<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

સુંદરતા બની દુશ્મન!! વાયરલ ગર્લ મોનાલિસાએ છોડ્યો મહાકુંભ : યુટ્યૂબર્સે ખુબ પરેશાન કરી દીધી

યુવતી યુટ્યૂબર્સ અને અન્ય લોકોથી એટલી પરેશાન થઈ ગઈ કે તેણે બાબાની શિબિરમાં આશરો લેવો પડ્યો: તેના પિતાએ તેને મધ્યપ્રદેશમાં તેના ઘરે પરત મોકલી દીધી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે, દરરોજ લાખો લોકો ત્યાં પહોંચી રહ્યા છે અને શ્રદ્ધાથી ડૂબકી લગાવી રહ્યા છે. જ્યાં એક તરફ વિશ્વના સૌથી મોટા મેળાની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ મહાકુંભમાં માળા વેચતી યુવતીએ પણ ભારે ચર્ચા ઊભી કરી હતી. તાજેતરમાં માળા વેચતી યુવતી સોશિયલ મીડિયા પર સ્ટાર બની હતી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી મોનાલિસા મહાકુંભ મેળો છોડીને પોતાના ઘરે પરત ફરી છે.

મહાકુંભમાં પોતાની સુંદરના લીધે વાઇરલ થયેલી ઇન્દોરની મોનાલિસા પોતાની સુંદરતાના લીધે જ પરેશાન થઈ ગઈ. આ યુવતી યુટ્યૂબર્સ અને અન્ય લોકોથી એટલી પરેશાન થઈ ગઈ કે તેણે બાબાની શિબિરમાં આશરો લેવો પડ્યો હતો. મોનાલિસાએ પોતાના જીવ પરના ખતરા વિશે જણાવ્યું હતું અને સીએમ યોગી આદિત્યનાથને સુરક્ષા માટે અપીલ કરી હતી.ત્યારબાદ અંતે તેણે મહાકુંભ છોડી દીધો.

મળતી માહિતી મુજબ મોનાલિસા બહાર જતા જ લોકોનું ટોળું તેને ઘેરી લેતું હતું જેના કારણે તે ડરી ગઈ હતી. તે જ સમયે, કેટલાક લોકોએ મોનાલિસાને તેની સુંદરતાના કારણે મહાકુંભમાંથી ઉઠાવી જવાની પણ ધમકી પણ આપી હતી. આ સિવાય સોશિયલ મીડિયા પર મોનાલિસાનું વાયરલ થવું તેના માટે એક સમસ્યા બની ગયું હતું કારણ કે લોકો તેની સાથે ફોટોગ્રાફ્સ લેતા હતા અને તેની સાથે પરાણે વાત કરવાનો પ્રયાસ કરતા હતા. આ બધા કારણોસર મોનાલિસાને મહાકુંભ છોડવો પડ્યો હતો.

મોનાલિસાની બહેનો હજુ પણ મહાકુંભ મેળામાં માળા વેચી રહી છે. મોનાલિસાની બહેને જણાવ્યું કે લોકો મોનાલિસાની પાછળ દોડવા લાગ્યા હતા. તે જ્યાં પણ જતી ત્યાં લોકો તેનો પીછો કરવા લાગ્યા. જેના કારણે તેનું કામ પૂર્ણ થંભી ગયું હતું. ત્યારે તેના પિતાએ તેને મધ્યપ્રદેશમાં તેના ઘરે પરત મોકલી દીધી છે.

આ વીડિયો 19 જાન્યુઆરીએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @laxmi_nath_official2 પરથી પોસ્ટ કરાયો હતો. તેણે કેપ્શનમાં લખ્યું - મુશ્કેલીમાં મુકાયેલી મોનાલિસાએ મોબાઈલ તોડી નાખ્યો. વાઇરલ ક્લિપમાં જોઈ શકાય છે કે યુટ્યૂબર્સ અને લોકોનાં ટોળાએ મોનાલિસાને ઘેરી લીધી છે.

તો અન્ય વીડિયોમાં જોઈ શકાય છે કે મોનાલિસા પોતાને લોકોથી બચાવવા માટે માસ્ક અને ચશ્માંનો સહારો લેતી જોવા મળે છે. બ્રાઉન બ્યુટી તરીકે ફેમસ થઈ રહેલી મોનાલિસા મહાકુંભમાં માળા વેચવા ગઈ હતી. મહાકુંભમાં કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને તે વાઇરલ થઈ ગયો. ત્યારથી લોકો મહાકુંભમાં મોનાલિસાને શોધતા હતા તેની સાથે ફોટોગ્રાફ્સ તેમજ તેનો વીડિયો બનાવી રહ્યા હતા. આ કારણે મોનાલિસા અને તેના પરિવારને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મોનાલિસા મધ્યપ્રદેશના મહેશ્વરની રહેવાસી છે. તે તેના પરિવાર સાથે મહાકુંભ મેળામાં રૂદ્રાક્ષની માળા વેચવા આવી હતી. મેળામાં આવેલા કેટલાક યુટ્યુબર્સે તેની સાથે વાત કરી હતી. તેણે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. મોનાલિસાની તસવીરો ઈન્ટરનેટ પર જંગલની આગની જેમ ફેલાઈ ગઈ. મોનાલિસા સોશિયલ મીડિયા પર રાતોરાત સ્ટાર બની ગઈ. લોકો તેની સુંદરતા અને સાદગીના દિવાના બની ગયા હતા. હાલમાં લોકોથી પરેશાન થઈને મોનાલિસા પોતાના ઘરે પરત ફરી છે

(6:44 PM IST)