News of Thursday, 30th January 2025
કંપોઝિશન માટે RCMમાંથી મુક્તિનું નોટિફિકેશન મોડું આવતા અસમંજસ
ઓક્ટોબરમાં જાહેરાત અને ૧૬ જાન્યુઆરીએ જાહેરનામું ત્રણ મહિના માટે ૧૮ ટકા લેખે આરસીએમ ભરવાના મુદ્દે ભારે ગડમથલ

મુંબઇ,તા.૩૦: કંપોઝિશન સ્કીમનો લાભ લેનારને ભાડાની મિલકત પર આરસીએમ ચૂકવવાની મુક્તિ આપવાની જાહેરાત તો કરી દેવામાં આવી હતી, પરંતુ તેનું સત્તાવાર નોટિફિકેશન ત્રણ મહિના મોડું આવ્યું હતું. તેના કારણે ત્રણ મહિનાનો આરસીએમ ભરવાનો કે નહીં તે મુદ્દે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નહીં આવતા અસમંજસની સ્થિતિ ઊભી થઇ છે, કારણ કે જો વેપારીઓ નિયમ પ્રમાણે આરસીએમ નહીં ભરે તો પાછળથી જીએસટી વિભાગ દ્વારા નોટિસ પણ આપી શકે તેવી શકયતા સેવાઈ રહી છે. જેથી આરસીએમ ભરવો કે નહીં તે મુદ્દે વેપારીઓ ભારે વિસામણમાં મુકાયા છે. જોકે આ માટે ટેક્સ કન્સલ્ટન્ટ કે સીએને પૂછવામાં આવે તો તે પણ નોટિફિકેશનમાં યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવી નહીં હોવાની જ વાત કરી રહ્યા છે.
૧.૫૦ કરોડનું ટર્નઓવર ધરાવનાર વેપારી જીએસટીમાં કંપોઝિશન સ્કીમનો લાભ લેતા હોય છે. તેના કારણે તેઓ એક પણ રૂપિયાની ક્રેડિટ લીધા બાદ સીધો પાંચ ટકા જીએસટી તેઓના ટર્નઓવર પ્રમાણે ભરપાઈ કરી દેતા હોય છે. આવા વેપારીઓએ મિલકત ભાડે રાખી હોય અને જેની પાસેથી મિલકત ભાડે રાખી હોય તે વ્યક્તિએ જીએસટી નંબર લીધો નહીં હોય તો પણ આરસીએમ (રિવર્સ ચાર્જ મિકેનિઝમ) ભરવામાંથી મુક્તિ આપતો નિર્ણય જીએસટી કાઉન્સિલની ઓક્ટોબર માસમાં મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.
પરંતુ તેનું સત્તાવાર નોટિફિકેશન ૧૬ જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત ઓક્ટોબરમાં જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે તાત્કાલિક જ તેનો અમલ કરવાની વાત કરવામાં આવી હતી. જેથી તેનો અમલ ઓક્ટોબર માસથી જ કરી દેવામાં આવ્યો છે. જ્યારે કંપોઝિશન સ્કીમનો લાભ લેનારને ૧૮ ટકા લેખે જે આરસીએમ ભરવામાંથી મુક્તિ આપવાની વાત કરવામાં આવ્યા બાદ તેનું નોટિફિકેશન ત્રણ મહિના મોડું બહાર પાડવામાં આવતા વેપારીઓએ આરસીએમ ભરવો કે નહીં તે અંગે ભારે અસમંજસ અનુભવી રહ્યા છે
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
