News of Wednesday, 22nd January 2025
ગૌતમ અદાણી મહાકુંભમાં પહોંચ્યા : પૂજા-અર્ચના કર્યા તેમજ મહાપ્રસાદ સેવામાં ભાગ લીધો
અદાણી ગ્રુપ અને ઇસ્કોન સાથે મળીને મહાકુંભમાં મહાપ્રસાદ સેવા કરી રહયા છે : અદાણી ગ્રુપ યુપીના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશેઃ ગૌતમ અદાણી

પ્રયાગરાજ, તા.૨૨: અદાણી ગ્રુપના ચેરમેન અને પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મંગળવારે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પહોંચ્યા હતા. અહીં તેમણે પૂજા-અર્ચના કર્યા તેમજ મહાપ્રસાદ સેવામાં ભાગ લીધો હતો.નિર્ધારિત કાર્યક્રમ મુજબ, ત્રિવેણી સંગમ ખાતે પૂજા કરી હતી. બાદમાં તેમણે ઇસ્કોન પંડાલમાં આયોજિત ભંડારા સેવામાં પણ ભાગ લીધો હતો.
સંગમમાં પ્રાર્થના કર્યા બાદ તેમણે પ્રખ્યાત બડે હનુમાનજી મંદિરની મુલાકાત લીધી.મીડિયા સાથે વાત કરતા ગૌતમ અદાણીએ કહયું હતું કે ‘‘પ્રયાગરાજ મહાકુંભમાં મને જે અનુભવ થયો તે અદભુત હતો. દેશવાસીઓ વતી હું અહીંના કુશળ સંચાલન માટે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભાર માનું છું. અહીંનું સંચાલન મેનેજમેન્ટ સંસ્થાઓ માટે સંશોધનનો વિષય છે. મારા માટે માતા ગંગાના આશીર્વાદથી મોટું કાંઈ જ નથી''.
ગૌતમ અદાણીએ વધુમાં જણાવ્યું હતું કે ‘‘ઉત્તર પ્રદેશમાં અપાર તકો રહેલી છે અને અદાણી ગ્રુપ રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે''. આ યાત્રામાં તેમના પત્ની પ્રિતી અદાણી પણ તેમની સાથે હાજર રહયા હતા.ગૌતમ અદાણીએ મહાકુંભના સેક્ટર નંબર ૧૮માં આવેલા અદાણી ગ્રુપ અને ઇસ્કોનના સહયોગથી ચલાવવામાં આવી રહેલા રસોડાની પણ મુલાકાત લીધી હતી. જ્યાં ભક્તો માટે દરરોજ મહાપ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમણે રસોડામાં પહોંચીને મહાપ્રસાદ તૈયાર કર્યો અને મહાપ્રસાદ વિતરણ સેવામાં ભાગ પણ લીધો હતો. આ દરમિયાન તેમની સાથે ઇસ્કોનના સાધુ સંતો પણ હાજર હતા.
અદાણી ગ્રુપ અને ઇસ્કોન સાથે મળીને મહાકુંભમાં મહાપ્રસાદ સેવા કરી રહયા છે. જેમાં દરરોજ હજારો ભક્તોને ભોજનનું વિતરણ કરવામાં આવી રહયું છે. આ મહાપ્રસાદ સેવા ૧૩ જાન્યુઆરીથી શરૂ થઈ હતી, જે ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. ગીતાપ્રેસ દ્વારા પ્રકાશિત આરતી સંગ્રહના વિતરણનું કાર્ય પણ અદાણીના સૌજન્યથી કરવામાં આવી રહયું છે.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
