<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

સૈફ અલી ખાન પર હુમલા કેસ:આરોપી સાથે રીક્રીએશન કર્યું સીન:બિલ્ડીંગની પાછળની બાજુથી અંદર ઘુસ્યો હતો

આરોપીએ કહ્યું કે, ગેટ ક્રોસ કર્યા પછી તેને એસી ડક્ટનો ઉપયોગ કર્યો અને ઘરની અંદર પહોંચ્યો:પોલીસ આરોપીને ઘરની નજીકના બગીચામાં અને બાંદ્રા રેલ્વે સ્ટેશન પર પણ ગઈ હતી

મુંબઈ :સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં, મુંબઈ પોલીસે આરોપી મોહમ્મદ શરીફુલ ઈસ્લામ ઉર્ફે શહેઝાદ સાથે ઘટનાનું રીક્રીએશન કર્યું હતું. પોલીસ આરોપીને સૈફ અલી ખાનની બિલ્ડીંગની પાછળની બાજુથી ઘરમાં પ્રવેશવાના માર્ગ સુધી લઈ ગઈ હતી. આરોપીએ જણાવ્યું કે, ગેટ ક્રોસ કર્યા પછી તેને એસી ડક્ટનો ઉપયોગ કર્યો અને ઘરની અંદર પહોંચ્યો. આ સીન ફરીથી રિક્રિએટ કરવા માટે, પોલીસ આરોપીને ઘરની નજીકના બગીચામાં અને બાંદ્રા રેલ્વે સ્ટેશન પર પણ લઈ ગઈ હતી, જ્યાં તે ઘટના પછી પહોંચ્યો હતો. આરોપીની દરેક ક્રિયાને પુનરાવર્તિત કરવામાં આવી હતી જેથી ઘટનાનો ક્રમ સમજી શકાય.

 

મળતી માહિતી મુજબ, સૈફ અલી ખાનને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. સૂત્રોનું માનીએ તો, તેને સવારે 11 થી 3 વાગ્યાની વચ્ચે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. આ દરમિયાન કરીના કપૂર ખાન પણ હોસ્પિટલ પહોંચી રહી છે. હુમલા બાદ તેને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી અને હવે તેની હાલતમાં ઘણો સુધારો છે.

 

કોર્ટે આરોપીને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહજાદે પોલીસની પ્રારંભિક પૂછપરછ દરમિયાન કબૂલ્યું છે કે તે રાત્રે તે સૈફ અલી ખાનના ઘરે ગયો હતો અને તેણે સૈફ પર હુમલો પણ કર્યો હતો.

 

આરોપીની ધરપકડ કર્યા બાદ મુંબઈ પોલીસે રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ કોન્ફરન્સમાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપીની પ્રારંભિક પૂછપરછ દરમિયાન તેને કબૂલાત કરી હતી કે તે સૈફ અલી ખાનના ઘરમાં ચોરીના ઈરાદાથી ઘુસ્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસમાં સ્પષ્ટ છે કે આરોપી બાંગ્લાદેશી નાગરિક છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી આ ઘટનાને અંજામ આપ્યા બાદ બાંગ્લાદેશ ભાગી જવાની યોજના પણ બનાવી રહ્યો હતો. પરંતુ તે આવું કરે તે પહેલા પોલીસે રવિવારે વહેલી સવારે તેની ધરપકડ કરી હતી.

(1:19 PM IST)