<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

આર.પી. રામાઃ અમેરિકી હોટેલ ઉદ્યોગના મહારથી

વિશ્‍વસ્‍તરે હોસ્‍પિટાલિટી ક્ષેત્રે ગુજરાતી પરિવારે ગૌરવ સ્‍થાપ્‍યું: JHM ગ્રુપ પાસે અમેરિકા-ભારતમાં ૩૬ હોટેલ્‍સ : આર.પી. રામા તથા તેના ચાર ભાઇઓએ સામ્રાજય સર્જયું: આર.પી.નો આફ્રિકામાં જન્‍મ, માતૃભૂમિ ગુજરાતમાં શિક્ષણ લીધું અને અમેરિકા કર્મભૂમિઃ ખેતી કરી, ટીચર બન્‍યા, બેંકમાં નોકરી કરી...અમેરિકામાં સામ્રાજય જમાવ્‍યું: સંઘર્ષથી સિધ્‍ધિની પ્રેરક અને રિયલ સ્‍ટોરી એટલે રમણ પ્રભુ (આર.પી.)

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે અમેરિકી હોટેલ ઉદ્યોગના મહારથી આર.પી. રામા અને અગ્રણી પ્રદીપભાઇ કણસાગરા નજરે પડે છે. (તસવીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૧ :.. માતૃભૂમિ ભારત-ગુજરાત, જન્‍મભૂમિ આફ્રિકા અને કર્મભૂમિ અમેરિકા... એક ગૌરવવતાં ગુજરાતીની આ વિશિષ્‍ટ ઓળખ છે. વૈશ્વિકસ્‍તરના હોટેલ જગતના પ્રતિષ્‍ઠિત ગ્રુપ  JHના સ્‍થાપક-સંચાલક આર. પી. સ્‍થાપક - સંચાલક આર. પી. રામાની આ રિયલ સ્‍ટોરી છે. આર. પી. એટલે રમન પ્રભુ. રમન એટલે પ્‍યોર ગુજરાતી ભાષામાં રમણભાઇ... રામા પણ તેમની સરનેમ નથી. પરિવારના વડવા રામભાઇની સ્‍મૃતિ કાયમ જળવાય તે માટે આખો પરિવાર રામના નામથી જ દેશ-દુનિયામં ઓળખ ધરાવે છે.

જે. એચ. હોટેલ્‍સ ગ્રુપ અમેરિકા તથા ભારતમાં ફુલ સર્વિસ આપતી ૩૬ હોટેલ્‍સ ધરાવે છે. હજુ વધારે હોટેલ્‍સ સ્‍થાપવાના આયોજનમાં છે. હોસ્‍પિટાલિટી ક્ષેત્રે નવા આદર્શો સ્‍થાપનાર પ્રેરક ગુજરાતી આર. પી. રામા તાજેતરમાં ‘અકિલા' ની મુલાકાતે આવ્‍યા હતાં. તેઓએ હોટેલ ઉદ્યોગ ઉપરાંત જીવનના મર્મની પ્રેરક વાતો કરી હતી.

પ્રતિષ્‍ઠિત હોટેલ્‍સ બ્રાન્‍ડ મેરીયોટ, હિલ્‍ટન, હયાત, IHG, ચોઇસ વગેરેનું સંચાલન  LHM ગ્રુપ કરે છે. આ ઉપરાંત  અનેક વ્‍યવસાયી ક્ષેત્રો સાથે આર. પી. રામા અને તેનું ગ્રુપ જોડાયેલું છે. માત્ર વ્‍યવસાયી જીવન જ નહિ, આર. પી.નું પરિવારિક અને સામાજિક જીવન પણ સામાન્‍ય માણસથી માંડીને ઉદ્યોગકારોને પ્રેરણા આપે તેવું રહ્યું છે.

‘અકિલા' ની મુલાકાત દરમિયાન આર. પી. રામાએ મુકતમને વાતચીત કરી હતી. તેઓએ જણાવ્‍યું હતું કે, મારો જન્‍મ આફ્રિકામાં થયો હતો. બાળપણ ત્‍યાં વીત્‍યું. એ દેશમાં નિયમ એવો હતો કે, દરેક બાળકને મિલ્‍ટ્રી ટ્રેનિંગ ફરજિયાત હતી. પિતાશ્રીને આ પસંદ ન હતું. તેઓ મને કાકા પાસે ગુજરાત મૂકી ગયા.

