<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

સુદાનમાં સેનાની સામે લડી રહેલા અર્ધલશ્કરી દળે ઓમદુરમાન પ્રાંતના એક ઓપન માર્કેટ પર કર્યો હુમલોઃ ખાલિદ અલ-અલીસિરે આ હુમલાની નિંદા કરી

આ હુમલામાં મોટાભાગે મહિલાઓ અને બાળકો પણ મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળેલ છે

નવી દિલ્‍હીઃ  સુદાનમાં સેનાની સામે લડી રહેલા અર્ધલશ્કરી દળે ઓમદુરમાન પ્રાંતના એક ઓપન માર્કેટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં આશરે 54 લોકોના મોત થયા છે અને 158થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. સુદાનના આરોગ્ય વિભાગના અધિકારીઓએ શનિવારે (1 ફેબ્રુઆરી) આ અંગે માહિતી આપી છે. તેમના જણાવ્યાનુસાર, સુદાનના અર્ધલશ્કરી દળ રેપિડ સપોર્ટ ફોર્સ (RSF)એ આ હુમલો કર્યો છે.
સુદાનના સંસ્કૃતિ મંત્રી અને સરકારી પ્રવક્તા ખાલિદ અલ-અલીસિરે આ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, 'આ હુમલામાં મોટાભાગે મહિલાઓ અને બાળકો પણ મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત હુમલાના કારણે ખાનગી અને જાહેર સંપત્તિઓને મોટા પાયે નુકસાન થયું છે. આ ગુનાહિત કૃત્ય અર્ધલશ્કરી દળોની લોહિયાળ ગતિવિધિઓને ઉજાગર કરે છે. આ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદાઓનો ઉલ્લંઘન છે.'

(10:38 AM IST)