<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th January 2025

શેરબજારમાં મંદી: સેન્સેક્સ 824 પોઇન્ટ ગગડીને સાત મહિનાની નીચી સપાટીએ

BSE સેન્સેક્સ 824.29 પોઇન્ટ એટલે કે 1.08 ટકા ગગડી 75,366.17 પર બંધ: નિફ્ટી પણ 263.05 પોઇન્ટ એટલે કે 1.14 ટકા તૂટી 22,829.15 પર બંધ રહી

મુંબઈ :વિશ્વ બજારમાંથી મળેલા નબળા સંકેત વચ્ચે IT અને ઓઈલ-ગેસ શેરોમાં જંગી વેચવાલીને પગલે BSE સેન્સેક્સ 824 પોઇન્ટના કડાકા સાથે છેલ્લા સાત મહિનાની નવી નીચી સપાટીને સ્પર્શી ગયો હતો.

BSE સેન્સેક્સ 824.29 પોઇન્ટ એટલે કે 1.08 ટકા ગગડી 75,366.17 પર બંધ રહ્ય હતો. નિફ્ટી પણ 263.05 પોઇન્ટ એટલે કે 1.14 ટકા તૂટી 22,829.15 પર બંધ રહી હતી. આ સાથે સેન્સેક્સ અને નિફ્ટીએ મનોવૈજ્ઞાનિક રીતે અત્યંત મહત્વની 76,000 અને 23,000ની સપાટી ગુમાવી દીધી છે. નિફ્ટી અગાઉ 6 જૂન 2024ના રોજ આ સપાટી નોંધાવી હતી.

અમેરિકાના ટ્રેડ પોલિસીને લઈ પ્રવર્તિ રહેલી અનિશ્ચિતતા વચ્ચે IT, ટેલિકોમ, યુટીલિટીઝ, પાવર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ-ગેસ તથા હેલ્થકેર સેક્ટરના શેરોમાં સૌથી વધારે ધોવાણ થયું હતું. માઈગ્રન્ટ્સને દેશનિકાલ કરી લઈ જતાા પ્લેનોને અટકાવવામાં આવતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોલંબિયા પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.

ટાટા સ્ટીલ, HDFC બેન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ, ભારતી એરટેલ, HCL ટેક, ઝોમેટો, ટેક મહિન્દ્રા, પાવરગ્રિડના શેરોમાં સૌથી વધારે ધોવાણ થયું હતું.

જોકે ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, M&M, SBI, મારુતિ અને લાર્સન એન્ડ ટુબ્રોના શેરોમાં ખરીદીનો ટેકો મળ્યો હતો.
વૈશ્વિક બજારોમાં જોઈએ તો શાંઘાઈ અને ટોક્યો નબળા મેન્યુફેક્ચરિંગ ડેટાને લીધે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. જ્યારે યુરોપમાં જર્મનીનો DAX 1.1 ટકા, ફ્રાંસનો CAC 40 આશરે 0.4 ટકા અને બ્રિટનનો FTSE 100 આશરે 0.30 ટકા ગગડી બંધ રહ્યા હતા. જ્યારે ફ્યુચર ટ્રેડમાં US સ્ટોક્સ પણ નોંધપાત્ર ગગડ્યા હતા.

વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) દ્વારા ગત શુક્રવારે ભારતીય ઈક્વિટી માર્કેટમાંથી રૂપિયા 2,758.49 કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ગ્લોબલ ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રુડ 0.22 ટકા વધી પ્રતિ બેરલ 78.67 ડોલર રહ્યા હતા.

(9:06 PM IST)