<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

મોત પછીની દુનિયા કેવી હશે? કલ્પના કરતાં કરતાં નાગપુરમાં 12મા ધોરણમાં ભણતી એક છોકરીએ 'મોત પછીની દુનિયામાં' જવા માટે કાંડાની નસ કાપીને આપઘાત કરી લીધો

છોકરીએ જીવનનો અંત લાવવા માટે રશિયા પાસેથી 'સ્ટોન બ્લેડ' મંગાવી હતી, જે તેણે સ્વિસ મ્યુઝિયમમાં જોઈ હતી. કાલ્પનિક દુનિયામાં રાચતી હતી : પોલીસને ચાર પાનાની સુસાઈડ નોટ મળી આવી જે જર્મન ભાષામાં લખાયેલી છે લખાણ ઉકેલવા જર્મન નિષ્ણાંતોની મદદ લેવામાં આવી

નવી દિલ્હી તા.૨૮ :મોત પછીની દુનિયા કેવી હશે? કલ્પના કરતાં કરતાં એક છોકરીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું. નાગપુરમાં બનેલી એક આઘાતજનક ઘટનામાં 12મા ધોરણમાં ભણતી એક છોકરીએ 'મોત પછીની દુનિયામાં' જવા માટે કાંડાની નસ કાપીને આપઘાત કરી લીધો હતો. 17 વર્ષની છોકરીએ પોતાના ઘેર જ બન્ને હાથના કાંડા પર ધારધાર હથિયારના વાર કરીને નસો કાપી નાખી હતી તેની માતાને સવારમાં લાશ મળી હતી. 

ચાર પાનાની સુસાઈડ નોટ મળી 

પોલીસને ચાર પાનાની સુસાઈડ નોટ મળી આવી છે જે જર્મન ભાષામાં લખાયેલી છે અને તેનું લખાણ ઉકેલવા જર્મન નિષ્ણાંતોની મદદ લેવામાં આવી હતી. સુસાઈડ નોટમાં આપઘાતનું હેરાનીભર્યું કારણ દર્શાવાયું છે. છોકરીએ લખ્યું હતું કે તે મોત પછીની દુનિયામાં ડોકિયું કરવા માગતી હતી. તે ઉપરાંત સુસાઈડ નોટમાં મૃત્યુ પછીની આત્માની સફર અને મેટાફિઝિક્સ પ્રત્યેના તેના આકર્ષણનો સમાવેશ થતો હતો.

મૃતક 12 ભાષાઓ જાણતી હતી 

મૃતક 12 ભાષાઓ જાણતી હતી જેમાં જર્મન પણ સામેલ છે તેથી તેણે જર્મન ભાષામાં સુસાઈડ નોટ લખી હતી. તેના પિતા એક બેંકમાં કામ કરે છે જ્યારે તેની માતા અકસ્માતનો ભોગ બન્યા બાદ છેલ્લા કેટલાક વર્ષોથી ઘરે બંધ છે. આ છોકરીએ જીવનનો અંત લાવવા માટે રશિયા પાસેથી 'સ્ટોન બ્લેડ' મંગાવી હતી, જે તેણે સ્વિસ મ્યુઝિયમમાં જોઈ હતી. 

કાલ્પનિક દુનિયામાં રાચતી હતી

જ્યારે તેના પિતાની અહીં બદલી થઈ હતી ત્યારે તે નાગપુર આવી હતી ત્યારથી છોકરીએ તેના ઊંડા વિચારો લખવાનું શરૂ કર્યું હતું. જૂન 2024 થી, છોકરીનું ડિપ્રેશન કોઈનું ધ્યાન ગયું નથી. તે કાલ્પનિક દુનિયામાં રાચતી હતી અને આ વાત પર કોઈનું ધ્યાન ગયું નહોતું. 

13 જાન્યુઆરીએ પણ છોકરાએ કરી આત્મહત્યા 

13 જાન્યુઆરી 2025ના દિવસે પણ આવી એક ઘટના પ્રકાશમાં આવી હતી. યુપીના મેરઠમાં એક સગીર છોકરાએ મોત પછીની દુનિયાનું રહસ્ય જાણવા માટે આપઘાત કરી લીધો હતો. જીવન ટૂંકાવતા પહેલા છોકરાએ ગૂગલ પર સર્ચ કર્યું હતુ કે 'મર્યા પછી શું થાય છે', આવું સર્ચ કર્યાં બાદ તરત ઘરમાં આપઘાત કરી લીધો હતો. હકીકતમાં માતા અને મોટા ભાઈએ મિત્રો સાથે ફરતો અટકાવવા માટે તેની રોયલ એનફિલ્ડ બુલેટ વેચી દીધી અને આ વાતે નારાજ થતાં તેણે પોતાની જાતને ગોળી મારી દીધી.

(4:36 PM IST)