News of Tuesday, 21st January 2025
મહાકુંભમાં સનાતન રત્ન સન્માન મોદી અને યોગી આદિત્યનાથને મળશે
રામ મંદિરમાં મોટું ડોનેશન આપનારા ગોવિંદભાઈ ધોળકિયાનું પણ સન્માન કરવામાં આવશે

પ્રયાગરાજ, તા.૨૧: પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં શુક્રવારે ૨૪ જાન્યુઆરીએ બપોરે બે વાગ્યે અખિલ ભારતીય દંડી સ્વામી સમાજ અને અખિલ ભારતીય સનાતન ધર્મ સંસદ વતી સનાતન રત્ન સન્માન આપવામાં આવશે અને આ વખતે વડા પ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પણ આ સન્માન એનાયત થશે. આ સન્માન તેમને આપવામાં આવશે જેમણે કળા, સંસ્કળતિ, પરોપકાર, હિન્દુત્વ દર્શન, પર્યાવરણ, હરિત ક્રાન્તિ સહિત અલગ-અલગ વિષયોમાં અનોખું કામ કર્યું છે.
બલદેવ દાસ બિરલાએ દેશમાં અનેક બિરલા મંદિર બનાવ્યાં છે, ઘનશ્યામદાસ બિરલા પરિવારને સન્માનિત કરાશે. હિન્દુજા ફાઉન્ડેશને નદીઓના સંરક્ષણ માટે કામ કર્યું છે, આ અશોક હિન્દુજાના પિતા પરમાનંદ હિન્દુજાની પહેલ છે, તેમને પણ સન્માનિત કરાશે.
ડાયમન્ડના મોટા વેપારી દિલીપ કુમાર લાખીએ સોમનાથ, કાશી વિશ્વનાથ અને રામ મંદિરમાં મોટા પાયે સુવર્ણનું દાન કર્યું છે, તેમને સન્માનિત કરાશે. રામ મંદિરમાં મોટું ડોનેશન આપનારા ગોવિંદભાઈ ધોળકિયાનું પણ સન્માન કરવામાં આવશે.
આ સિવાય વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક આનંદ શંકરના ભત્રીજા પ્રવીણ શંકર, મહારાજા ગજ સિંહ, મહારાજા પદ્મનાથ સિંહ, રાજમાતા દિયા કુમારી, પર્યાવરણ ક્ષેત્રે કામ કરનારા ચિદાનંદ મુનિ અને સ્વામી રામદેવ વગેરેને સન્માનિત કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં શંકરાચાર્યો સહિત વિવિધ સાધુ-સંતોની શિબિરમાં જઈને તેમને આપવામાં આવતી સુવિધાની સમીક્ષા કરી હતી. સંતો સાથે ચર્ચા કરીને તેમની શિબિરોની અડચણોને તાત્કાલિક દૂર કરવાના આદેશ આપ્યા હતા. યોગી આદિત્યનાથે શંકરાચાર્યોના મહાકુંભમાં સામેલ થવાની બાબતને સુખદ ગણાવીને તેમણે શંકરાચાર્યોના આશીર્વાદ પણ લીધા હતા.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