આર. પી. એ ધો. ૪ થી ૮ નવસારીમાં કર્યુ. ત્‍યાં પારસી હોસ્‍ટેલમાં રહ્યા હતાં. ૯ થી ૧૧ નો અભ્‍યાસ વડોદરામાં કર્યો હતો. બાદમાં MS યુનિ.માંથી બી.કોમ. થયા હતાં. કારકિર્દી માટે અમેરિકા જવાનું નકકી હતું, પણ વીઝા મળતો ન હતો. બી. કોમ. થયા બાદ તુરત જ બેંકમાં સારી જોબ મળી ગઇ. જો કે આર. પી. કહે છે કે, કાકાની તબિયત બગડતા તેની સેવા કરવા નોકરી છોડી દીધી. ૧રપ વીઘા જમીન હતી. કાકાની સેવા કરતા સાથે ખેતી કરવા લાગ્‍યો હતો. હું ફુટબોલનો ખેલાડી-ગોલકીપર હતો. બેંકે જોબ છોડવાની ના પાડી. જો કે જોબ છોડી જ દીધી. ત્રણ મહિના માલીસથી માંડીને અન્‍ય સારવાર કરી. કાકાને સારું થઇ ગયું.

આર. પી. કહે છે કે, આ  સમયે એક શિક્ષિકા મીના પંચોલી સાથે સંપર્ક થયો. તેમણે સ્‍કૂલમાં શિક્ષક તરીકે જોબનું કહ્યું. ખેતી કરતા સાથે ધો. ૧૧ અને ૧ર ના કલાસમાં ટીચર બન્‍યો. કલાસમાં મારા કરતા હાઇટમાં ઊંચા છોકરા હતાં. કલાસમાં પ્રથમ દિવસે જ મજાક કરવા લાગ્‍યા. કડકાઇથી શિસ્‍ત શીખવી હતી. આર. પી. કહે છે કે, ટીચરે બાળકોને જ્ઞાન આપવાનું નથી, શીખવાની સિસ્‍ટમ અંગે માહિતી આપવાની હોય છે.

આર. પી. રામાએ ત્રણ વર્ષ ટીચર તરીકે સેવા આપી. બાદમાં લગ્ન થયા અને અમેરિકા જવાનું થયું. તેઓ કહે છે, અમેરિકામાં હોટલના ફર્નિચરમાં કલક કરવાથી કામ શરૂ કર્યુ. બાથરૂમ સફાઇ, રૂમ સફાઇ અને સર્વિસ, મેનુ મેનેજમેન્‍ટ, હોસ્‍પિટાલિટી, હોટલનું સંચાલન વગેરે વિધિવત શીખ્‍યો હોટેલ ક્ષેત્રના દરેક નાના-મોટા કામ આજે પણ જાતે કરી શકું છું. હોટેલનું સંપૂર્ણ સંચાલનની ટ્રેનિંગ થયા બાદ પ્રથમ ૧ર૩ રૂમની હોટેલનું જવાબદારી સાથે મેનેજમેન્‍ટ સંભાળ્‍યું હતું.

આર. પી. રામા કહે છે કે, અમારા ભાઇ હસમુખભાઇ સૌ પ્રથમ અમેરિકા ગયા હોવાથી અમારી લાઇન તૈયાર હતી. કામ કરી દેખાડવાનો પડકાર હતો. આર. પી. રામા પાંચ સગા ભાઇઓ છે એ બધાં ટૂંકા નામથી ઓળખ ધરાવે છે. જે. પી. રામા, એચ. પી. રામા, એમ. પી. રામા, ડી. પી. રામા, અને આર. પી. રામાએ વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ સ્‍થાપી છે. આર. પી. રામા કહે છે કે, ચાર આંગળી અને એક અંગુઠાથી  મુઠ્ઠી બને છે અમે પાંચ ભાઇઓએ સાથે મળીને તાકાતનું સર્જન કર્યુ છે આર. પી.  કહે છે કે, ઓનર અને સ્‍ટાફ વચ્‍ચે વિશિષ્‍ઠ સંબંધ સ્‍થાપવો જોઇએ. શિસ્‍ત અને કાર્ય માટે  ઓનરે કડકાઇ દાખવવી જોઇએ, પરંતુ બાદમાં લાગણીના સંબંધો હોવા જોઇએ. મેં માલીકીના ભાવથી કયારેય કામ કયું નથી, સ્‍ટાફ સાથે જ રહું છુ અને કામ કરુ છું, પરંતુ સ્‍ટાફની ખોટી માંગણી  કે ખોટા સમયે માંગણી સામે કયારેય ઝુકર્યો નથી.

