News of Thursday, 30th January 2025
અમેરિકામાં લેન્ડિંગ વખતે મુસાફરોથી ભરેલું વિમાન હેલિકોપ્ટર સાથે અથડાયું
ક્રેશ થયા બાદ વિમાન નદીમાં પડી ગયું; બચાવ કામગીરી ચાલુ : બે મૃતદેહો મળ્યા : અકસ્માત સમયે વિમાનમાં ૬૦ મુસાફરો હતા, આ વિમાન કેન્સાસથી વોશિંગ્ટન આવી રહ્યું હતું

વોશિંગ્ટન, તા.૩૦: અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં એક વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કરના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં લગભગ ૬૦ મુસાફરો હતા. આ વિમાન એર કેનેડાનું હતું અને હેલિકોપ્ટર સાથે અથડાયા બાદ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ નજીક પોટોમેક નદીમાં ક્રેશ થયું હતું. ઘટના બાદથી બચાવ કામગીરી ચાલુ છે.
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં એક પેસેન્જર વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ હતી. વિમાનમાં ઘણા મુસાફરો હતા; આ વિમાન દુર્ઘટના એરપોર્ટ નજીક બની હતી. વિમાન પોટોમેક નદીમાં ક્રેશ થયું.
આ વિમાન અમેરિકાના કેન્સાસ સિટીથી વોશિંગ્ટન આવી રહ્યું હતું. તે કેનેડા એરનું વિમાન હતું. વિમાન દુર્ઘટના બાદ પોટોમેક નદીમાં શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.
આ અકસ્માત ત્યારે થયો જ્યારે વિમાન એરપોર્ટ પર ઉતરવાનું હતું. પછી તે સામેથી આવી રહેલા યુએસ આર્મીના બ્લેકહોક હેલિકોપ્ટર સાથે અથડાયું. આ પછી બંને ક્રેશ થયા અને પોટોમેક નદીમાં પડી ગયા. જે હેલિકોપ્ટર સાથે વિમાન અથડાયું તે સિરોસ્કી H-૬૦ હેલિકોપ્ટર હતું.
રિપોર્ટ અનુસાર, તે એક નાનું પેસેન્જર પ્લેન હતું, જેમાં ૬૫ લોકો બેસી શકતા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે વિમાનમાં ૬૦ મુસાફરો હતા. આ વિમાન કેન્સાસથી વોશિંગ્ટન આવી રહ્યું હતું.
એરલાઇન કંપનીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે અમને માહિતી મળી છે કે PSA દ્વારા સંચાલિત અમેરિકન ઇગલ ફ્લાઇટ ૫૩૪૨ કેન્સાસથી વોશિંગ્ટન રીગન નેશનલ એરપોર્ટ આવી રહી હતી. તેનો અકસ્માત થયો છે.
યુએસ સેનેટર ટેડ ક્રુઝે કહ્યું કે આ ઘટનામાં મળત્યુ થયા છે પરંતુ અમને હજુ સુધી ખબર નથી કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા. દરમિયાન, એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી બંધ કરી દેવામાં આવી છે.
ડીસી પોલીસનું કહેવું છે કે વિમાન સાથે અથડાયેલું હેલિકોપ્ટર મેટ્રોપોલિટન પોલીસ વિભાગનું નહોતું. વોશિંગ્ટન ડીસીના સેનેટર જેરી મોરને જણાવ્યું હતું કે કેન્સાસથી આવી રહેલ વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર મળ્યા છે.
સોશિયલ મીડિયા પરના વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે રીગન એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે વિમાન હેલિકોપ્ટર સાથે કેવી રીતે અથડાયું. દરમિયાન, ઘટના બાદ બધી ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ટક્કર પછી વિમાન આગનો ગોળો બની જાય છે. આકાશમાં તણખા ફૂટે છે.
આ ઘટના અંગે યુએસના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે એક્સ પર પોસ્ટ કરી છે, તેમણે કહ્યું છે કે, અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ, હાલ માટે સારા થવાની આશા રાખીએ છીએ.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
