તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
કાશ્મીરમાં અસામાન્ય હવામાન પેટર્નઃ શિયાળામાં તાપમાન ૧૪ ડીગ્રીઃ લોકો ત્રસ્ત
પ્રદેશમાં ઠંડીના બદલે વસંત ઋતુ અનુભવતા લોકોઃ ૭પ ટકા વરસાદ ઓછો નોંધાયો પ્રદુષણ પર અંકુશ લગાવવા શહેરીકરણ નિયંત્રણ કરવા અને વનીકરણ યોજનાઓ અમલમાં મુકવા તજજ્ઞ નિતી નિર્માણકારોનું સુચન

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા. ર૯: વસ્તીનું સ્વર્ગ કાશ્મીર હાલ અસામાન્ય હવામાન-પેટર્નથી ત્રસ્ત છે. હાલ તપામાન ૧૪ ડિગ્રી પહોંચતા ઠંડીથી વધુ વસંત જેવું વધારે અનુભવાય રહ્યું છે. દિવસના સરરેરાશ ૬ થી ૮ ડિગ્રી તાપમાન વધવાથી વિશેષજ્ઞો પણ ચિંતામાં મુકાયા છે. તેઓ આ ઘટનાને વધતા શહેરીકરણ, અનિયંત્રીત પ્રદુષણ અને જળવાયુ પરિવર્તનના વ્યાપક પ્રભાવથી જોડી રહ્યા છે.
શ્રીનગરમાં હવામાન ખાતાના ડાયરેકટર ડો. અહમદે આ અંગે ચિંતા વ્યકત કરતા જણાવેલ કે, જાન્યુઆરીમાં ગરમી જેવો અનુભવ થઇ રહ્યો છે, જે ખુબ જ અસામાન્ય છે અને તેની પાછળ ઘણા કારણો છે. આ પહેલી વાર નથી કે જયારે આટલું તાપમાન નોંધાયું હોય, ગત વર્ષે પણ જાન્યુઆરીમાં આ પ્રકારે જ તાપમાન અસામાન્ય રહ્યું હતું. છેલ્લા એક દાયકામાં હવામાનના પેટર્નમાં ભારે બદલાવ જોયો છે. જેમાં ઠંડીની સીઝન ગરમ અને ઓછી અનુમાનીત થતું જાય છે.
તેમણે વધુમાં જણાવેલ કે, ગત વર્ષે જમ્મુ-કાશ્મીરમાં ૮૧ ટકા વરસાદ ઘટયો હતો અને આ વર્ષે ઠંડીમાં અત્યાર સુધીમાં ૭પ ટકાનો ઘટાડો નોંધાય ચૂકયો છે. લાંબા સમય સુધી અનાવૃષ્ટીના કારણે તાપમાનમાં વધારો થયો છે. જયારે શ્રીનગરના વિજ્ઞાન કેન્દ્રના હવામાન વૈજ્ઞાનિક પાલે વૈજ્ઞાનિક આધભાર સાથે સમજાવેલ કે, કાર્બન મોનોકસાઇડ અને અન્ય પ્રદુષકોના વધતા સ્તર વાતાવરણમાં અવરોધ ઉભો કરે છે. જેના કારણે ભેજ આવશ્યક વાયુમંડળીય સ્તર સુધી નથી પહોંચી શકતી. સુરજના કિરણો સીધા મેદાની વિસ્તારોને ગરમ કરે છે. જેથી કમોસમાં ઊંચુ તાપમાન જોવા મળે છે.
તજજ્ઞ નિતી નિર્માણકારો આ સંકટને દુર કરવા તુરંત કાર્યવાહી કરવાનો આગ્રહ કરી રહ્યા છે. પ્રસ્તાવીત ઉપાયોમાં પ્રદુષણ પર અંકુશ લગાડવો, શહેરી ફેલાવો નિયંત્રત કરવો અને ચાલી રહેલ પર્યાવરણીય પરિવર્તનોને ઘટાડવા મોટા પાયે વનીકરણ યોજનાઓ શરૂ કરવા જણાવ્યું છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