આર. પી.  કહે છે કે, અમેરિકામાં મોટેલ-હોટેલ ક્ષેત્રે ગુજરાતીઓ ભારતીયો  છવાયેલા છે અમેરિકાની  ૬૧ ટકા હોટેલમાં ભરતીયો પાસે છે. ભારતમાં અતિથિ દેવો ભવઃ નો ભાવ પ્રચાલિત છે આગકતા-સ્‍વાગતા આપણા લોહીમાં છે. આ કારણે હોટેલ - મોટેલ વ્‍યવસાયમાં ભારતીયો છવાઇ ગયા છે હું સ્‍ટાફને પણ ઓળખું છુ કે, અતિથિ આપણો ભગવાન છે. તમે ભગવાન માટે રસોઇ કરો છો. રૂમ સાફ કરો છો. આ ભાવના હોટલ ઉદ્યોગનો પાયો છે દરેક ક્ષેત્રે ભગવાનનો ડર જરૂરી છે.

આર. પી. હોટલ ક્ષેત્રના નિષ્‍ણાત બની ગયા છે. હોસ્‍પીટાલીટી ક્ષેત્રે આદર્શો સ્‍થાપ્‍યા છે. આ અંગે પ્રેમક પ્રવચનો પણ આપે છે. આ ક્ષેત્રના શબ્‍દોની વ્‍યાખ્‍યા આપતા આર. પી.એ જણાવ્‍યુ હતુ કે, મોટેલ એટલે જયાં માત્ર  રહેવાની જ સુવિધા હોય છે. જે મોટાભાગે હાઇવે પર હોય છે. મોટેલ ક્ષેત્રે ગુજરાતીઓ-ભારતીયો છવાયેલા છે.

શ્રી રામાએ જણાવ્‍યું હતુ કે, હોટલ એટલ તેમાં વધારે રૂમ હોય. હોટલ ત્રણ પ્રકારની હોય છે અમુક હોટલ લિમીટેડ સર્વીસ આપતી હોય છે. તેમાં માત્ર રૂમ્‍સ હોય છે. અમુક મિડલ લેવલની હોય છે. રૂમ્‍સ ઉપરાંત ડિનર રૂમ વગેરે હોય છે. ફુલ સર્વીસ હોટલમાં રૂમ્‍સ ઉપરાંત ડિનર રૂમ, મીટીંગ રૂમ વગેરે તમામ સુવિધા હોય છે. જે. એચ. ગ્રુપ પાસે અમેરિકા અને ભારતમાં ૩૬ કુલ સર્વીસ હોટલ છે.  આર. પી. કહે છે કે, રેસ્‍ટોરન્‍ટ શબ્‍દ પણ ખુબ પ્રચલીત છે રેસ્‍ટોરન્‍ટમાં માત્ર ભોજન ઉપલબ્‍ધ હોય છે, રૂમ્‍સની સુવિધા હોતી નથી.

આર. પી. એ જણાવ્‍યુ હતું કે, મારૂ જીવન થોડુ અલગ રહયું છે. હું આકસ્‍મિકરી તે જ ખેડુત બન્‍યો હતો અને ખેતી કરી હતી. આકસ્‍મિકત રીતે શિક્ષક બન્‍યો હતો. અકસ્‍મિતક રીતે  હોટલ ક્ષેત્રમાં આવી ગયો અને આકસ્‍મિક રીતે આઇ.ટી. ક્ષેત્રે પણ સક્રિય બની ગયો. આર.પી. ની એક બાબત દરેક માટે પ્રેરક છે કે, તેઓ કાયમ વિદ્યાર્થી જ રહે છે. સતત કંઇક શીખતા રહો છે. અને કોર્ષ  કરતા રહે છે. આઇટીની પરીક્ષા આપીને  વિધિવત ડીગ્રી મેળવી છે. તેઓએ સીએચટીપી, સીએચએઇ, એચએફટીપી વગેરે ડીગ્રીઓ મેળવી છે.

