<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

હરિદ્વાર:ધારાસભ્ય ઉમેશ કુમારની ઓફિસ પર અંધાધૂંધ ફાયરિંગ: પૂર્વ ધારાસભ્યે સમર્થકો સાથે કર્યો ગોળીબાર

ખાનપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન અને તેમના સમર્થકોએ વર્તમાન ધારાસભ્ય ઉમેશ કુમારના કાર્યાલય પર ગોળીબાર કર્યો હોવાનો આરોપ

ઉત્તરાખંડમાં હરિદ્વાર જિલ્લાની ખાનપુર વિધાનસભામાં ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે ગેંગવોર જેવો માહોલ સર્જાયો છે. ત્રણ વાહનોમાં સવાર હુમલાખોરોએ ખાનપુરના ધારાસભ્ય ઉમેશ કુમારની ઓફિસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ધોળા દિવસે અંધાધૂંધ ફાયરિંગ થઈ હતી, ગોળીબાર થતાની સાથે જ વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે.

 

આરોપ છે કે ખાનપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન અને તેમના સમર્થકોએ વર્તમાન ધારાસભ્ય ઉમેશ કુમારના કાર્યાલય પર ગોળીબાર કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર વર્તમાન ધારાસભ્ય ઉમેશ કુમાર અને પૂર્વ ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન વચ્ચે શબ્દ યુદ્ધ ચાલી રહ્યું હતું.

 

ફાયરિંગના અવાજથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ફાયરિંગ બાદ રોડ પર હાજર લોકો દોડતા જોવા મળ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભારે પોલીસ બંદોબસ્ત સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો છે. તે જ સમયે, ધારાસભ્ય ઉમેશ કુમારના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી ગયા છે

(7:13 PM IST)