<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

૮૦૦૦ રોકાણકારોનાં ૩૦૦ કરોડ ઉઘરાવી સંચાલકો ફરાર

ગુજરાતમાં ફુંફાડો મારી બહાર આવ્‍યું ‘બીઝેડ' જેવું પોન્‍ઝી સ્‍કીમ કૌભાંડ : બ્‍લોક આરા કંપની ઉભી કરી ક્રિપ્‍ટો કરન્‍સીમાં રોકાણના નામે છેતરપીંડીઃ રૂ.૪.૨૫ લાખના રોકાણ સામે રોજ ૪૦૦૦નું વળતર આપવા લાલચ આપી ખંખેર્યા : નાણા ગુમાવનારાઓએ રાજકોટ પો.કમીશનર, ડીજીપી, ગૃહરાજય મંત્રીને અરજી કરી ન્‍યાયની માંગણી કરી

રાજકોટ, તા.૧૮: ગુજરાતમાં ચકચાર જગાવનાર BZ કૌભાંડ બાદ રાજકોટમાં આવું એક પોન્‍ઝી સ્‍કીમ કૌભાંડ બહાર આવ્‍યું છે. ક્રિપ્‍ટો કરન્‍સીમાં રોકાણના નામે રાજકોટના ૪૦ રોકાણકારો સહિત ગુજરાતના ૮૦૦૦ જેટલા રોકાણકારોના રૂપિયા ૩૦૦ કરોડ ડુબ્‍યા છે. આ મામલે ભોગ બનનાર રાજકોટના વેપારી સહિતના રોકાણકારોએ પોલીસ કમિશનર સમક્ષ આ મામલે આ કંપનીના ફાઉન્‍ડર, મેનેજર, ભાગીદાર તથા સૌરાષ્ટ્રના માર્કેટિંગ અને ગુજરાત હેડ સામે ગુનો નોંધવાની માંગ સાથે રજૂઆત કરી છે.

બે વર્ષમાં ૩૦૦ કરોડનું ફુલેકુ

આ ટોળકીના ફાઉન્‍ડર અને ભાગીદારોએ ટીએબીસી નામની ક્રિપ્‍ટો કરન્‍સી લોન્‍ચ કરી હતી. બ્‍લોકઓરા કંપની જે ૨૦૨૦માં શરૂ થઈ હતી તે કંપનીના માલિકો અને મેનેજર સહિતના ૬ શખ્‍સોએ રાજકોટ સહિત ગુજરાતભરમાં રોકાણકારોને રૂપિયા ૪.૨૫ લાખનું રોકાણ કરી તેની સામે દરરોજના ચાર હજાર રૂપિયાના વળતરની લાલચ આપી આશરે છેલ્લા બે વર્ષમાં ૩૦૦ કરોડ રૂપિયા ઉસેટી ફરાર થઈ જતાં રાજકોટ સહિતના ગુજરાતભરના રોકાણકારોને રાતાપાણીએ રોવાનો વારો આવ્‍યો છે.

કોના-કોના નામ સામે આવ્‍યા

મળતી વિગતો મુજબ રાજકોટના કોઠારિયા રોડ પર બાલાજી એપાર્ટમેન્‍ટમાં શક્‍તિ સોસાયટી નજીક બસ્‍કતી નગરમાં રહેતા અને સાબુ અને પાઉડરની એજન્‍સી ચલાવતા મોહસીનભાઈ રસીદભાઈ મુલતાણી સહિતના રાજકોટના રોકાણકારોએ પોલીસ કમિશનર સમક્ષ રૂબરૂ મળીને કરેલી રજૂઆતમાં જણાવ્‍યા મુજબ બ્‍લોકવોરા કંપનીના ફાઉન્‍ડર અંકલેશ્વરના ફિરોઝ દિલાવર મુલતાણી, તેના ભાગીદાર નિતિન જગત્‍યાની, સૌરાષ્ટ્રના હેડ મુળ લીંબડીના અમિત મનુભાઈ મુલતાણી, સૌરાષ્ટ્રના માર્કેટિંગ હેડ અઝરુદીન સતાક મુલતાણી અને ગુજરાતના હેડ મક્‍સુદ સૈયદનું નામ આપ્‍યું છે.

કેવી રીતે આચરવામાં આવ્‍યું કૌભાંડ

ફરિયાદમાં મોહસીને જણાવ્‍યા મુજબ આ ટોળકીએ લીંબડીમાં જ્ઞાતિનું સંમેલન બોલાવ્‍યું હતું. જ્‍યાં તેનો પરિચય ફિરોઝ સાથે થયા બાદ આ કંપનીના ફાઉન્‍ડર તથા ભાગીદાર સહિતના ૬ શખ્‍સો રાજકોટ આવ્‍યા હતાં. અને રાજકોટમાં મોહસીનભાઈ સહિતના અન્‍ય વેપારીઓ અને મિત્રોને બ્‍લોકવોરા કંપનીના રોકાણની વાત કરી હતી. તેમણે લોન્‍ચ કરેલી ક્રિપ્‍ટો કરન્‍સી ટીએબીસીમાં રૂા. ૪.૨૫ લાખનું રોકાણકરો તો દરરોજના રૂા. ૪૦૦૦નું વળતર મળશે. તેવી લાલચ આપી હતી તેમજ આ ક્રિપ્‍ટો કરન્‍સીનો ભાવ ભવિષ્‍યમાં ૩૦૦ ડોલર સુધી પહોંચી જશે અને કરોડો રૂપિયાનો નફો મળશે તેવી લાલચ આપી હતી.

