<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

કેન્દ્રીય કેબિનેટે નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશનને આપી મંજૂરી :; ખેડૂતો માટે મોટો નિર્ણય પણ સામેલ : ઇથેનોલ માટે શેરડીના ફીડસ્ટોકની પ્રાપ્તિ માટેના ભાવોને મંજૂરી આપી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં CCEA એ ઇથેનોલની ખરીદી માટે સંશોધિત કિંમતોને મંજૂરી આપી : જેનો ઉદ્દેશ્ય દેશને ખનિજોના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા તરફ આગળ વધવાનો

નવી દિલ્હી તા.૨૯ : બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં બે મોટા નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયો વિશે માહિતી આપી હતી. આમાંથી એક નિર્ણય ખેડૂતોને રાહત આપવાનો છે. બીજા નિર્ણયની અસર એગ્રી સેક્ટરની સાથે અન્ય ઘણા ક્ષેત્રો પર જોવા મળશે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ઇથેનોલ માટે શેરડીના ફીડસ્ટોકની પ્રાપ્તિ માટેના ભાવોને મંજૂરી આપી છે. આ ઉપરાંત  કેબિનેટે નેશનલ ક્રિટિકલ મિનરલ મિશનને પણ મંજૂરી આપી દીધી છે. 

દેશની અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ ખનિજોના મહત્વને ધ્યાનમાં રાખીને, 16,300 કરોડ રૂપિયાના આ મિશનને મંજૂરી આપવામાં આવી છે. જેનો ઉદ્દેશ્ય દેશને ખનિજોના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા તરફ આગળ વધવાનો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં CCEA એ ઇથેનોલની ખરીદી માટે સંશોધિત કિંમતોને મંજૂરી આપી છે. આ કિંમતો 1લી નવેમ્બર 2024થી 31મી ઓક્ટોબર 2025 સુધી લાગુ રહેશે. નિર્ણય અનુસાર, ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ સી-હેવી મોલાસીસ એટલે કે CHM માટે એક્સ મિલની કિંમત 56.58 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 57.97 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. આ નિર્ણયથી માત્ર ખેડૂતોને જ ફાયદો થશે નહીં પરંતુ ક્રૂડ ઓઈલ પર દેશની નિર્ભરતા ઘટાડવામાં અને વિદેશી હૂંડિયામણ બચાવવામાં પણ મદદ મળશે.

(4:40 PM IST)