<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

સૈફઅલી ખાન હુમલા કેસમાં મધ્યપ્રદેશમાંથી અન્ય એક શકમંદની અટકાયત:મુંબઈ પોલીસ દ્વારા સઘન પૂછપરછ

સૈફ અલી ખાન પર હુમલા મામલે એક શંકાસ્પદ વ્યક્તિ મુંબઈના દાદર રેલ્વે સ્ટેશન પર જોવા મળ્યો હોવાના અહેવાલ

મુંબઈ : અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાના મામલામાં પોલીસ એક્શન મોડમાં છે. મુંબઈ પોલીસે મધ્યપ્રદેશમાંથી અન્ય એક શકમંદની અટકાયત કરી છે. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. અગાઉ, શુક્રવારે એટલે કે 17 જાન્યુઆરીએ, પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હતી અને તેની પૂછપરછ કરી હતી. જો કે, પાછળથી જાણવા મળ્યું કે તે વ્યક્તિને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી.

મુંબઈ પોલીસે આરોપીઓને પકડવા માટે 35 થી વધુ ટીમો તૈનાત કરી છે. તેમજ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર હુમલાને અંજામ આપનાર શકમંદ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશન અને રેલવે સ્ટેશન વચ્ચે જોવા મળ્યો હતો. હુમલા બાદ શંકાસ્પદ સવાર 8 વાગ્યા સુધી બાંદ્રા વિસ્તારમાં નાસતો ફરતો હતો, પરંતુ પોલીસ તેની ધરપકડ કરી શકી ન હતી.

સૈફ અલી ખાન પર હુમલા મામલે એક શંકાસ્પદ વ્યક્તિ મુંબઈના દાદર રેલ્વે સ્ટેશન પર જોવા મળ્યો હોવાના અહેવાલ છે. આ વ્યક્તિ સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુંબઈ ક્રાઈમ બ્રાંચે દાદરમાં એક મોબાઈલ શોપમાંથી સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યા છે, જ્યાં સૈફ અલી ખાન પર હુમલો કર્યા બાદ શંકાસ્પદ ઈયરફોન ખરીદવા ગયો હતો. શકમંદ ‘ઇકરા’ નામની દુકાનમાં આવ્યો હતો. દુકાન પર કામ કરતા હસને કહ્યું કે, 'તે (શંકાસ્પદ વ્યક્તિ) મારી દુકાને આવ્યો અને 50 રૂપિયામાં ઈયરફોન ખરીદ્યા અને મને 100 રૂપિયા આપ્યા, મેં તેને 50 રૂપિયા પરત કર્યા અને તે દુકાન છોડીને જતો રહ્યો. ગઈકાલે (શુક્રવારે) કેટલાક પોલીસ અધિકારીઓ દુકાનમાં આવ્યા હતા અને સીસીટીવી ફૂટેજ લીધા હતા. પોલીસે શંકાસ્પદવિશે પૂછપરછ કરી. મને ખબર ન હતી કે તેણે શું કર્યું છે.

સૈફ અલી ખાનની પત્ની અને અભિનેત્રી કરીના કપૂરે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ઝપાઝપી દરમિયાન હુમલાખોર ખૂબ જ આક્રમક થઈ ગયો હતો. જોકે, તેણે ખુલ્લામાં રાખેલા દાગીનાને હાથ પણ લગાવ્યો ન હતો.

કરીનાએ નિવેદનમાં કહ્યું કે, હુમલાખોરે સતગુરુ શરણ બિલ્ડિંગના 12મા માળે સ્થિત તેના એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યા બાદ સૈફ પર હુમલો કર્યો. સૈફને ગળા સહિત અનેક જગ્યાએ છરી વડે ઘા કરવામાં આવ્યા હતા. આ પછી સૈફને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ઈમરજન્સી સર્જરી કરવામાં આવી.

(6:52 PM IST)