<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

દીકરીનાં લગ્ન માટે પીઠીની હળદર ખાંડતી વખતે મમ્‍મીને જીવલેણ હાર્ટ-અટેક આવ્‍યો

મૃત્‍યુને લીધે ગુરૂવારે થનારા પુત્રીના લગ્ન મુલતવી રાખવામાં આવ્‍યા

મુંબઈ તા. ૨૧ : દીકરીનાં લગ્નનાં અમાપ ઓરતાં ધરાવતાં મમ્‍મી દીકરીનાં લગ્નની તૈયારીરૂપે રવિવારે સવારે લગ્નનાં ગીતો ગાતાં-ગાતાં પીઠી ચોળવાની હળદર ખાંડી રહ્યાં હતાં ત્‍યારે અચાનક જ તેમને હાર્ટ-અટેક આવ્‍યો અને તેઓ સૌની સામે જ ઢળી પડ્‍યાં હતાં. તેમને તરત જ નજીકની હોસ્‍પિટલમાં લઈ જવાયાં હતાં, પણ ડોક્‍ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. 

મુલુંડ-વેસ્‍ટમાં રહેતાં ૫૧ વર્ષનાં કચ્‍છી લોહાણા રેખા અરવિંદ સોનાઘેલાની એક દીકરીનાં લગ્ન થઈ ગયાં છે અને ગુરૂવારે બીજી દીકરી રવીનાનાં લગ્ન લેવાયાં હતાં. જોકે તેમના નિધનને કારણે હવે એ લગ્ન મુલતવી રાખવામાં આવ્‍યાં છે. નવી મુંબઈની APMCમાં દલાલી કરતા તેમના પતિ અરવિંદભાઈએ કહ્યું હતું કે ‘અમારી દીકરીનાં લગ્ન હોવાથી રવિવારે સાંજે ઘરે ગાયત્રી પાઠ રાખ્‍યો હતો. સવારે ઘરમાં કુટુંબ અને સંબંધી મહિલાઓનો કાર્યક્રમ હતો. અમારા રિવાજ મુજબ તેઓ પીઠી માટે ખાયણી-દસ્‍તામાં હળદર ખાંડી રહ્યાં હતાં. મારી પત્‍ની રેખા પણ ખાંડતાં-ખાંડતાં ગીતો ગાઈ રહી હતી અને અચાનક જ ઢળી પડી હતી. હું તે વખતે કામસર બહાર ગયો હતો. પાડોશી અને સોસાયટીના યંગસ્‍ટર્સ તેને તરત જ નજીકની હોસ્‍પિટલમાં લઈ ગયા, પણ ડોક્‍ટરોએ કહ્યું કે તે મૃત્‍યુ પામી છે. તેને હાર્ટ-અટેક આવ્‍યો હતો. હવે આ બનાવ બનતાં દીકરીનાં લગ્ન મુલતવી રાખ્‍યાં છે.'

આમ જયાં શરણાઈના સૂર વાગવાના હતા ત્‍યાં મોતનો માતમ છવાઈ ગયો છે.

(9:59 AM IST)