<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

રાહુલે ‘‘મીડિયા જગત''ને આડે હાથ લીધું: અદાણી- અંબાણીના ઇશારે ચાલે છેઃ આમ જનની કરે છે ઉપેક્ષા

મધ્‍ય પ્રદેશના મહુમાં જયબાપુ, જય ભીમ, જય બંધારણ રેલીમાં કોંગ્રેસ સાંસદ સંબોધન દરમિયાન મીડિયા પર તુટી પડયા

ભોપાલ તા.૨૮: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે મધ્‍યપ્રદેશના મહુમાં ‘‘જય બાપુ, જય ભીમ, જય બંધારણ'' રેલીને સંબોધિત કરતી વખતે મીડિયા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કેમેરા લઈને ફરતું આ મીડિયા તમારું નથી. આ અદાણી અને અંબાણીની મીડિયા છે. તમે ભૂખે મરી જાઓ છો. તમારા બાળકો ભૂખે મરી જાય. ખેડૂતો ભલે આત્‍મહત્‍યા કરે... પણ તેમને કોઈ ફરક નહીં પડે, તેઓ અદાણી-અંબાણીનાં લગ્ન બતાવશે.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે આ મીડિયાના લોકો તેમના છે. તેઓ તેમનું કામ કરે છે. તેઓ કયારેય ભારતના ખેડૂતો, મજૂરો અને બેરોજગાર યુવાનોની વાત નહીં કરે. મીડિયામાં અફઘાનિસ્‍તાન અને પાકિસ્‍તાન વિશે વાત થશે પણ ભારતના ખેડૂતો અને મજૂરોની વાત નહીં થાય.

રાહુલ ગાંધીએ કહ્યું કે આ લોકો તમારા દરેક ઘરમાં ઘૂસી ગયા છે. બેરોજગાર ભારતમાં લોકો પાસે ૨૪ કલાક ટીવી જોવા સિવાય કોઈ વિકલ્‍પ નથી. આ લોકો શું કહે છે તે આપણે જોવું પડશે. આ લોકો ભારતને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ લોકો ભારતને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે કે જુઓ અફઘાનિસ્‍તાનમાં શું થઈ રહ્યું છે? પરંતુ તેઓ કહેશે નહીં કે ભારતમાં શું થઈ રહ્યું છે.

આ સાથે રાહુલ ગાંધીએ એવી પણ ઘોષણા કરી હતી કે કેન્‍દ્રમાં સત્તા પર આવ્‍યા બાદ તરત જ કોંગ્રેસ દેશભરમાં જાતિની વસ્‍તી ગણતરી કરશે. વડા પ્રધાન મોદી કયારેય તે પૂર્ણ કરશે નહીં કારણ કે તેઓ તેને પૂર્ણ કરવાથી ડરે છે. કોંગ્રેસ ૫૦ ટકા અનામતની દિવાલ તોડી નાખશે. લોકસભા અને રાજ્‍યસભા બંનેમાં આ અંગે કાયદો લાવવામાં આવશે.

આ સાથે રાહુલે કેન્‍દ્ર સરકાર પર અબજોપતિઓ માટે કામ કરવાનો આરોપ લગાવ્‍યો. તેમણે કહ્યું કે દલિત, પછાત વર્ગ, આદિવાસીઓ અને ગરીબો ફરી એકવાર ગુલામ બની રહ્યા છે. રોજગારીની તકો ખતમ થઈ રહી છે. દેશની સંપત્તિ માત્ર કેટલાક મૂડીવાદીઓને જ સોંપવામાં આવી રહી છે. ભાજપ અને આરએસએસ દેશની આઝાદી પહેલાની પરિસ્‍થિતિ ઈચ્‍છે છે, જ્‍યાં ગરીબોને કોઈ અધિકાર ન હતો.

(11:59 AM IST)