<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

બાઇડન શાસનથી અમેરિકાને ખૂબ નુકસાનઃ રામા

મોદીજીએ વિશ્વમાં ભારતની આગવી ઇમેજ બનીઃ બાઇડેન નીતિથી અમેરિકામાં ઘુસણખોરો ઘુસ્‍યા... ગરીબી-ગુન્‍હાખોરીના દ્રશ્‍યોઃ ઇકોનોમી ખલાશઃ ટ્રમ્‍પ શાસન આશાસ્‍પદ ગુજરાતીઓ લીગલી અમેરિકા આવેઃ અમેરિકી જીવન કઠીન, કામ કરો તો જ ભોજન મળેઃ ભારત સોથી સલામત દેશઃ આમ પી. રામાએ પોતાના પુત્રોને ભારતમાં અભ્‍યાસ કરાવ્‍યો

રાજકોટઃ અમેરિકી હોટલમાં છવાયેલા ગુજરાતી આર.પી.રામા તાજેતરમાં ‘ અકિલા' ની મુલાકાતે આવ્‍યા હતા. તેઓ વિવિધ વિષયોના ખૂબ અભ્‍યાસુ છે. ચાર દાયકાના અનુભવો અને અભ્‍યાસના આધારે તેઓએ જણાવ્‍યું હતું કે, બાઇડન શાસનથી અમેરિકાને ખૂબ જ નુકસાન થયું છે. ઇકોનોમી ખલાસ જેવી થઇ ગઇ છે. ફૂગાવો વધ્‍યો છે. ઉપરાંત ઉદારનીતિના કારણે અમેરિકામાં ૫૦ થી ૭૦  લાખ લોકો ગેરકાયદેઘુસી ગયા છે. મોટાભાગના ઘુસણખોરો માર્ગો પર રહે છે. નોકરી શોધવા ભટકે છે. ગંદકી ફેલાવે છે અને ગુન્‍હાખોરી આચરે છે. આ કારણે અમેરિકાની ઇમેજ બગડી છે.

શ્રી રામ કહે છે કે, ભારતની ઇમેજ વિશ્વમાં અનોખી બની છે, જે મોદીજીના નેતૃત્‍વના કારણે શકય બન્‍યું છે. નરેન્‍દ્રભાઇ વર્લ્‍ડ લીડર તરીકે ઉભર્યા છે. આધ્‍યાત્‍મિક શ્રી અરવિંદે આગાહી કરી હતી કે ભારતમાં આધ્‍યાત્‍મિક બળ ધરાવતું નેતૃત્‍વ ઉભરશે, જે વિશ્વને પ્રભાવિત કરશે. મોદીજીમાં આવા દર્શન થાય છે.

ટ્રમ્‍પ શાસન અંગે આર.પી.રામાએ જણાવ્‍યું હતું કે, ઘુસણખોરો પ્રત્‍યેની નીતિ અનિવાર્ય છે. અમેરિકાના હિતમાં છે, પણ આ નીતિથી વિવાદો થશે. ટ્રમ્‍પની પ્રથમ ટ્રપમાં ઇકોનોમી સારી રીતે ચાલી હતી. પ્રોત્‍સાહન ખૂબ હતું. બીજી ટર્મમાં પણ આવી અપેક્ષા છે. ઉપરાંત ટ્રમ્‍પનું ભારત પ્રત્‍યેનું વલણ પણ સહયોગી રહે અને બંને દેશને લાભ થાય તેવી આશા છે.

આર.પી. રામાએ જણાવ્‍યું હતું. કે, ભારતીયો-ગુજરાતીઓને અમેરિકા પ્રત્‍યે આકર્ષણ રહે છે, પણ હું સ્‍પષ્‍ટ કહું છું કે, લીગલી  સ્‍વરૂપે જ અમેરિકા જાવ. ત્‍યાં જઇને પણ સંઘર્ષની માનસિકતા રાખજો. કારકિર્દી ઘડવી અઘરી છે. કામ કરે તેને જ ખાવા મળે એવી સ્‍થિતિ છે. અનુભવ અને સ્‍થિતિના આધારે કહું છું કે, ભારત સોૈથી સલામત દેશ છે.  મે મારા બાળકો સંજય અને હિરેનને ભારતમાં શિક્ષણ લેવડાવ્‍યું છે. મારા જીવનસાથી દક્ષાને સહમત કરીને બાળકોને ભારત ભણવા મોકલ્‍યા હતા.

ભારતમાં સામાન્‍ય પરિવારોને પણ નોકર-ચાકરની સુવિધા મળે છે. અમેરિકામાં આજે પણ મારા ઘેર રસોઇયા કે કામવાળા નથી, બધું જાતે કરવું પડે છે, તેમ જણાવીને આર.પી.એ કહયું હતું કે, સંઘર્ષ કરીને આગળ ધપવાની તૈયારી હોય તો લીગલી અમેરિકા જવાનું વિચારજો.

આર.પી. રામા અને તેનો પરિવાર આધ્‍યાત્‍મિક શકિતઓ પર ભરોસો કરે છે. તેઓ શ્રી અરવિંદ અને શ્રી માતાજીના અનુયાયી છે. અને નિયમિત ધ્‍યાન કરે છે. આર.પી. કહે છે. કે, તન-મન અને ભાવનાત્‍મકત સ્‍વાસ્‍થ્‍ય માટે ધ્‍યાન ઉત્તમ અને જરૂરી છે.

(10:32 AM IST)