<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

અમદાવાદ, બેંગ્લુરુ, મુંબઈ સહિત દેશના આઠ શહેરોમાં મકાનોના વેચાણમાં 26 ટકાનો ઘટાડો

મહારાષ્ટ્ર-હરિયાણામાં ચૂંટણી તથા પ્રોપર્ટીની અસાધારણ ઊંચી કિંમત જવાબદાર

મુંબઈ :ત્રિમાસિક ધોરણે પ્રોપર્ટીની માંગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ચાર ત્રિમાસિક ગાળા એટલે કે છેલ્લા એક વર્ષ દરમિયાન મકાનોના વેચાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પ્રોપટાઈગર ડોટ કોમના એક અહેવાલ પ્રમાણે અમદાવાદ, બેંગ્લુરુ, મુંબઈ સહિત દેશના આઠ મહત્વના શહેરોમાં મકાનોના વેચાણમાં વર્ષ 2024ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 26 ટકાનો ઘટાડો થયો છે.

વેચાણમાં થયેલ આ ઘટાડા માટે મુખ્ય કારણ મહારાષ્ટ્ર-હરિયાણામાં ચૂંટણી તથા પ્રોપર્ટીની અસાધારણ ઊંચી કિંમત જવાબદાર માનવામાં આવે છે. આ સંજોગોમાં શું રિયલ એસ્ટેટ માર્કેટમાં જે તેજી વ્યાપી હતી તેનો તબક્કો પૂરો થયો છે? શું ફરી એક વખત મંદીના પડઘમ વાગી રહ્યા છે?

પ્રોપર્ટી માર્કેટના નિષ્ણાતોનું માનવું છે કે મંદીની શરૂઆત થઈ છે તે કહેવું અત્યારે ઉતાવળ ગણાશે. પણ એ બાબત સ્પષ્ટ છે કે સ્થિતિ સંતોષજનક નથી. માર્કેટમાં પ્રોપર્ટીની કિંમતો યુઝર્સના બજેટની બિલકુલ બહાર જતી રહી છે. હકીકતમાં ઘરની ખરીદી કરવા ઈચ્છતા એટલે કે જરૂરિયાતમંદ વ્યક્તિ મકાનની ખરીદી કરી શકતા નથી. આ સંજોગોમાં રોકાણકારો એટલે ક ઈન્વેસ્ટર્સની શક્તિના આધારે માર્કેટને લાંબા સમય સુધી ચલાવી શકાય તેમ નથી. જો આ સ્થિતિ યથાવત રહેશે તો ચોક્કસપણે મંદીના વાદળ ઘેરાય તેવી શક્યતા છે.

અહેવાલ પ્રમાણે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એટલે કે NCR સીવાય વાર્ષિક ધોરણે અન્ય શહેરોમાં મકાનોના વેચાણમાં ઘટાડો થયો છે. દિલ્હી NCRમાં વેચાણ 50 ટકા વધ્યું છે. જ્યારે અમદાવાદમાં 34 ટકા, બેંગ્લુરુમાં 23 ટકા, ચેન્નઈમાં 5 ટકા, હૈદરાબાદમાં 36 ટકા, કોલકાતામાં 22 ટકા, મુંબઈમાં 31 ટકા અને પુણેમાં 31 ટકાનો ઘટાડો થયો છે.

આ અહેવાલ પ્રમાણે રાજ્યોમાં ચૂંટણીની અસર નવા સપ્લાઈ પર પણ જોવા મળી છે. અમદાવાદમાં નવા પ્રોજેક્ટ લોંચિંગમાં 61 ટકા, હૈદરાબાદમાં 66 ટકા, કોલકાતામાં 41 ટકા, મુંબઈમાં 39 ટકા અને પુણેમાં 39 ટકા ઘટાડો થયો છે. જોકે દિલ્હી NCRમાં નવા પ્રોજેક્ટ લોંચિંગમાં 133 ટકા, બેંગ્લુરુમાં 20 ટકા અને ચેન્નઈમાં 34 ટકાનો વધારો થયો છે.

(4:51 PM IST)