<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

૧૦ મિનિટ દૂર હતી લીલાવતી હોસ્‍પિટલ, તો પણ સૈફ અલી ખાન ૧ કલાક ૪૧ મિનિટ બાદ કેમ પહોંચ્‍યો ? નવો ટ્‍વિસ્‍ટ

સૈફ અલી ખાનનું ઘર લીલાવતી હોસ્‍પિટલથી માત્ર ૧૦થી ૧૫ મિનિટ જ દૂર છે. પરંતુ લીલાવતી હોસ્‍પિટલ રિપોર્ટમાં લખ્‍યું છે કે, હુમલો લગભગ ૨:૩૦ વાગ્‍યે થયો પરંતુ સૈફ ૪:૧૧ વાગ્‍યે (સવારે) હોસ્‍પિટલ પહોંચ્‍યો હતો

મુંબઇ, તા.૨૪: સૈફ અલી ખાન પર છરીથી હુમલો થયાની ઘટનામાં વધુ એક ટર્નિંગ પોઇન્‍ટ આવ્‍યો છે. લીલાવતી હોસ્‍પિટલમાં મેડિકલ રિપોર્ટ અનુસાર, સૈફ અલી ખાન ૧૬ જાન્‍યુઆરીએ સવારે ૪:૧૧ વાગ્‍યે હોસ્‍પિટલ પહોંચ્‍યો હતો. એટલે કે, બાન્‍દ્રામાં પોતાના ઘરે ચપ્‍પુથી હુમલો થયાના ૧ કલાક ૪૧ મિનિટ બાદ હોસ્‍પિટલ પહોંચ્‍યો હતો. રસ-દ વાત એ છે કે, સૈફ અલી ખાનનું ઘર લીલાવતી હોસ્‍પિટલથી માત્ર ૧૦થી ૧૫ મિનિટ જ દૂર છે. પરંતુ લીલાવતી હોસ્‍પિટલ રિપોર્ટમાં લખ્‍યું છે કે, હુમલો લગભગ ૨:૩૦ વાગ્‍યે થયો પરંતુ સૈફ ૪:૧૧ વાગ્‍યે (સવારે) હોસ્‍પિટલ પહોંચ્‍યો હતો.

હોસ્‍પિટલ લઇ જવામાં નવું નામ કોનું આવ્‍યુ? બાંદ્રા પોલીસને સોંપવામાં આવેલા મેડિકલ રિપોર્ટમાં જણાવાયું છે કે, સૈફ અલી ખાનને તેમના મેનેજર અને મિત્ર અફસર ઝૈદીએ એડમિટ કરાવ્‍યા હતા. જેમાં સંકેત મળે છે કે, ઝૈદી જ તેમને હોસ્‍પિટલમાં લઈને આવ્‍યા હશે. રિપોર્ટમાં ઝૈદીનું નામ અને કોન્‍ટેક્‍ટ ડિટેલ્‍સ રિલેશનના ખાનામાં ‘મિત્ર' તરીકે નોંધવામાં આવેલી છે. જેમણે હોસ્‍પિટલમાં એડમિશનની બધી જ ફોર્માલિટી પૂરી કરી છે.

સૈફ અલી ખાનને હોસ્‍પિટલ કોણ લઈને આવ્‍યું હતું તે અંગે અલગ અલગ ખબરો ફરી રહી છે. પહેલાં મીડિયા સાથે વાતચીત દરમિયાન એક ડોક્‍ટરે જણાવ્‍યું હતું કે, સૈફ અલી ખાન પોતાના ૮ વર્ષના પુત્ર તૈમૂર અલી ખાન સાથે ઓટો રિક્ષામાં હોસ્‍પિટલ પહોંચ્‍યા હતા.

તો અન્‍ય કેટલાક રિપોર્ટ્‍સમાં દાવો કરવામાં આવ્‍યો છે કે, સૈફને તેનો મોટો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન ઓટો રીક્ષાથી લીલાવતી હોસ્‍પિટલ લઈને આવ્‍યો હતો.

મળતી માહિતી અનુસાર, ૨૩ વર્ષના ઇબ્રાહિમે લોહીલુહાણ પિતાને ઓટોમાં બેસાડયા હતા. કારણ કે, તે સમયે ડ્રાઈવર ઘરે ન હોવાથી કાર જવા માટે તૈયાર નહોતી. જોકે, બાદમાં સૈફનાં મેનેજરે આ દાવાઓ નકારી કાઢયા હતા. તેમણે સ્‍પષ્ટતા કરી હતી કે, તેઓ હોસ્‍પિટલ જવા માટે રિક્ષામાં ઘરના સ્‍ટાફ સાથે ગયા હતા.

સૈફ અલી ખાનને હોસ્‍પિટલ લઇ જનાર રીક્ષા ચાલક ભજન સિંહ રાણાએ કહયું કે, સૈફ રિક્ષામાં બેઠો ત્‍યારે ખૂબ જ લોહી વહી રહ્‍યું હતું. તેમની સાથે એક નાનું બાળક અને એક અન્‍ય વ્‍યક્‍તિ હતો.

 સૈફ અલી ખાન જેવા રિક્ષામાં બેઠા તો તેમનો પહેલો પ્રશ્‍ન હતો કે, ‘કેટલો ટાઈમ લાગશે?'

૧૬ જાન્‍યુઆરીની સવારે સૈફ અલી ખાન પર બાંદ્રા સ્‍થિત તેના ઘર સતગુરુ શરણમાં એક ઘૂસણખોરે છરીથી ઘણી વખત હુમલો કર્યો હતો. લીલાવતી હોસ્‍પિટલના મેડિકલ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે, સૈફને પાંચ જગ્‍યાએ પીઠ, કાંડા , ગારદન, ખભા અને કોણી પર ઇજા થઇ હતી. આ ઘાની સાઈઝ ૦.૫ સેમીથી ૧૫ સેમી સુધી છે.પહેલાં સામે આવ્‍યું હતું કે ડોક્‍ટરોએ ૬ કલાકની સર્જરી બાદ કરોડરજ્જુમાં ફસાયેલ છરીના ટુકડાને કાઢયો હતો. સૈફની તબિયત સુધરી અને તેને ૧૭ જાન્‍યુઆરીએ ઇન્‍ટેન્‍સિવ કેર યુનિટ (ICU)માંથી એક સ્‍પેશ્‍યલ રૂમમાં શિફ્‌ટ કરી દેવાયા હતા. સૈફ અલી ખાનને હોસ્‍પિટલથી રજા મળી ગઈ છે અને તે ઘરે પરત ફર્યા છે. તેમણે ઘરે જતાં પહેલાં ડ્રાઈવર સાથે મુલાકાત કરી હતી, તેને હગ કર્યું અને તરત જ એક્‍શન લેવા બદલ તેનો આભાર માન્‍યો હતો.

ત્‍યારે હવે બધાની નજર બાંગ્‍લાદેશી નાગરિક મોહમ્‍મદ શરીફુલ ઇસ્‍લામ શેહઝાદ ફકીર પર છે, જે કથિત રીતે સૈફ અલી ખાન પર હુમલો કરવા બદલ પોલીસ કસ્‍ટડીમાં છે.

(4:06 PM IST)