<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

૭૧૬૦ રૂપિયાનું લાઈટ બિલ ભરવા કોથળો ભરીને સિક્કા આપ્‍યા

કર્મચારીઓને ગણવામાં પરસેવો વળી ગયો : મહારાષ્ટ્રના વાશિમમાંથી એક અનોખો કિસ્‍સો સામે આવ્‍યો : સિક્કાને ગણવામાં ત્રણ કર્મચારીઓને લગભગ પાંચ કલાક લાગ્‍યા હતા

વાશિમ, તા.૧૮: મહારાષ્ટ્રના વાશિમમાંથી એક અનોખો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં મહાવિતરણ વીજળી કંપનીની વસૂલી અભિયાન દરમ્‍યાન એક વિચિત્ર ઘટના જોવા મળી. જિલ્લાના રિસોડ શહેરના એક ગ્રાહકે પોતાનું ૭ ૧૬૦ રૂપિયાનું લાઈટ બિલ ભરવા માટે એક અને બે રૂપિયાના સિક્કાથી ભર્યું હતું. આ સિક્કાનો કુલ વજન લગભગ ૪૦ કિલો હતો.

મહાવિતરણ વીજળી કંપનીના કર્મચારીઓએ આ સિક્કા ગ્રાહક પાસેથી લઈને કાર્યાલય સુધી મોટરસાયકલ પર એક કિલોમીટરનું અંતર કાપીને લાવ્‍યા હતા. તો વળી આ સિક્કાને ગણવામાં ત્રણ કર્મચારીઓ પ્રશાંત થોટે (કેશિયર), ઉદ્ધવ ગજભાર (લાઈનમેન) અને અતુલ થેર (કોન્‍ટ્રાક્‍ટર)ને લગભગ પાંચ કલાક લાગ્‍યા હતા.

એટલું જ નહીં, આ સિક્કા ગણતી વખતે કર્મચારીઓને ભારે મહેનત થઈ અને ઠંડી હોવા છતાં પરસેવો વળી ગયો. જોકે આ સિક્કા ચલણમાં હોવાથી કર્મચારીઓ ગ્રાહક પાસેથી સિક્કા લેવાની ના પણ પાડી શકયા નહીં.

તો વળી આ મામલાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્‍યો છે. જેમાં જોઈ શકાય છે કે વીજળી વિભાગની ઓફિસમાં કર્મચારીઓ ટેબલ પર સિક્કાનો ઢગલો જોઈ શકાય છે.

આપને જણાવી દઈએ કે, ગત મહિને નાગપુરમાં મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસે કહ્‍યું હતું કે, તેમની સરકારે રાજ્‍યના ઊર્જા ક્ષેત્ર માટે આગામી ૨૫ વર્ષ માટે રોડમેપ તૈયાર કર્યો છે. તેનાથી ઉદ્યોગ સહિત તમામને સસ્‍તી વીજળી પૂરી પાડવામાં આવશે. તેમણે બે-ત્રણ વર્ષમાં મહારાષ્ટ્રમાં વીજળીના રેટ ઓછા થવાની સંભાવના પણ વ્‍યક્‍ત કરી છે.

(10:44 AM IST)