હોસ્‍પિટાલિટી ઉદ્યોગમાં ક્રાંતિ આણનારા અને આદર્શો સ્‍થાપવામાં આર. પી. ને વિવિધ સન્‍માનો પ્રાપ્ત થયો છે. તેમને ધ એચએફ ટીપી પેરાગોન  ન એવોર્ડ, ધ એચએફ ટીપી હોલ ઓફ ફેમ, ધ એએએચઓએ ફેમીલી હોટેલીયર ઓફ ધ યર,  અને ધ મોસ્‍ટ ઓફ વેલ્‍યુએબલ ઇઆઇઓ-ઓએચટીએ એવોર્ડ પ્રાપ્ત થયો છે. એચએફ ટીપી ઇન્‍ટરનેશનલ એસો.ના સ્‍થાપક પ્રમુખ તરીકે મહત્‍વની ભુમિકા તેઓ ભજવી ચુકયા છે. તેઓએ એચફટીપી ઇન્‍ડિયા ચેપ્‍ટરની સ્‍થાપના પણ કરી હતી.

આર. પી. કહે છે કે, ૧૯૮૧માં સ્‍થાપન સાકાર કરવા અમેરિકા ગયો હતો. ખિસ્‍સા ખાલી હતા. સ્‍વિપર  જેવા કામથી કારકીર્દી શરૂ કરી હતો. ૪૦ વર્ષ ખૂબ સંઘર્ષ કર્યો છે અને સફળતા પણ મેળવી છે. ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યુ છે. આ જ્ઞાન શેર કર્યા વગર હું મરવા ઇચ્‍છતો નથી. ગૌરવવંતા ગુજરાતી રમણ પ્રભુ રામાનો સંપર્ક ઇ-મેઇલ...... પર થઇ શકે છે. (પ-૪)

હોટલ વ્‍યવસાય ક્ષેત્રે આર.પી. રામાએ અનેક ડિગ્રી અને સન્‍માન મેળવ્‍યા છે

રમણપ્રભુ રામાના કાર્ય અને હોસ્‍પિટાલિટી ઉદ્યોગના વિકાસ પરના પ્રભાવની પ્રશંસામાં તેમને ઘણી વખત સન્‍માનિત કરવામાં આવ્‍યા છે. તેમને ધ HFTP પેરાગોન એવોર્ડ, ધ HFTP હોલ ઓફ ફેમ, ધ AAHOA ફેમિલી હોટેલિયર ઓફ ધ યર અને ધ મોસ્‍ટ વેલ્‍યુએબલ CIO-CHTA એવોર્ડ જેવા સન્‍માનો પ્રાપ્‍ત થયા છે. તેમણે હોટલ મેનેજમેન્‍ટની પરીક્ષાઓ આપી સર્ટીફિકેટ પણ મેળવ્‍યા છે. નોંધનીય છે કે, CHA એમેરિટસ દ્વારા તેમને અમેરિકન હોટેલ અને લોજિંગ એસોસિએશનના મહત્‍વપૂર્ણ હોદ્દાઓમાંનું એક સ્‍ટેટસ અપાયું છે જે વિશ્વમાં માત્ર ૩૬ લોકો પાસે જ છે! આ ઉપરાંત ટેકનોલોજીમાં પણ તેમણે સર્ટીફિકેશન મેળવ્‍યા છે. CHTP સર્ટીફાઇ હોસ્‍પીટાલિટી ટેકનોલોજી પ્રોફેશનલ ની ડિગ્રી પણ તેઓએ મેળવી છે.

ત્‍યાર બાદ હોસ્‍પીટાલીટીની સાથે હોટલ એકાઉન્‍ટીંગ માટે પણ ડિગ્રી મેળવી. હોટલ એકાઉન્‍ટીંગ બહુ જુદુ હોય છે કારણ તેમાં ડિપાર્ટમેન્‍ટ પ્રમાણે નફો-નુક્‍સાન જોવાના હોય છે. તેની પરીક્ષા આપી સફળતા મેળવી CHAE ની ડિગ્રી મેળવી. વધુમાં HFTP ઇન્‍ટરનેશનલ એસોસિએશનના સ્‍થાપક અને સંસ્‍થાના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે રામાજીએ મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી. એટલુંજ નહીં ૨૦૨૧ માં તેમણે વિશ્વવ્‍યાપી હોસ્‍પિટાલિટી સહકાર અંગેની માહિતીના આદાનપ્રદાન માટે HFTP ઇન્‍ડિયા ચેપ્‍ટરની સ્‍થાપના પણ કરી (૭.ર૬)

આર.પી. રામાએ સફાઇથી માંડી હોટલના દરેક કામ જાતે કર્યા..!

