તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th February 2025
ચાર વર્ષના આઈટી રીટર્ન એક સાથે ભરવાની જાહેરાત છેતરામણી પુરવાર
૭૦ ટકા સુધીની વસુલાત કર્યા બાદ જ આઇટી રીટર્ન સ્વીકારાશે છૂટછાટ તો આપી પરંતુ દંડની રકમ પણ વધારી દીધી એક સાથે IT રીટર્નનો નિયમ લાવવાથી કરદાતાને રાહત મળશે

મુંબઈ, તા.૪: ઇન્કમટેક્સમાં પહેલા રીટર્ન ભરવા માટે ટેક્સની રકમ સાથે વ્યાજ અને તેના પર ૨૫ ટકા વધુ ચુકવણી કરવામાં આવે તો જ રીટર્ન ફાઇલ કરી શકાતુ હતુ. જ્યારે હવેથી ચાર વર્ષના રીટર્ન એક સાથે ભરી શકાય તેવી જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. તેના કારણે કરદાતાને રાહત ચોક્કસ મળવાની છે. પરંતુ તેના માટે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ટેક્સની રકમ પર ૭૦ ટકા સુધીની વસુલાત કરશે. જેથી આઈટી રીટર્ન ભરવા માટે આપવામાં આવેલી છુટછાટનો બોજો કરદાતાના ખિસ્સા પર પડવાનો છે. ઈન્કમટેક્સમાં પહેલા એક સાથે બેથી ત્રણ વર્ષનુ રીટર્ન એક સાથે ભરી શકે તેવી છુટછાટ આપવામાં આવતી હતી. ત્યાર બાદ તેમાં સુધારો કરીને ચાલુ વર્ષનુ જ રીટર્ન ભરી શકાય તેવી જોગવાઈ લાવવામાં આવી હતી. જ્યારે કોઈ કરદાતા રીટર્ન ભરવાનુ ચુકી ગયા કે ભુલી ગયો હોય તેવા કિસ્સામાં કરદાતા પાસે ટેક્સની રકમ પર વ્યાજ અને તેના પર ૨૫ ટકા વધારાની રકમ વસુલાત કર્યા બાદ જ આઇટી રીટર્ન ભરવાની છુટ આપવામાં આવી હતી. હવે તેમાં ચાર વર્ષ સુધી કરદાતા રીટર્ન ભરી શકે તેવી જોગવાઈ તો લાવવામાં આવી છે. પરંતુ તેમાં દર વર્ષે વધારાની રકમ ચુકવણીમાં ધરખમ વધારો કરી દેવામાં આવ્યો છે. જેથી જે પણ કરદાતા એક સાથે ચાર રીટર્ન ભરવા માંગતા હોય તેની પાસેથી વધારાની વસુલાત કર્યા પછી જ રીટર્ન ભરી શકાશે.
કરદાતા દ્વારા જ્યારે રીટર્ન ભરે ત્યારે કેટલીક વખત આવક દર્શાવવાનુ રહી જતુ હોય છે. જ્યારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરે તેવા કિસ્સામાં આવી આવક મળી આવે તો કરદાતાએ ૧૦૦ ટકા કરતા વધુ રકમ ભરવાની સ્થિતી ઉભી થતી હોય છે. તેના કારણે આવા કરદાતા સામે ચાલીને વિભાગને જાણ કરીને રીટર્ન ભરી દે તો તેમની પાસે ૭૦ ટકા સુધીની વસુલાત થશે. તેના લીધે કરદાતાને તો ફાયદો જ થવાનો છે કારણ કે તેને ૧૦૦ ટકાથી વધુ ટેક્સ ભરવાના બદલે ૭૦ ટકા સુધીની રકમ ભરવામાં આવે તો પણ કાર્યવાહીમાંથી બચી શકે તેમ છે. -મહિર મોદી, સીએ.
વર્ષ પ્રમાણે IT દ્વારા વસુલાત થનારી રકમ
પહેલા વર્ષે ૨૫ ટકા
બીજા વર્ષે ૫૦ ટકા
ત્રીજા વર્ષે ૬૦ ટકા
ચોથા વર્ષે ૭૦ ટકા
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
