<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

‘ડ્રેગને' સામી ‘ફુંક' મારી : અમેરિકા ઉપર ઝીંકયા ટેરિફ

‘ટેરિફ વોર'નો પ્રારંભ : ચીન હવે આર-પારના મુડમાં : ટેરિફ મામલે અમેરિકાને આપ્‍યો આકરો જવાબ : અમેરિકી ક્રુડ-કોલસા ઉપર ૧૫ ટકાનો ટેરિફ લાધ્‍યો : ગુગલને લઇને પણ ચીન આકરા પાણીએ

વોશીંગ્‍ટન, તા.૪: ટ્રમ્‍પ વહીવટીતંત્ર દ્વારા ચીની માલ પર ૧૦ ટકા ટેરિફ લાદવાની જાહેરાત બાદ ડ્રેગને સામે ફૂંક મારી છે. ચીને હવે અમેરિકા પર વળતો પ્રહાર કર્યો છે. ટેરિફ મામલે અમેરિકાને ચીને આકરો જવાબ આપ્‍યો છે. ચીનનું નાણા મંત્રાલય અમેરિકાથી આયાત થતા કોલસા અને ન્‍ફઞ્‍ પર ૧૫ ટકા ટેક્‍સ લાદશે. આ ઉપરાંત, ક્રૂડ ઓઇલ, કળષિ મશીનરી, મોટા મશીનો અને પિકઅપ ટ્રક પર ૧૦ ટકા ટેરિફ લાદવામાં આવ્‍યો છે. આ કરવેરા ૧૦ ફેબ્રુઆરીથી અમલમાં આવશે. ચીને નવી નિકાસ વસ્‍તુઓ પર નિયંત્રણોની યાદી જારી કરી, જેમાં ટંગસ્‍ટન સંબંધિત વસ્‍તુઓનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ સામાન્‍ય રીતે ઔદ્યોગિક અને સંરક્ષણ માલસામાનમાં થાય છે. આ ઉપરાંત, સૌર કોષો બનાવવામાં વપરાતી ટેલુરિયમ સામગ્રીનો પણ સમાવેશ થાય છે.

ચીને ફક્‍ત ટેરિફ લગાવીને જ કામ પૂરું ન કર્યું, તેણે બે અમેરિકન કંપનીઓને પણ અવિશ્વસનીય કંપનીઓની યાદીમાં ઉમેરી. આમાં બાયોટેક કંપની ઇલુમિના અને ફેશન રિટેલર પીવીએચ ગ્રુપનો સમાવેશ થાય છે, જે કેલ્‍વિન ક્‍લેઈન અને ટોમી હિલફિગરના માલિક છે. ચીન કહે છે કે તેમણે સામાન્‍ય બજાર વેપાર સિદ્ધાંતોનું ઉલ્લંઘન કર્યું છે. ટેરિફ ઉપરાંત, ચીને યુએસ ટેકનોલોજી કંપની ગુગલ સામે એકાધિકાર વિરોધી તપાસ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. ગુગલને લઇને પણ ચીને આકરૂ વલણ દર્શાવ્‍યુ છે.

ટ્રમ્‍પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્‍ચે સંભવિત ટેલિફોનિક વાતચીત પહેલા ચીનનું આ બદલો લેવાનું પગલું લેવામાં આવ્‍યું છે. ટ્રમ્‍પે કહયું હતું કે શી સાથે વાતચીત ‘‘કદાચ આગામી ૨૪ કલાકમાં'' થશે. ટ્રમ્‍પે એમ પણ કહયું હતું કે જો ચીન સાથે કોઈ સોદો ન થાય, તો ‘‘ટેરિફ ખૂબ જ ઊંચા હશે.‘‘ ચૂંટણી જીત્‍યા પછી તરત જ, ટ્રમ્‍પે જાહેરાત કરી કે તેઓ કેનેડા અને મેક્‍સિકો પર તેમની સરહદો દ્વારા અમેરિકામાં ફેન્‍ટાનાઇલ દવાઓના પ્રવાહને રોકવામાં નિષ્‍ફળ રહેવા બદલ ૨૫ ટકા ટેરિફ લાદશે. તેમણે ચીન પર ૧૦ ટકા ટેરિફની પણ જાહેરાત કરી કારણ કે તે કેનેડા અને મેક્‍સિકોથી અમેરિકામાં આવતા ફેન્‍ટાનાઇલનો સપ્‍લાય કરે છે. ગયા અઠવાડિયે, ટ્રમ્‍પે ટેરિફ લાગુ કરવા માટે એક્‍ઝિક્‍યુટિવ ઓર્ડર પર હસ્‍તાક્ષર કર્યા હતા.

ટ્રમ્‍પ વહીવટીતંત્રે જાહેરાત કરી હતી કે ટ્રમ્‍પે મેક્‍સિકન અને કેનેડિયન નેતાઓ સાથે વાતચીત કર્યા પછી કેનેડા અને મેક્‍સિકોને ટેરિફમાંથી ૩૦ દિવસની રાહત આપવામાં આવી છે. ચીન માટે આવી કોઈ રાહત નહોતી, જે પહેલાથી જ વર્ષોથી અમેરિકા સાથે વેપાર સંઘર્ષમાં ફસાયેલું છે. જો બિડેન વહીવટીતંત્રે ચાઇનીઝ ઇલેક્‍ટ્રિક વાહનો (EVs), ધાતુઓ પર ભારે ટેરિફ લાદ્યા હતા.

(3:01 PM IST)