<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં બર્ડ ફ્લુથી ફફડાટ :અસરગ્રસ્ત વિસ્તારમાં વાહનોની અવરજવર પર પાબંધી :મરઘાં-ચિકનની દુકાનો બંધ

મહારાષ્ટ્રના માંગલી ગામમાં પોલ્ટ્રી ફાર્મમાં મરઘીઓના મોત થયા:. માંગલી ગામમાં અને તેની આસપાસના 10 કિલોમીટરની અંદર આવનારા વિસ્તારોને એલર્ટ ઝોન જાહેર

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં બર્ડ ફ્લુની દહેશત ફેલાઈ છે. માંગલી ગામમાં અને તેની આસપાસના 10 કિલોમીટરની અંદર આવનારા વિસ્તારોને એલર્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સત્તાવાર સુત્રો અનુસાર કલેક્ટર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા બર્ડ ફ્લુને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે.

સૂત્રો અનુસાર 25 જાન્યુઆરીએ બ્રહ્મપુરી તાલુકામાં આવેલા માંગલી ગામમાં પોલ્ટ્રી ફાર્મમાં મરઘીઓના મોત થયા હતા. પશુપાલન વિભાગ દ્વારા પોલ્ટ્રી ફાર્મમાંથી મૃત મરઘીઓના સેમ્પલ ભેગા કરવામાં આવ્યા હતા અને પૂણે અને ભોપાલની લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર એલર્ટ બન્યું છે. ક્લેક્ટર અને ડીડીએમએના અધ્યક્ષે બિમારીને ફેલાતી અટકાવવા માટે માંગલી ગામ અને તેની આસપાસના 10 કિલોમીટરના વિસ્તારને એલર્ટ ઝોન જાહેર કર્યું છે.

અધ્યક્ષે એ પણ જણાવ્યું કે વિસ્તારમાં સંક્રમણને ફેલાતું રોકવા માટે માંગલી, ગેવરલાચક અને જુનોનાટોલીમાં પોલ્ટ્રી બર્ડ રેપિડ રિસ્પોન્સ ટીમના માધ્યમથી વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને પ્રભાવિત પક્ષીઓને મારવાની કાર્યવાહી કરવામાં આવશે. અસરગ્રસ્ત વિસ્તારમાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઝોનમાં જીવંત અને મૃત મરઘાં, ઈંડા, મરઘાં, પક્ષી ખોરાક, એસેસરીઝ અને સાધનોની હેરફેર પર પ્રતિબંધ છે.

મૃત પક્ષીઓનો માર્ગદર્શિકા મુજબ નિકાલ કરવામાં આવશે. બાકીના પશુ આહાર અને ઇંડાનો નાશ કરવામાં આવશે. અસરગ્રસ્ત મરઘાં ફાર્મના પ્રવેશદ્વાર અને પરિસરને સોડિયમ હાઇપોક્લોરાઇટ અથવા પોટેશિયમ પરમેંગેનેટથી જંતુમુક્ત કરાશે. અસરગ્રસ્ત વિસ્તારના 5 કિમી ત્રિજ્યામાં મરઘાં અને ચિકનની દુકાનો બંધ રહેશે.

(1:29 PM IST)