તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
પાંચમની ક્ષય તિથિ સાથે ઉજવાશે વસંત પંચમી
વણજોયા મુહૂર્ત તરીકે જાણીતી વસંત પંચમીને તિથિનો વિચિત્ર સંયોગ નડયો, છતાં રવિવારે ઉજવણી : ધાર્મિક કાર્યો માટે મંદિરોમાં ધમધમાટ શરૂ, પણ લગ્ન સહિતના શુભ કાર્યોને લઇને મતમતાંતરની સ્થિતિ

મુંબઇ, તા.૨૯: હિન્દુ સમુદાય અને જ્યોતિષશાષામાં તિથિ, નક્ષત્રના સંયોગ સાથે લગ્ન સહિતના શુભ કાર્યોના આયોજનનો મત આપવામાં આવે છે. દરમિયાન વર્ષમાં વણજોયા મુહૂર્ત તરીકે જાણીતા ચાર પર્વો પૈકી વસંત પંચમીનું પણ એટલું જ મહત્ત્વ આંકવામાં આવે છે. જોકે, ચાલુ વર્ષે વસંત પંચમીના અતિ શુભ પર્વને તિથિનો વિચિત્ર સંયોગ નડયો હોય જનમાનસમાં ગડમથલ જોવા મળી રહી છે. પાંચમની ક્ષય તિથિ વચ્ચે વસંત પંચમીની ઉજવણી થશે. દરમિયાન વસંત પંચમીએ સરસ્વતી પૂજા સહિતના ધાર્મિક કાર્યો માટે મંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ લગ્નકાર્યોને લઇને વર-કન્યા પક્ષ, આયોજકોમાં મતમતાંતરની સ્થિતિ સર્જાઇ છે. દર વર્ષે મહા સુદ પાંચમની તિથિ વેળા વસંત પંચમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. વણજોયા મુહૂર્ત તરીકે વસંત પંચમી નિમિત્તે લગ્નોની ભરમાર જોવા મળે છે. વિવિધ સમાજના સામૂહિક લગ્નોત્સવનું આયોજન પણ વસંત પંચમીએ કરવામાં આવે છે. જોકે, ચાલુ વર્ષે વસંત પંચમીએ તિથિનો વિચિત્ર સંયોગ જોવા મળી રહ્યો છે. મહારાજ કિરીટદત્ત શુક્લના જણાવ્યા મુજબ, રવિવારે સવારે ૯.૧૫ વાગ્યાથી સોમવારે સવારે ૬.૫૩ વાગ્યા સુધી પાંચમની તિથિ છે. એક બાજુ સોમવારે ઉદય તિથિમાં ઉજવણીનું મહાત્મ્ય આંકવામાં આવી રહ્યું છે. બીજી બાજુ રવિવારે સવારે ૯.૧૫ વાગ્યાથી પાંચમ તિથિ શરૂ થતી હોય એ પ્રકારે મંદિરો, સામૂહિક લગ્ન સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. રવિવારે જ પાંચમનો ક્ષય, વસંત પંચમી, સરસ્વતી પૂજન, કેસર ભવાની ચેહર માં-શિક્ષાપત્રી જયંતી, મદન પંચમી સહિતના અવસર, પ્રસંગો આવશે. રવિવારે રાત્રીએ ૧૨.૫૩ વાગ્યાથી રવિયોગની શરૂઆત થશે. પંચાગમાં પણ લગ્નનું મુહૂર્ત ન હોય અને સાથે પાંચમની ક્ષય તિથિ હોવાથી વર-કન્યા પક્ષના કેટલાક આયોજનો અટવાયા છે. તો કેટલાક આયોજનોમાં પોતાની શ્રદ્ધા, માનતા પ્રમાણે તૈયારી કરવામાં આવી છે.
વસંત પંચમીએ પીળા વસ્ત્રો, સરસ્વતી પૂજાનું ભારે મહાત્મ્ય
મહારાજ હાર્દિક ઉપાધ્યાયના જણાવ્યા મુજબ તિથિના વિચિત્ર સંયોગ વચ્ચે રવિવારે જ શહેરમાં વસંત પંચમીના આયોજનો કરવામાં આવ્યા છે. શાષાો પ્રમાણે રવિવાર અને મંગળવારે નવા ઘરમાં પ્રવેશ યોગ્ય ગણી શકાય નહીં. તેમ છતાં હવે સમય-સંજોગ, શ્રદ્ધાને આધીન યજમાનો નિર્ણય લે છે. વધુમાં, વસંત પંચમીને સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે માત્ર જ્ઞાન અને કળાની દેવી સરસ્વતીની ઉપાસનાનો તહેવાર નથી, પરંતુ પ્રકળતિ સાથે સંબંધિત વિશેષ તહેવાર માનવામાં આવે છે. ભારત દેશમાં તેને લણણીના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. ખાસ કરીને સરસવના ખેતરોમાં, જ્યાં પીળા ફૂલો વસંતના આગમનનો સંકેત આપે છે. એટલે જ વસંત પંચમીએ પીળા રંગના કપડા પહેરવાથી સકારાત્મક ઊર્જા વધતી હોવાનું માનવામાં આવે છે. વળી, ચાલુ વર્ષે મહાકુંભનો પણ વિશેષ સંયોગ છે, જેમાં સોમવારે ૩ ફેબ્રુઆરીએ શાહી સ્નાન કરવામાં આવશે. વસંત પંચમીની શરૂઆત ઉત્તરાભાદ્રપદ નક્ષત્રથી થશે અને રેવતી નક્ષત્રમાં પૂર્ણાહુતિ થશે. રવિવારે આખો દિવસ શિવયોગ છે. આ દિવસે પવિત્ર નદીઓમાં ડુબકી લગાડવી શુભદાયી માનવામાં આવે છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