અમેરિકા અને ભારત સહિત મેરીયટ, કોટયાર્ડ સહિત નામી હોટલ્‍સ ધરાવનાર આર.પી. રામાએ જીવનમાં અનેક ઉતાર ચઢાવ જોયા છે. આજે ૩૨ થી વધુ હોટલના માલિક છે પણ શરૂઆતમાં હોટલમાં સફાઇ થી લઇ અનેક કામો જાતે કર્યા છે. તેમણે જણાવ્‍યું હતુ કે, અમારો બધાનો ભણવાનો ખર્ચો આફ્રિકાથી પિતાજી મોકલતા તેમને શિક્ષણનું બહુ હતું તેમને પોતાને માટે ગાડી પોસાય તો પણ નહોતી લીધી. જ્‍યારે હું હોટલના વ્‍યવસાયમાં જોડાયો ત્‍યારે શરૂમાં હોટલના રૂમ સાફ કરવા, ઇન્‍સપેક્‍શન કરવું, ઇલેક્‍ટ્રીકલ, એરકંડીશનર રીપેર, પ્‍લમ્‍બીંગ કરતા શીખ્‍યો, લોન્‍ડ્રી કઇ રીતે કરવી વગેરે હોટલના સ્‍ટાફ જે કામ કરે તે તમામ કામ મે જાતે કર્યા. એ ઉપરાંત હોટલના બેક ઓફિસમાં કામ શિખ્‍યો જેમાં પગાર કઇ રીતે કરવો, બીલ કઇ રીતે બનાવવા, ટેક્‍સ ભરવાનો વગેરે શિખ્‍યો. છ મહિના બાદ મને ૧૨૩ રૂમની મોટલ ખરીદી મેનેજરની જવાબદારી આપી. અનેક પડકારો અને મુશ્‍કેલીઓ બાદ મારા ચાર ભાઇઓ અને પિતા સાથે હોટલ વ્‍યવસાયમાં આગળ વધ્‍યા. તેઓ કહે છે મારો એક જ ધ્‍યેય જે હું બધાને કહેતો કે તમે જે કંઇ પણ કામ કરો તેમ માનવાનું કે તે ભગવાન માટે કરો છો. તો એ કામ સચોટતાથી થાય. ટૂંકમાં હોટલ્‍સના માલિક બનતા પહેલા આર.પી.રામાએ સફાઇ થી માંડી હોટલના દરેક કામ જાતે કર્યા છે. (૭.ર૬)

 બાઇડન શાસનથી અમેરિકાને ખૂબ નુકસાનઃ રામા

મોદીજીએ વિશ્વમાં ભારતની આગવી ઇમેજ બનીઃ બાઇડેન નીતિથી અમેરિકામાં ઘુસણખોરો ઘુસ્‍યા... ગરીબી-ગુન્‍હાખોરીના દ્રશ્‍યોઃ ઇકોનોમી ખલાશઃ ટ્રમ્‍પ શાસન આશાસ્‍પદ ગુજરાતીઓ લીગલી અમેરિકા આવેઃ અમેરિકી જીવન કઠીન, કામ કરો તો જ ભોજન મળેઃ ભારત સોૈથી સલામત દેશઃ આમ પી. રામાએ પોતાના પુત્રોને ભારતમાં અભ્‍યાસ કરાવ્‍યો

રાજકોટઃ અમેરિકી હોટલમાં છવાયેલા ગુજરાતી આર.પી.રામા તાજેતરમાં ‘ અકિલા' ની મુલાકાતે આવ્‍યા હતા. તેઓ વિવિધ વિષયોના ખૂબ અભ્‍યાસુ છે. ચાર દાયકાના અનુભવો અને અભ્‍યાસના આધારે તેઓએ જણાવ્‍યું હતું કે, બાઇડન શાસનથી અમેરિકાને ખૂબ જ નુકસાન થયું છે. ઇકોનોમી ખલાસ જેવી થઇ ગઇ છે. ફૂગાવો વધ્‍યો છે. ઉપરાંત ઉદારનીતિના કારણે અમેરિકામાં ૫૦ થી ૭૦  લાખ લોકો ગેરકાયદેઘુસી ગયા છે. મોટાભાગના ઘુસણખોરો માર્ગો પર રહે છે. નોકરી શોધવા ભટકે છે. ગંદકી ફેલાવે છે અને ગુન્‍હાખોરી આચરે છે. આ કારણે અમેરિકાની ઇમેજ બગડી છે.

