<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ થશે :દેશમાં અમુક નવા નિયમો અમલમાં આવશે:જાણો જનતાના જીવન પર કેવી અસર કરશે

બેંક એકાઉન્ટમાં ન્યૂનત્તમ બેલેન્સ અને ATM ઉપાડ ફીમાં ફેરફાર અને LPG ગેસના ભાવમાં થતાં ફેરફારો સહિતના નિયમો બદલાશે

નવી દિલ્હી :જાન્યુઆરી મહિનો પૂરો થવામાં ગણતરીના દિવસો જ બાકી છે, અને ફેબ્રુઆરીની શરૂઆત સાથે અનેક મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળશે. 1 ફેબ્રુઆરીથી લાગુ થનારા નિયમોમાં કેટલાક તમારા ખિસ્સા પર અસર કરી શકે છે. આમાં બેંક એકાઉન્ટમાં ન્યૂનત્તમ બેલેન્સ અને ATM ઉપાડ ફીમાં ફેરફાર અને LPG ગેસના ભાવમાં થતાં ફેરફારો મુખ્ય છે.

આ સાથે, 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ પણ રજૂ થવાનું છે, જેમાં અનેક નવી યોજનાઓ અને નીતિઓ જાહેર થવાની શક્યતા છે. જો તમે આ ફેરફારોથી અવગત હશો, તો તમારી નાણાકીય આયોજનમાં તેને સામેલ કરી શકશો. અહીં 1 ફેબ્રુઆરીથી લાગુ થનારા મોટા ફેરફારો વિશે વિગતવાર જાણો…

1 ફેબ્રુઆરી, 2025થી સેવિંગ એકાઉન્ટમાં ન્યૂનત્તમ બેલેન્સ જાળવવાની રકમ વધારી દેવામાં આવી છે. હવે SBI ખાતાધારકોએ પોતાના ખાતામાં ઓછામાં ઓછા ₹5000 રાખવા ફરજિયાત રહેશે, જે પહેલા ₹3000 હતું. PNB માટે ન્યૂનત્તમ બેલેન્સ ₹2000 પરથી વધીને ₹3500 થઈ ગયું છે, જ્યારે કેનેરા બેંક માટે આ રકમ ₹1000 થી વધારીને ₹2500 કરી દેવામાં આવી છે.

1 ફેબ્રુઆરી, 2025થી ATM ઉપાડ માટેના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે દર મહિને ફક્ત 3 ફ્રી ટ્રાન્ઝેક્શનની મંજૂરી રહેશે. આ બાદ દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર ₹25 ફી લેવામાં આવશે, જે પહેલાં ₹20 હતી. નોન-હોમ બેંક ATM પર આ ફી ₹30 હશે. એક દિવસમાં મહત્તમ ₹50,000 ઉપાડવાની મર્યાદા રાખવામાં આવી છે. ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે આ ફેરફારો અમલમાં લાવવામાં આવ્યા છે.

દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે. 1 ફેબ્રુઆરી, 2025ના રોજ પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની શક્યતા છે. જો કે, આગામી બદલાવ સામાન્ય જનતાના ખિસ્સા પર કેટલો પ્રભાવ પાડશે તે જોવાનું રહેશે.

LPG સિલિન્ડરની સાથે, એવિએશન ફ્યુઅલ (ATF) અને CNG-PNGના ભાવમાં પણ ફેરફાર થાય તેવી શક્યતા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરેક મહિનાની પહેલી તારીખે ATF અને CNG-PNGના દર સુધારે છે. આ બદલાવની અસર ઉડાન ભાડા અને ગેસના ઉપયોગ કરનાર ગ્રાહકો પર પડી શકે છે.

ફેબ્રુઆરી 2025માં બેંક રજાઓનો કુલ આંક 14 દિવસ સુધીનો છે. આ દરમિયાન ગ્રાહકો બેંકિંગ સંબંધિત કામ માટે ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરી શકે છે, જે 24x7 ઉપલબ્ધ રહેશે.


 

(1:11 PM IST)