News of Monday, 20th January 2025
પીઓકે ભારતનું મુગટ રત્ન છે : તેના વિના જમ્મુ અને કાશ્મીર અધૂરૂ છે
રાજનાથ સિંહે પાકિસ્તાન પર જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનું કાવતરું ચાલુ રાખવાનો પણ આરોપ લગાવ્યો

લખનૌ, તા.૨૦: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરને ‘ભારતનું મુગટ રત્ન'ગણાવ્યું. તેમણે કહયું કે આ વિના જમ્મુ અને કાશ્મીર અધૂરું છે. રાજનાથ સિંહે પાકિસ્તાન પર જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનું કાવતરું ચાલુ રાખવાનો પણ આરોપ લગાવ્યો.
સંરક્ષણ પ્રધાન જૌનપુર જિલ્લાના નિઝામુદ્દીનપુર ગામમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. તેઓ અહીં ભાજપના વરિષ્ઠ નેતા જગત નારાયણ દુબેના ઘરે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. તેમણે કહયું, ‘આ (પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર) ભારતનું મુગટ રત્ન છે અને તેના વિના જમ્મુ અને કાશ્મીર અધૂરું છે.'
રાજનાથ સિંહે કહયું, ‘પાકિસ્તાન માટે, પીઓકે એક વિદેશી પ્રદેશથી વધુ કંઈ નથી, જેનો ઉપયોગ આતંકવાદ અને ભારત વિરોધી પ્રચારને પ્રોત્સાહન આપવા માટે થઈ રહયો છે.' ત્યાં (પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં) આતંકવાદી છાવણીઓ અને લોન્ચ પેડ્સનો નાશ કરવો જ જોઇએ, નહીં તો તેમને યોગ્ય જવાબ આપવો પડશે.
સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાની નેતા અનવર-ઉલ-હક પર તેમના ભારત વિરોધી નિવેદનો માટે પણ નિશાન સાધ્યું. તેમણે કહયું, પાકિસ્તાન ધાર્મિક આધાર પર લોકોને ભારત વિરુદ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહયું છે અને તેના નાગરિકો પર ત્રાસ ગુજારી રહયું છે.
તેમણે કહયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતળત્વમાં ભારત વિશ્વની સૌથી મોટી ડિજિટલ અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. ભારત, જે હવે સૌથી વધુ 5G વપરાશકર્તાઓ ધરાવે છે, તે ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગે છે.
સંરક્ષણ મંત્રીએ કહયું, આજે, જ્યારે ભારત બોલે છે, ત્યારે દુનિયા ધ્યાનથી સાંભળે છે. આપણા વૈજ્ઞાનિકો ભારતીય ભૂમિ પર સંરક્ષણ સાધનો બનાવી રહયા છે અને તેને અન્ય દેશોમાં નિકાસ કરી રહ્યા છે. આ ઉપરાંત, દેશમાં ૧.૩૦ લાખ સ્ટાર્ટ-અપ કાર્યરત છે. રાજનાથ સિંહે યુવાનોને ભારતના ઇતિહાસને ઊંડાણપૂર્વક જાણવા અપીલ કરી અને કહ્યું કે તે વિવિધ ક્ષેત્રોમાં દેશની સિદ્ધિઓને પ્રતિબિંબિત કરે છે.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