જેથી મોહસીનભાઈએ તેમાં રૂા. ૧૩ લાખનું રોકાણ કર્યુ હતું. તે ઉપરાંત રાજકોટના રજાકભાઈ નિઝામભાઈ મુલતાણીએ રૂા. ૩.૨૫ લાખ, સોહિલભાઈ ભટ્ટીએ રૂા. ૫.૨૫ લાખ, સાહિલ રજાકભાઈ મુલતાણીએ રૂા. ૩.૫૦ લાખ, રિયાઝ રઝાકભાઈ મુલતાણીએ રૂા. ૫ લાખ, ઝાવેદ બાબુભાઈ મુલતાણીએ ૪.૨૫ લાખ, કમલેશભાઈ શોકભાઈ ખેરે રૂા. ૫ લાખ, મનીષભાઈ નરેન્‍દ્રભાઈ લશ્‍કરીએ રૂા. ૫.૫૦ લાખ, રહિમભાઈ મમદભાઈ જામે રૂા. ૮.૫૦ લાખ, સરફરાઝભાઈ અહેમદભાઈ મોગલે રૂા. ૫ લાખ અને સાવનભાઈ સલીમભાઈ મુલતાણીએ રૂા. ૫.૯૨ લાખનું એમ કુલ ૬૮ લાખનું રોકાણ કર્યુ હતું.

ક્રિપ્‍ટો કરન્‍સી ૩૦૦ ડોલર પહોંચવાની છે.....

આ ક્રિપ્‍ટો કરન્‍સીમાં રોકાણકારોને આઈડી વેચી અને વળતર મેળવી શકશો તેવી લાલચ આપી આ કરન્‍સીનો ભાવ ૩૦૦ ડોલર પહોંચશે તેવી લાલચમાં આ રાજકોટના ૧૨ રોકાણકારો ઉપરાંત અન્‍ય રોકાણકારોને ઝાળમાં ફસાવવા માટે હોટલમાં મીટીંગ બોલાવવામાં આવી હતી અને મોબાઈલમાં ઝુમ મીટીંગ દ્વારા મુંબઈની સહારા હોટલ તેમજ અન્‍ય ફાઈવસ્‍ટાર હોટલમાં મીટીંગનો વીડિયો દેખાડયો હતો.

૮૦૦૦ જેટલા રોકાણકારો સાથે છેતરપિંડી

થોડા સમય બાદ એટલે કે આશરે બે વર્ષ સુધી રોકાણકારોને કોઈ વળતર નહીં મળતા આ કંપનીના ફાઉન્‍ડર ફિરોઝ તેમજ બાગીદાર નિતિન તથા સૌરાષ્ટ્રના હેડ અમિત અને અઝરૂદિન તેમજ મક્‍સુદનો સંપર્ક કર્યો હતો. ત્‍યારે તે લોકોએ ટુંક સમયમાં જ આ કરન્‍સી કોઈન રૂપે લોન્‍ચ થશે અને વળતર મળસે તેવી બાહેધરી પણ આપી હતી. રોકાણકારોએ પોતે રોકેલી રકમ વિડ્રોલ પણ થઈ શકતી ન હોય જેથી વળતરની લાલચે આ ટોળકીએ અંતે હાથ ઉંચા કરી દીધા હતાં.

રાજકોટના આ ૪૦ જેટલા રોકાણકારોએ તપાસ કરતા આ ટોળકીએ ગુજરાતમાં ૮૦૦૦ જેટલા રોકાણકારો સાથે આ પોન્‍ઝી સ્‍કીમ હેઠળ છેતરપિંડી આચરી હોવાની અને ગુજરાતમાં આશરે ૩૦૦ કરોડની રકમ ઉસેડી લીધી હોવાનું જાણવા મળ્‍યું હતું. હાલ આ ટોળકીના સભ્‍યો બીઝેડ કંપનીના સંચાલકની જેમ ભુગર્ભમાં ઉતરી ગયા છે. જેના વિરુદ્ધ સુરત પોલીસમાં ગુનો નોંધાયો છે. જ્‍યારે રાજકોટ અને સૌરાષ્ટ્રના રોકાણકારોએ આ મામલે પોલીસ કમિશનર સમક્ષ ગુનો નોંધવા માટે રજૂઆત કરી છે.

૬૫૦૦ના ભાવે બે વર્ષ પૂર્વે ખરીદેલ ક્રિપ્‍ટો કરન્‍સીના આજે ૧૨ પૈસા ભાવ

બ્‍લોકવોરા કંપનીના પોન્‍ઝી સ્‍કીમમાં ફસાયેલા રોકાણકારોએ પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્‍યું હતુંકે, આ કંપની દ્વારા જે TABC ક્રિપ્‍ટો કરન્‍સીમાં રોકાણ કરાવવામાં આવ્‍યું હતું. બે વર્ષ પૂર્વે તેનો વિદેશી ડોલરમાં ભાવ ૬૧ રૂપિયા હતો એટલે કે, જે તે વખતે રોકાણકારોએ એક કરન્‍સીનો ભાવ રૂપિયા ૬,૫૦૦ દેખાડવામાં આવ્‍યો હતો અને આ ટોળકીએ રોકાણકારોને લોભામણી લાલચ આપી રૂપિયા પડાવી ભાગી ગયા હોય ત્‍યારે હાલ બે વર્ષ પછી ૬૫૦૦ના ભાવે ખરીદેલી આ ક્રિપ્‍ટો કરન્‍સીનો ભાવ ૧૨ પૈસા થઈ ગયો છે. મોંઘા ભાવે ખરીદેલ આ ક્રિપ્‍ટોકરન્‍સી હાલ પાણીના ભાવે બજારમાં વહેંચાઈ રહી છે.

(9:50 AM IST)