<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

કંગના રનૌતની 'ઇમરજન્સી' પર પંજાબમાં પ્રતિબંધની માંગણી : SGPCનો જબરો વિરોધ :શો કરવો પડ્યો રદ

શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા કંગનાની ફિલ્મ પંજાબમાં રિલીઝ થશે તો થિયેટરોની બહાર દેખાવો કરવા ચીમકી :સિનેમાઘરોની બહાર સુરક્ષા કડક કરાઈ :પીવીઆર સિનેમા, અમૃતસરમાં ફિલ્મ ઈમરજન્સીનો શો રદ કરાયા

નવી દિલ્હી : કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' સિનેમાઘરોમાં રિલીઝ ગઈ છે. તેની રિલીઝ પહેલા ઘણો વિવાદ થયો હતો. સેન્સર સર્ટિફિકેટ મેળવવા માટે પણ ખૂબ ઝંઝટો કરવી પડી હતી . કોર્ટમાં જવું પડ્યું. જ્યારે આ ફિલ્મ આજે એટલે કે 17મી જાન્યુઆરીના રોજ રીલિઝ થઈ ત્યારે તેણે ફરી એકવાર વિવાદ સર્જ્યો છે. પંજાબમાં ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે.

 

SGPC શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) એ ઈમરજન્સીની રિલીઝ વિરુદ્ધ જાહેરાત કરી છે કે જો કંગનાની ફિલ્મ પંજાબમાં રિલીઝ થશે તો થિયેટરોની બહાર પ્રદર્શનો થશે. સમગ્ર પંજાબમાં SGPCના કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે જો સ્થિતિ બગડે છે તો તેની જવાબદારી પંજાબ સરકારની રહેશે. ગુરુવારે અમૃતસરના DCને એક નિવેદન પત્ર આપવામાં આવ્યો હતો. વિરોધને કારણે અમૃતસરના સિનેમાઘરોની બહાર સુરક્ષા કડક કરવામાં આવી છે. 

 

સમાચાર આવ્યા છે કે શુક્રવારે અમૃતસરમાં PVR સિનેમા ખાતે ફિલ્મ ઈમરજન્સીનો શો રદ કરવામાં આવ્યો છે. મુંબઈમાં અંધેરી સ્થિત સિનેપોલિસની બહાર મૌન હતું. ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ફિલ્મની માત્ર 1% જેટલીજ ઓક્યુપન્સી જોવા મળી છે. આ આંકડો ખરેખર આશ્ચર્યજનક છે. SGPCએ પંજાબમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, SGPC પ્રમુખ હરજિંદર સિંહ ધામીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પત્ર લખ્યો હતો. જેમાં પંજાબમાં ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી હતી. તેમનો આરોપ છે કે કંગનાએ ફિલ્મમાં શીખોને બદનામ કર્યા છે. આ પહેલીવાર નથી જ્યારે ગુરુદ્વારા કમિટીએ કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીનો વિરોધ કર્યો હોય. ગયા વર્ષે પણ શીખ સંગઠનોએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેને જોતા સેન્સર બોર્ડે તેનું સર્ટિફિકેશન રોકી દીધું હતું. ફિલ્મમાં ઘણા સેન્સર કટ લાગ્યા બાદ, તેને રિલીઝ માટે લીલી ઝંડી આપવામાં આવી છે.

 

કંગના રનૌતે ઇમરજન્સી ફિલ્મનું ડાયરેક્ટ પણ કર્યું છે. જેમાં તે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. ઈમરજન્સી 1975માં ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી 21 મહિનાની ઈમરજન્સી ઉપર બનેલી ફિલ્મ છે. ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી, મિલિંદ સોમન અને વિશાક નાયર મહત્વની ભૂમિકામાં છે. 

(9:51 PM IST)