<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

મહાકુંભમાં શંકરાચાર્યોએ કર્યું અમૃતસ્નાન : 13 અખાડાઓએ લગાવી આસ્થાની ડૂબકી

અમૃતસ્નાનની શરૂઆત થયા બાદ હવે મૌની અમાવસ્યા પર 13 અખાડા એક પછી એક પવિત્ર સ્નાન કર્યું

મહાકુંભમાં અખાડાઓનું અમૃત સ્નાન ચાલુ છે. અગાઉની નાસભાગ બાદ અખાડા પરિષદે અમૃતસ્નાન લેવાની ના પાડી દીધી હતી. જો કે, બાદમાં સ્થિતિ સામાન્ય થયા બાદ અખાડાઓએ નક્કી કર્યું કે તેઓ અમૃત સ્નાનમાં ભાગ લેશે. હવે સંગમમાં સ્નાન કરવા જતા સંતો-મુનિઓ પર હેલિકોપ્ટરથી પુષ્પોની વર્ષા કરવામાં આવી.

 

28 જાન્યુઆરીએ પ્રયાગરાજના સંગમ નાકા પર મચેલી ભાગદોડમાં 20થી વધુ લોકોના મોત થયા છે. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, હાલમાં સંગમ વિસ્તારમાં સ્થિતિ સામાન્ય બની છે, પરંતુ મહાકુંભમાં સ્નાન કરવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ત્યાં હાજર છે. અંદાજે આ દિવસે જ લગભગ 10 કરોડ ભક્તો આસ્થાપૂર્વક સ્નાન કરશે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં લગભગ 20 કરોડ લોકોએ ગંગામાં ડૂબકી લગાવી છે. આજે બુધવારે મૌની અમાવસ્યા પર 10 કરોડથી વધુ ભક્તો આવવાની સંભાવના છે.

 

મૌની અમાવસ્યા નિમિત્તે કરોડો ભક્તો મહાકુંભમાં સ્નાન કરવા ઉમટી પડ્યા છે. એક તરફ અખાડાઓમાં અમૃતસ્નાન ચાલી રહ્યું છે તો બીજી તરફ ભક્તો પણ સ્નાન કરી રહ્યા છે. બપોરે 2 વાગ્યા સુધી 5.04 કરોડ લોકોએ સ્નાન કર્યું છે. 13 જાન્યુઆરીના રોજ મહાકુંભની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ 25 કરોડ જેટલા લોકો મહાકુંભમાં ડૂબકી લગાવી ચૂક્યા છે.

 

મૌની અમાવસ્યા પર, જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી મહારાજે જણાવ્યું કે અમે વિચાર્યું કે અમારા કારણે ભક્તોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. તેથી અમે અમારું સ્નાન મોકૂફ રાખ્યું હતું, જો કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે, તેથી અમે સ્નાન કરવા આવ્યા છીએ. બધા અખાડાઓ એકસાથે સ્નાન કરવા જાય છે. મારો સંદેશ એ છે કે ભારત અખંડ રહે અને આપણે જાતિના આધારે વિભાજિત ન થવું જોઈએ, આપણે હિન્દુ છીએ, આપણે સનાતની છીએ.

 

અત્યાર સુધી જુના અખાડા, નિર્વાણી આવાહન, પંચ દશનમ, પંચાયતી મહાનિર્વાણ અને અખિલ ભારતીય શ્રી પંચ નિર્વાણી અખાડાએ અમૃત સ્નાન કર્યું છે.

(6:38 PM IST)