<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

લગ્નમાં પુરુષો પણ ‘ક્રૂરતા'નો ભોગ બને છે, એમને પણ કાનૂની ‘સુરક્ષા' જરૂરી

ઉકળતાં પાણીમાં મરચું નાંખીને પતિ ઉપર ફેંકનારી પત્‍નીના આગોતરા દિલ્‍હી હાઈકોર્ટે રદ કર્યા

નવી દિલ્‍હી, તા.૨પઃ લગ્નજીવનને લગતાં વિખવાદમાં હંમેશાં પત્‍નીની તરફેણ કરતાં કાનૂની કિસ્‍સા જ સામે આવતાં હોય છે, પરંતુ હંમેશાં પાણી એક જ દિશામાં વહેતું નથી. દિલ્‍હી હાઇકોર્ટે તાજેતરમાં એક કેસમાં એવું મર્મસ્‍પર્શી અવલોકન કર્યું છે કે,‘લગ્નમાં પુરુષ પણ ‘ક્રૂરતા'નો ભોગ બને છે અને એને પણ મહિલાની જેમ કાનૂની ‘સુરક્ષાકવચ'નો પૂર્ણ અધિકાર છે.' ઉકળતા પાણીમાં મરચું નાંખીને પતિ ઉપર ફેંકી તેને દઝાડી દેનારી પત્‍નીના આગોતરા જામીન રદ કરતાં આદેશમાં દિલ્‍હી હાઇકોર્ટના જસ્‍ટિસ સ્‍વર્ણ કાંતા શર્માએ ઉક્‍ત અવલોકન કર્યું છે.

લગ્નજીવનમાં પુરુષો પણ કેટલીક વાર પીડિત હોય છે અને તેમને પણ કાનૂની સંરક્ષણ મળવું જોઇએ. એમ જણાવતાં કોર્ટે નોંધ્‍યું હતું કે,‘વૈવાહિક સંબંધોમાં માત્રસ્ત્રીઓ જ શારીરિક અથવા માનસિક ક્રૂરતાનો ભોગ બને છે એવી સર્વસામાન્‍ય ધારણા ઘણા કિસ્‍સાઓમાં જીવનની કટુ વાસ્‍તવિકતાઓથી વિરુદ્ધ પણ હોઈ શકે છે.'

વિચિત્ર કહી શકાય એવા આ કેસમાં પત્‍ની આરોપી છે અને એણે તેના પતિ સાથે ક્રૂર વર્તન દાખવ્‍યું હતું. ઉકળતાં પાણીમાં મરચાની ભુક્કી ઉમેરીને તેણે પતિ ઉપર ફેંકયું હતું અને પરિણામે પતિને ઇજા થઇ હતી. આ ગુનામાં ધરપકડથી બચવા પત્‍નીએ આગોતરા જામીન અરજી કરી છે અને એવી રજૂઆત કરી હતી કે આરોપી મહિલા હોવાથી તેના પ્રત્‍યે કોર્ટે રાહત દાખવવી જોઇએ. પરંતુ કોર્ટે આ દલીલ જાતિ આધારિત ભેદભાવને દર્શાવનારી હોવાનું કહ્યું હતું. કોર્ટે નોંધ્‍યું હતું કે,‘લગ્નજીવનમાં થનારી ક્રૂરતા અને હિંસા-અત્‍યાચારથી જે રીતે રક્ષણ મેળવવાનો અધિકારીસ્ત્રીને છે, એ જ પ્રમાણે પુરુષને પણ કાનૂની રક્ષણ મળવા પાત્ર છે. જો આનાથી વિપરીત વલણ દાખવવામાં આવે તો સમાનતા અને માનવ સન્‍માનના મૂળભૂત સિદ્ધાંતોનો ભંગ થશે.'

કોર્ટે આદેશમાં એમ પણ નોંધ્‍યું હતું કે, ‘જો મહિલા પુરુષને ઇજા પહોંચાડે તો તેના માટે વિશિષ્ટ વર્ગ બનાવી શકાય નહીં. જીવને જોખમમાં મૂકનારી ઇજા પહોંચાડવાના કેસોમાં કોર્ટે એક જેવું જ વલણ દાખવવું પડે, ભલે પણ ઇજા પહોંચાડનારી વ્‍યક્‍તિસ્ત્રી હોય કે પુરુષ. કેમ કે દરેક વ્‍યક્‍તિનું જીવન બહુમૂલ્‍ય છે અને એનું સન્‍માન જરૂરી છે.'

હાઇકોર્ટે લગ્નજીવનમાં પીડિત પુરુષો વિશે એવું અવલોકન કર્યું છે કે,‘જે પુરૂષો તેમની પત્‍નીઓના હાથે હિંસાનો ભોગ બને છે તેમને ઘણીવાર વિચિત્ર પ્રકારની મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે. તેમને સામાજિક અવિશ્વાસ અને પત્‍ની પીડિત તરીકે જોવામાં આવતા કલંકનો ભોગ બનવો પડે છે. આવા સ્‍ટીરિયોટાઇપ્‍સ એવી ખોટી માન્‍યતાને બળવતર બનાવે છે કે પુરુષો ઘરેલુ સંબંધોમાં હિંસાનો ભોગ બનતા નથી.

(11:33 AM IST)