<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

કુંભમેળામાંથી જતી રહી ઇન્‍ટરનેટ સેન્‍સેશન મોનાલિસા

આંખો અને સુંદરતાને કારણે તે રાતોરાત સોશિયલ મીડિયા પર સ્‍ટાર બની ગઇ હતી : જ્‍યાં જુઓ ત્‍યાં બસ એની સુંદરતાની જ ચર્ચા થઇ રહી હતી : મોનાલિસા જેવી ઘરેથી બહાર નીકળતી કે લોકોની ભીડથી ઘેરાઇ જતી હતી : આ જ કારણે તેને ડર લાગવા લાગ્‍યો અને કેટલાકોએ તો મોનાલિસાને મહાકુંભમાંથી ઉઠાવી જવાની ધમકી પણ આપી હતી

ઈન્‍દોર તા. ૨૧ : હાલમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૧૪૪ વર્ષ બાદ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે અને આ મહાકુંભમાંથી દરરોજ કોઈને કોઈ એવી ચોંકાવનારી અને આનંદિત કરનારી માહિતીઓ સામે આવી રહી છે. આવી જ એક વાઈરલ ગર્લ હતી મોનાલિસા. મહાકુંભમાં મોનાલિસા નામની ૧૬ વર્ષની કિશોરી રૂદ્રાક્ષની માળા વેચવા આવી હતી અને તે તેની આંખોને કારણે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ હતી. પરંતુ હવે આ મોનાલિસા મહાકુંભ છોડીને જતી રહી હોવાની વાતો સામે આવી રહી છે.

મૂળ ઈન્‍દોરની ૧૬ વર્ષની મોનાલિસા પોતાના માતા સાથે મહાકુંભમાં રૂદ્રાક્ષની માળા વેચવા માટે આવી હતી. તેની આંખો અને સુંદરતાને કારણે તે રાતોરાત સોશિયલ મીડિયા પર સ્‍ટાર બની ગઈ હતી. જયાં જુઓ ત્‍યાં બસ એની સુંદરતાની જ ચર્ચા થઈ રહી હતી. પરંતુ હવે આ મોનાલિસા મહાકુંભમાંથી જતી રહી હોવાની માહિતી સામે આવી રહી છે. એટલું જ નહીં પણ મહાકુંભની વાઈરલ ગર્લ મોનાલિસાએ પોતાના જીવને જોખમ હોવાની વાત પણ કહી હતી. તેણે સીએમ આદિત્‍યનાથ પાસે સુરક્ષા પણ માંગી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર મોનાલિસા જેવી ઘરેથી બહાર નીકળતી કે લોકોની ભીડથી ઘેરાઈ જતી હતી. આ જ કારણે તેને ડર લાગવા લાગ્‍યો અને કેટલાકોએ તો મોનાલિસાને મહાકુંભમાંથી ઉઠાવી જવાની ધમકી પણ આપી હતી. મોનાલિસાનું સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ જવું જ તેના માટે માથાનો દુઃખાવો બની ગયું હતું. કેટલાક લોકો તેની સાથે બળજબરીથી ફોટો ખેંચવાની કે વાતો કરવાનો પ્રયાસ કર્યો હતો જેને કારણે મોનાલિસાએ કુંભ છોડવાનું નક્કી કર્યું હતું.

મોનાલિસા ભલે મહાકુંભથી ઘરે પાછી ફરી હોય પણ તેની બહેન આજે પણ મહાકુંભમાં માળાઓ વેચી રહી છે અને તેણે જ જણાવ્‍યું હતું કે લોકો મોનાલિસાની પાછળ પાછળ દોડવા લાગ્‍યા હતા. તે જયાં પણ જતી ત્‍યાં લોકો એની પાછળ પાછળ પહોંચી જતા હતા. આ બધાથી મોનાલિસા કંટાળી ગઈ હતી અને પિતાએ તેને મધ્‍ય પ્રદેશ પોતાના ઘરે પાછી મોકલાવી દીધી હતી.

મોનાલિસા મૂળ મધ્‍યપ્રદેશના મહેશ્વરમાં રહે છે અને તે પોતાના પરિવાર સાથે મહાકુંભમાં માળાઓ વેચવા માટે પહોંચી હતી. મેળામાં આવેલા કેટલાક યુટ્‍યૂબર્સે તેની સાથે વાત કરી હતી, પરંતુ ત્‍યાર બાદથી જ તેનો વીડિયો વાઈરલ થઈ ગયો હતો અને બાદમાં મોનાલિસા ઈન્‍ટરનેટ સેન્‍સેશન બની ગઈ હતી.(૨૧.૫)

(10:17 AM IST)