગ એન્ડ્રોઈડ ડિવાઈસ પર એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવા માટે કરવામાં આવે છે. તેમાં એપ્લિકેશન ચલાવવા માટે જરૂરી તમામ એલિમેન્ટ્સ હોય છે.
પરંતુ સાયબર ઠગો તેનો ઉપયોગ પર્સનલ ડેટા ચોરી કરવા માટે અને બેંકિંગ ક્રેડેન્શિયલ્સને હેક કરવા અથવા રેસમવેર ઈન્સ્ટોલ કરવા માટે કરી રહ્યા છે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
