News of Wednesday, 29th January 2025
દક્ષિણ સુદાનમાં ભયાનક વિમાન દુર્ઘટના :પ્લેન ક્રેશ થતા એક ભારતીય સહિત 20 લોકોનાં મોત
રાજધાની જુબાથી ટેકઓફ કરતી વખતે યુનિટી ઓઇલફિલ્ડ એરપોર્ટ પર વિમાન ક્રેશ થયું: પ્લેનમાં 21 મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા.

દક્ષિણ સુદાનના યુનિટી સ્ટેટમાં એક પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 21 મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. સંયુક્ત રાષ્ટ્ર રેડિયો મિરાયાના અહેવાલ મુજબ, આ વિમાન દક્ષિણ સુદાનના એક ઓઇલફિલ્ડથી ઉડી રહ્યું હતું. દક્ષિણ સુદાનના માહિતી પ્રધાન માઈકલ માકુઈએ આ ભયાનક વિમાન દુર્ઘટના અંગે કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આપી નથી.
જો કે, યુનિટી સ્ટેટ ઇન્ફોર્મેશન મિનિસ્ટર ગેટવેચ બિપલે જણાવ્યું હતું કે રાજધાની જુબાથી ટેકઓફ કરતી વખતે યુનિટી ઓઇલફિલ્ડ એરપોર્ટ પર બુધવારે (29 જાન્યુઆરી) સવારે વિમાન ક્રેશ થયું હતું. બિપલે કહ્યું, “વિમાનમાં બેઠેલા તમામ મુસાફરો ગ્રેટર પાયોનિયર ઓપરેટિંગ કંપની (GPOC)ના ઓઈલ કર્મચારી હતા. GPOC એક કન્સોર્ટિયમ છે જેમાં ચાઈના નેશનલ પેટ્રોલિયમ કોર્પોરેશન અને સરકારની માલિકીની નાઈલ પેટ્રોલિયમ સામેલ છે. તેમણે કહ્યું કે મૃતકોમાં બે ચીની અને એક ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે.
માહિતી પ્રધાન ગેટવેચ બિપલે આ ભયાનક અકસ્માત પાછળના કારણો વિશે વધુ માહિતી આપી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના બાદ મૃતકોની સંખ્યા શરૂઆતમાં 18 હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ બિપલે રોઇટર્સને જણાવ્યું કે પાછળથી વધુ બે લોકો મૃત્યુ પામ્યા. તે જ સમયે, એક વ્યક્તિ બચી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં યુદ્ધગ્રસ્ત દક્ષિણ સુદાનમાં અનેક વિમાન અકસ્માતો થયા છે. સપ્ટેમ્બર 2018 માં, રાજધાની જુબાથી યિરોલ શહેર તરફ જતું નાનું વિમાન ક્રેશ થયું હતું. જેમાં ઓછામાં ઓછા 19 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે જ સમયે, વર્ષ 2015 માં, રાજધાની જુબાથી ટેકઓફ કરતી વખતે રશિયન બનાવટનું એક કાર્ગો પ્લેન ક્રેશ થયું હતું.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