શ્રી રામ કહે છે કે, ભારતની ઇમેજ વિશ્વમાં અનોખી બની છે, જે મોદીજીના નેતૃત્‍વના કારણે શકય બન્‍યું છે. નરેન્‍દ્રભાઇ વર્લ્‍ડ લીડર તરીકે ઉભર્યા છે. આધ્‍યાત્‍મિક શ્રી અરવિંદે આગાહી કરી હતી કે ભારતમાં આધ્‍યાત્‍મિક બળ ધરાવતું નેતૃત્‍વ ઉભરશે, જે વિશ્વને પ્રભાવિત કરશે. મોદીજીમાં આવા દર્શન થાય છે. ટ્રમ્‍પ શાસન અંગે આર.પી.રામાએ જણાવ્‍યું હતું કે, ઘુસણખોરો પ્રત્‍યેની નીતિ અનિવાર્ય છે. અમેરિકાના હિતમાં છે, પણ આ નીતિથી વિવાદો થશે. ટ્રમ્‍પની પ્રથમ ટ્રપમાં ઇકોનોમી સારી રીતે ચાલી હતી. પ્રોત્‍સાહન ખૂબ હતું. બીજી ટર્મમાં પણ આવી અપેક્ષા છે. ઉપરાંત ટ્રમ્‍પનું ભારત પ્રત્‍યેનું વલણ પણ સહયોગી રહે અને બંને દેશને લાભ થાય તેવી આશા છે.  આર.પી. રામાએ જણાવ્‍યું હતું. કે, ભારતીયો-ગુજરાતીઓને અમેરિકા પ્રત્‍યે આકર્ષણ રહે છે, પણ હું સ્‍પષ્‍ટ કહું છું કે, લીગલી  સ્‍વરૂપે જ અમેરિકા જાવ. ત્‍યાં જઇને પણ સંઘર્ષની માનસિકતા રાખજો. કારકિર્દી ઘડવી અઘરી છે. કામ કરે તેને જ ખાવા મળે એવી સ્‍થિતિ છે. અનુભવ અને સ્‍થિતિના આધારે કહું છું કે, ભારત સોૈથી સલામત દેશ છે.  મે મારા બાળકો સંજય અને હિરેનને ભારતમાં શિક્ષણ લેવડાવ્‍યું છે. મારા જીવનસાથી દક્ષાને સહમત કરીને બાળકોને ભારત ભણવા મોકલ્‍યા હતા.  ભારતમાં સામાન્‍ય પરિવારોને પણ નોકર-ચાકરની સુવિધા મળે છે. અમેરિકામાં આજે પણ મારા ઘેર રસોઇયા કે કામવાળા નથી, બધું જાતે કરવું પડે છે, તેમ જણાવીને આર.પી.એ કહયું હતું કે, સંઘર્ષ કરીને આગળ ધપવાની તૈયારી હોય તો લીગલી અમેરિકા જવાનું વિચારજો.

 આર.પી. રામા અને તેનો પરિવાર આધ્‍યાત્‍મિક શકિતઓ પર ભરોસો કરે છે. તેઓ શ્રી અરવિંદ અને શ્રી માતાજીના અનુયાયી છે. અને નિયમિત ધ્‍યાન કરે છે. આર.પી. કહે છે. કે, તન-મન અને ભાવનાત્‍મકત સ્‍વાસ્‍થ્‍ય માટે ધ્‍યાન ઉત્તમ અને જરૂરી છે. (૩.૪)

નવા અમેરિકી પ્રમુખ ટ્રમ્‍પ વિશે લોકો શું માને છે?આખા વિશ્વમાં સુરક્ષીત દેશ ભારત છેઃ આર.પી.રામા

આર.પી.રામાએ જણાવ્‍યું કે, ડોનાલ્‍ડ ટ્રમ્‍પ આ પહેલા પણ અમેરિકાના પ્રમુખ હતા. એ વખતે તેમણે બહુ સારી ઇકોનોમી ચલાવી. વ્‍યવસાય માટે ટેક્‍સના ઘણા ફાયદા પણ કર્યા જેનાથી તમામ વ્‍યવસાયની ઘણી પ્રગતિ થઇ. પણ કોવિડ દરમિયાન તેમની ખોટી અફવા ઉડાડવામાં આવી પરિણામે બાઇડન અમેરિકામાં ચૂંટાયા. ટ્રમ્‍પે કહેલું કે કોવિડ ખતરનાક બીમારી નથી તેનો ફાયદો અન્‍ય લોકોએ ઉઠાવ્‍યો. બાઇડનના આવવાથી અમેરિકાની ઇકોનોમી ખલાસ થઇ ગઇ.

