<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

સૈફ પર હુમલો કરનાર એકલો નહોતો: પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો!

આ સંદર્ભે વધુ તપાસ ચાલી રહી હોવાનું મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે

સૈફ અલી ખાન પર થયેલા હુમલાએ માત્ર બોલીવુડ જ નહીં પરંતુ સમગ્ર મુંબઈને આઘાત આપ્યો છે. હવે પોલીસને એક્ટરના હુમલા કેસમાં એક નવો સંકેત મળ્યો છે. પોલીસને શંકા છે કે હુમલાખોર તે રાત્રે સૈફના ઘરે એકલો નહોતો પહોંચ્યો.તેની સાથે બીજું કોઈ પણ હતું.

પોલીસ તપાસ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે. જે મુજબ, આરોપી શરીફુલ ઈસ્લામ સાથે અન્ય આરોપીઓની પણ શક્યતા છે. આ સંદર્ભે વધુ તપાસ ચાલી રહી હોવાનું મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે. આ કેસમાં હાલમાં નવો વળાંક એ છે કે પોલીસને શંકા છે કે આરોપીનો બીજો કોઈ સાથી હોઈ શકે છે.

મીડિયા રિપોર્ટ મુજબ પોલીસે સૈફના ઘરેથી 50 થી વધુ ફિંગરપ્રિન્ટના સેમ્પલ લીધા છે જે પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ પોલીસ હાલમાં આરોપીઓના ફિંગરપ્રિન્ટ્સના મેચિંગ અંગે મૌન સેવી રહી છે. તમને જણાવી દઈએ કે આ ઘટના 16 જાન્યુઆરીની રાત્રે બની હતી. જ્યારે એક અજાણ્યો વ્યક્તિ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો.

સૈફના ઘરમાં ઘૂસેલા આ વ્યક્તિએ તે રાત્રે એક્ટર પર ઘણી વખત છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન, એક્ટરને ગરદન અને પીઠ પર ઊંડી ઈજાઓ થઈ હતી. જે બાદ સૈફને તાત્કાલિક મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તેમના પરિવાર સિવાય ઘણી હસ્તીઓ પણ હોસ્પિટલમાં એક્ટરને મળવા ગઈ હતી. લગભગ પાંચ દિવસ દાખલ રહ્યા બાદ સૈફને રજા આપવામાં આવી. હવે એક્ટર ઘરે આરામ કરી રહ્યો છે.

ઘટનાના થોડા દિવસ પછી મુંબઈ પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો હતો. જે બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. આરોપી હજુ પણ 29 જાન્યુઆરી સુધી પોલીસ રિમાન્ડ પર છે. પોલીસે કહ્યું કે શરીફુલ તપાસમાં વધુ મદદ કરી રહ્યો ન હતો. તે દરેક વાતનો જવાબ અસ્પષ્ટ રીતે આપી રહ્યો છે. આ સિવાય તે એ નથી જણાવી રહ્યો કે બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવામાં તેને કોણે મદદ કરી.

 

(9:49 PM IST)