News of Wednesday, 29th January 2025
જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કોર્ટમાંથી રાહત : વેપારી પાસે 50 લાખની ખંડણી માંગવાના કેસમાં નિર્દોષ જાહેર
ફરીદકોટ જિલ્લા કોર્ટમાં મેજિસ્ટ્રેટ એસ સોહીની કોર્ટે પુરાવાના અભાવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને નિર્દોષ જાહેર કર્યો: કેસમાં સહઆરોપી અને હવે લોરેન્સ ગેંગ ચલાવી રહેલા ગોલ્ડી બ્રારને ભાગેડુ જાહેર કરાયો

નવી દિલ્હી :જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કોર્ટમાંથી રાહત મળી છે. કાપડના વેપારી પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. ફરીદકોટ જિલ્લા કોર્ટમાં મેજિસ્ટ્રેટ એસ સોહીની કોર્ટે પુરાવાના અભાવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને નિર્દોષ જાહેર કર્યો છે. આ કેસમાં સહઆરોપી અને હવે લોરેન્સ ગેંગ ચલાવી રહેલા ગોલ્ડી બ્રારને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વકીલ અમિત મિત્તલે કહ્યું કે તેમના ક્લાયન્ટ પર બિઝનેસમેન પાસેથી 50 લાખ રૂપિયાની માંગ કરવાનો આરોપ છે. આરોપ છે કે વોટ્સએપ કોલ દ્વારા ખંડણી માંગવામાં આવી હતી, પરંતુ ફરિયાદી તેના આરોપને સાબિત કરવા માટે કોઈ પુરાવા આપી શક્યા ન હતા.
કોટકાપુરા પોલીસે વર્ષ 2021માં લોરેન્સ સામે ખંડણીનો કેસ નોંધ્યો હતો. કાપડના વેપારી સુમિત કુમારે એવો કેસ નોંધાવ્યો હતો કે ગોલ્ડી બ્રારે વોટ્સએપ કોલ પર 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જો પૈસા નહીં ચૂકવવામાં આવે તો વેપારીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ફોન કરનારે તેનું નામ ગોલ્ડી બ્રાર હોવાનું જણાવ્યું અને કહ્યું કે તેના કાલા જેથેડી, લોરેન્સ અને અન્ય ગેંગસ્ટરો સાથે સારા સંબંધો છે. આ પછી તેણે વેપારી પાસેથી 50 લાખ રૂપિયાની માંગણી કરી. તેણે વેપારીને ધમકી આપી હતી કે જો તે પૈસા નહીં આપે તો તેના આખા પરિવારને મારી નાખવામાં આવશે.
કેસ નોંધાયા પછી, 10 ઓગસ્ટ 2022 ના રોજ આ કેસમાં ગેંગસ્ટર લોરેન્સની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને એક કેસના સંબંધમાં પંજાબ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરિદકોટ પોલીસે આ કેસમાં લોરેન્સની ધરપકડ કરી અને તેને ફરીદકોટ કોર્ટમાં રજૂ કર્યો. બાદમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં તેની હાજરી ચાલુ રહી હતી. પરંતુ કોર્ટને આ કેસમાં લોરેન્સની સંડોવણીના પુરાવા મળ્યા ન હતા અને ગેંગસ્ટર લોરેન્સને નિર્દોષ છોડવાનો આદેશ આપ્યો હતો.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