બહારના લોકો ગેરકાયદે અમેરિકામાં ઘુસી ગયા. એ બધાને હોટલના રૂમ, ખાવા-પીવાનું મફત આપતા ફુગાવો વધી ગયો. ટેક્‍સ આપતા લોકોને પૈસે તે ઘુસણખોરોને લાભ મળી ગયો. કહેવાય છે કે, ૫૦ થી ૭૦ લાખ લોકો અમેરિકામાં ગેરકાયદે ઘુસ્‍યા. કેલિફોર્નિયા, શીકાગો, ન્‍યુયોર્ક કેવા ડેમોક્રેટિક રાજ્‍યોમાં તેઓ ઘુસ્‍યા. બાઇડનના રાજ્‍યો બધા સેઇફ હેવન સ્‍ટેટ્‍સ કહેવાયા. અહિં બધા ધંધાઓ બંધ થઇ ગયા. હવે ટ્રમ્‍પ આવ્‍યા છે તેઓના કહેવા મુજબ બધા જ ગેરકાયદે લોકોને કાઢી મુકવાના છે. જેનાથી વિવાદો ઘણા થશે. ટ્રમ્‍પે ગ્રીન કાર્ડવાળાને લાવવા જોઇએ જેથી તેઓ ટેક્‍સ ભરતા થશે જેનાથી અમેરિકાને ફાયદો થશે. હવે અમેરિકા જે વર્ચશ્વ ધરાવતું હતુ તે પાછુ લાવવાનું ધ્‍યેય છે.  ટ્રમ્‍પના આવવાથી ભારતને ફાયદો છે. ટ્રમ્‍પને ભારત પ્રત્‍યે ખુબ સહાનુભૂતિ છે. તેમને નરેન્‍દ્રભાઇ મોદી ખુબ ગમે છે કારણ બંનેની ફિલોસોફિ અને થિયરી સરખી છે. આર.પી રામા કહે છે આખા વિશ્વમાં સુરક્ષીત દેશ ભારત છે.  બધુ આઉટ સોર્સીંગ કામ ભારત કરે છે. બધી ફાયનાન્‍સીયલ ઇન્‍સ્‍ટીટયુશન અને બેન્‍કોનું બેક ઓફિસ ભારતમાં છે. બધાના સર્વર ભારતમાં છે. બધાના ડેટા સેન્‍ટર પણ અહિંયા છે. જોકે ભારતની રહેણી કરણી મુજબ અમેરિકામાં રહેવું અશકય છે. (૭.ર૬)

 શ્રી અરબિંદો આશ્રમ અને માતાજીના અનુયાયી છે આર.પી.રામા

વ્‍યવસાય ક્ષેત્રે આટલી ઉંચાઇ પર પહોંચ્‍યા પછી પણ આર.પી.રામા ખુબજ નમ્ર છે. તેઓ કહે છે હું શ્રી અરબિંદો આશ્રમ અને શ્રી માતાજીના અનુયાયી છે. તેમનો આખો પરિવાર તેમના અનુયાયી છે. માતાજીએ એવું કહેલું છે કે ‘‘લેટ યોર લાઇફ બી યુઝફુલ'' એટલે કે તમારા જીવનને ઉપયોગી થવા દો.

આના પરથી મે મારા જીવનમાં મીશન બનાવ્‍યું છે કે બીજાના અનુભવોથી મને જે નોલેજ મળ્‍યું છે, ઘણા છોકરાઓ, યુવાનો પાસેથી હું શીખ્‍યો છુ. એ લોકોને પણ ખબર નથી કે તે મારા શિક્ષક છે.

મને મળેલા એ જ્ઞાન અને અનુભવો મારે સ્‍મશાને નથી લઇ જવા. મારી અહિં જ મુકી જવા છે. આર.પી.રામા દરરોજ ધ્‍યાન પણ કરે છે. ધ્‍યાન ધરવાથી મગજ શાંત થાય તોજ તમારાથી કામમાં એકાગ્રતા કેળવાય.

(3:12 PM IST)