<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

ડિજિટલ ધરપકડ કરી મહિલા સાથે ૨.૨૭ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર ૧૯ વર્ષીય ઠગની ધરપકડ

વીડિયો કોલ કરનાર વ્‍યક્‍તિએ દાવો કર્યો હતો કે તેના બેંક ખાતામાંથી મની લોન્‍ડરિંગ કરવામાં આવ્‍યું હતું

દેહરાદૂન, તા.૨૧: ઉત્તરાખંડ સ્‍પેશિયલ ટાસ્‍ક ફોર્સ (STF) એ ડિજિટલ ધરપકડના કેસમાં જયપુરથી એક વ્‍યક્‍તિની ધરપકડ કરી છે. પોલીસે સોમવારે જણાવ્‍યું હતું કે આરોપીએ દહેરાદૂનની એક મહિલા સાથે ૨.૨૭ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. વરિષ્ઠ પોલીસ અધિક્ષક નવનીત સિંહે અહીં જણાવ્‍યું હતું કે જયપુરથી ધરપકડ કરાયેલ ઠગ માત્ર ૧૯ વર્ષનો છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, નીરજ ભટ્ટ એક સાયબર ક્રિમિનલ ગેંગનો સભ્‍ય હતો. તેણે મુંબઈ પોલીસના સાયબર ક્રાઈમ વિભાગના અધિકારી તરીકે ઓળખ આપીને છેતરપિંડી આચરવાનો આરોપ છે. એસએસપીએ જણાવ્‍યું કે, દેહરાદૂનના નિરંજનપુર વિસ્‍તારની રહેવાસી પીડિતાએ થોડા દિવસો પહેલા આ કેસમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં પીડિતાએ જણાવ્‍યું હતું કે ૯ સપ્‍ટેમ્‍બરના રોજ તેને વોટ્‍સએપ પર એક વીડિયો કોલ આવ્‍યો હતો. જેમાં પોલીસ યુનિફોર્મમાં દેખાતા એક વ્‍યક્‍તિએ તેને કહ્‍યું હતું કે મની લોન્‍ડરિંગ કેસમાં તેની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્‍યું છે. વીડિયો કોલ કરનાર વ્‍યક્‍તિએ દાવો કર્યો હતો કે તેના બેંક ખાતામાંથી મની લોન્‍ડરિંગ કરવામાં આવ્‍યું હતું. તેને આ માહિતી કોઈની સાથે શેર ન કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. તેને કહેવામાં આવ્‍યું હતું કે જો તેણે આવું કર્યું, તો તેને જેલમાં જવું પડી શકે છે અને દંડ પણ ભરવો પડી શકે છે.

પીડિતાએ જણાવ્‍યું કે જ્‍યારે તેણીએ ફોન કરનારને કેસમાંથી બહાર કાઢવા કહ્‍યું, ત્‍યારે તેણે તેણીને તેના કથિત ઉચ્‍ચ અધિકારીઓ સાથે વાત કરવા માટે મજબૂર કરી. આ સમય દરમિયાન તેમને કયાંય બહાર ન જવા માટે કહેવામાં આવ્‍યું હતું.

ફોન કરનારે તેને ક્‍લીનચીટ મેળવવા માટે પૈસા ટ્રાન્‍સફર કરવાનું પણ કહ્‍યું. તેમણે એમ પણ કહયું કે આ પૈસા એક-બે દિવસમાં પરત મળી જશે. તેણે કહ્‍યું કે તમારા ખાતા પર સંપૂર્ણ નજર રાખવામાં આવી રહી છે. પીડિતાએ કહયું કે જ્‍યારે ટ્રાન્‍સફર કરેલા પૈસા વચન મુજબ પાછા ન આવ્‍યા, ત્‍યારે તેને ખ્‍યાલ આવ્‍યો કે તેની સાથે છેતરપિંડી થઈ છે. પરંતુ ત્‍યાં સુધીમાં તેમને ૨.૨૫ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થઈ ચૂકયું હતું.

એસએસપીએ જણાવ્‍યું હતું કે પોલીસે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા ખાતા અને મોબાઇલ નંબરો વિશે માહિતી મેળવવા માટે સંબંધિત બેંકો અને સેવા પ્રદાતાઓની મદદ લીધી હતી. તેમણે કહયું કે, ડેટા વિશ્‍લેષણ અને ટેકનિકલ અને ડિજિટલ પુરાવાઓનો ઉપયોગ કરીને, ઘટનામાં સામેલ મુખ્‍ય આરોપીની ઓળખ કરવામાં આવી હતી, જેના પગલે ધરપકડ કરવામાં આવી હતી.

(10:28 AM IST)