<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

ગુજરાતી મહિલાએ અમેરિકામાં બે સંતાનોની હત્‍યા કરી જીવન ટૂંકાવ્‍યું

જ્‍યોર્જિયાના વોર્નર રોબિન્‍સ શહેરની ઘટના, પોલીસે હજુ સુધી જાહેર નથી કર્યા મૃતકોના નામ

જ્‍યોર્જિયા, તા.૨૮: અમેરિકામાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક ગુજરાતી મહિલાએ પોતાના બે સંતાનોની કથિત હત્‍યા કરી પોતે પણ જીવન ટૂંકાવી લીધું છે, આ મામલો જ્‍યોર્જિયાના વોર્નર રોબિન્‍સનો છે જેમાં મૃતક મહિલાની ઉંમર ૩૮ વર્ષ હતી જ્‍યારે તેના બે સંતાનોમાં ૧૩ વર્ષની એક દીકરી અને ૯ વર્ષના દીકરાનો સમાવેશ થાય છે.

પોલીસે આ ઘટના અંગે માત્ર એટલું જ જણાવ્‍યું છે કે ૨૦ જાન્‍યુઆરીના રોજ સાંજે ચાર વાગ્‍યે મૃતક મહિલાનો ૪૩ વર્ષીય પતિ ઘરે પહોંચ્‍યો ત્‍યારે તેણે પોતાની પત્‍ની અને બે બાળકોની બોડીને ઘરમાં પડેલી જોતાં જ ૯૧૧ પર ફોન કર્યો હતો. પોલીસ ફોન કરનારાના લોકેશન પર પહોંચી ત્‍યાં સુધીમાં ઘરમાં મોજૂદ એક મહિલા અને બે બાળકોના શ્વાસ અટકી ચૂક્‍યા હતા અને કોલ કરનારો ઘરની બહાર ઉભો-ઉભો રડી રહયો હતો. પોલીસે એવી પણ આશંકા વ્‍યક્‍ત કરી છે કે મૃતક મહિલાએ પોતાનું જીવન ટૂંકાવતા પહેલા બંને બાળકોની હત્‍યા કરી હોઈ શકે છે.

આ ગુજરાતી પરિવાર એક આલિશાન મકાનમાં રહેતો હતો તેમજ તેમની આર્થિક સ્‍થિતિ પણ ઘણી સારી હતી. તેવામાં આ ફેમિલીની મહિલાએ આ પગલું કેમ લીધું તેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહયા છે અને તેના વિશે અલગ-અલગ વાતો પણ થઈ રહી છે. જોકે, પોલીસ આ અંગે કોઈ માહિતી જાહેર કરવા માટે તૈયાર નથી.

આ ઘટના કઈ રીતે બની તેનો એક મેસેજ પણ હાલ અમેરિકામાં રહેતા ગુજરાતીઓના વોટ્‍સએપ ગ્રુપ પર ફરી રહ્‍યો છે, પરંતુ પોલીસે તેના વિશે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ નથી કરી. કેટલાક લોકલ મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર મૃતકનો પરિવાર વેસ્‍ટ મેકનના ઉમિયામાતાજી હિન્‍દુ મંદિર સાથે પણ સંકળાયેલ હતો અને વોર્નર રોબિન્‍સમાં તેમના બે બિઝનેસિસ પણ ચાલે છે. આ ગુજરાતી ફેમિલીના પાડોશીઓએ મીડિયા સાથે વાત કરતા જણાવ્‍યું હતું કે તે લોકો ખૂબ જ સારા માણસો હતા અને પોતાના બાળકોની પણ સારી રીતે સંભાળ રાખતા હતા.

આ ઘટના પાછળ કોઈ પારિવારિક ઝઘડો કે બીજું કોઈ કારણ જવાબદાર હતા કે કેમ તે અંગે પણ લોકલ પોલીસે કોઈ ચોખવટ નથી કરી. એવું પણ જાણવા મળ્‍યું છે કે આ ફેમિલી વર્ષોથી અમેરિકામાં સેટલ થયેલી છે અને મૃતક મહિલાના સાસુ-સસરા હાલ ફ્‌લોરિડામાં રહે છ તેમજ તેમના બંને બાળકોનો જન્‍મ પણ અમેરિકામાં જ થયો હતો. . આ ઘટનાને એક અઠવાડિયું થઈ ગયું હોવા છતાંય પોલીસે હજુ સુધી મૃતકોના નામ જાહેર ના કર્યા હોવાથી અમેરિકામાં રહેતાં મોટાભાગનાં ગુજરાતીઓને પણ તેના વિશે કોઈ માહિતી નથી મળી શકી.

અમેરિકામાં રહેતા કોઈ ઈન્‍ડિયન પરિવાર સાથે આ પ્રકારની ટ્રેજેડી થઈ હોય તેવી ઘટના અગાઉ પણ બની ચૂકી છે. નવેમ્‍બર ૨૦૨૩માં ન્‍યૂજર્સીમાં રહેતા દિલિપ બ્રહ્મભટ્ટ, તેમના પત્‍ની બિન્‍દુ બ્રહ્મભટ્ટ તેમજ દીકરા યશ બ્રહ્મભટ્ટની તેમના જ ઘરમાં ગોળી મારીને હત્‍યા કરવામાં આવી હતી, આ ત્રણેય લોકોને શૂટ કરનારો તેમની જ ફેમિલીનો સભ્‍ય હતો જેની ઓળખ ઓમ બ્રહ્મભટ્ટ તરીકે કરવામાં આવી હતી. અમેરિકામાં અભ્‍યાસ કરતો ઓમ બ્રહ્મભટ્ટ ન્‍યૂજર્સીમાં રહેતા નાના-નાની અને મામા જોડે જ રહેતો હતો અને તેણે ત્રણેય વહેલી સવારે સૂઈ રહ્‍યા હતા ત્‍યારે જ તેમને ગોળી મારી દીધી હતી, આ કેસમાં ઓમ બ્રહ્મભટ્ટ હજુય જેલમાં જ છે. જ્‍યારે ઓક્‍ટોબર ૨૦૨૩માં ન્‍યૂજર્સીમાં જ બનેલી આ પ્રકારની જ એક ઘટનામાં મૂળ ઉત્તરપ્રદેશના તેજ પ્રતાપ સિંઘનો આખોય પરિવાર ઘરમાં મૃત હાલતમાં મળી આવ્‍યો હતો.

પોલીસના જણાવ્‍યા અનુસાર તેજ પ્રતાપે પોતાનું જીવન ટૂંકાવતા પહેલા પત્‍ની સોનલ તેમજ એક દીકરા અને દીકરીને ગોળી મારી દીધી હતી. તેજ પ્રતાપે આવું આત્‍યાંતિક પગલું કેમ લીધું હતું તેની હકીકત હજુ સુધી બહાર નથી આવી શકી. આ પ્રકારના કેસમાં અમેરિકાની પોલીસ મૃતકની ફેમિલીની પ્રાઈવસીને ધ્‍યાનમાં રાખતા તેમના ફોટોગ્રાફ્‌સ તેમજ કેસની બીજી કોઈ વિગતો જાહેર નથી કરતી હોતી પરંતુ તેના કારણે હકીકત લોકો સુધી નથી પહોંચી શકતી અને પબ્‍લિક જાતભાતની વાતો બનાવતી રહે છે.

(10:12 AM IST)