<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા ગુજરાતીઓ મામલે નીતિનભાઈ પટેલે કહ્યું -'તેમને આરોપી તરીકે ના જુઓ'

આપણા ગુજરાતીઓ જે પરદેશમાં છે, તેમણે કદાચ નાની-મોટી મંજૂરી નહીં લીધી હોય: અમેરિકામાં રહીને આપણા ગુજરાતીઓએ ત્યાંના તમામ કાયદાનું પાલન કરતા આવ્યા છે

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ એક પછી એક ચૂંટણી વચન પૂરા કરી રહ્યા છે. જે અંતર્ગત સૌ પ્રથમ અમેરિકામાં વર્ષોથી ગેરકાયદે વસવાટ કરી રહેલા ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવા માટે ઈતિહાસનું સૌથી મોટું ડિપોર્ટેશન અભિયાન હાથ ધર્યું છે. જેમાં અત્યાર સુધી લેટિન અમેરિકાના દેશના નાગરિકોને અમેરિકામાંથી તગેડી મૂક્યા બાદ હવે ભારતીયોનો વારો આવ્યો છે. જે અંતર્ગત 104 ભારતીયો સાથેનું પ્લેન અમૃતસર એરપોર્ટ પર પહોંચી ચૂક્યું છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ સામેલ છે. એવામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે.

નીતિનભાઈ  પટેલે જણાવ્યું કે, જે ગુજરાતીઓ વર્ષોથી વિદેશ ગયા છે, તેમણે આપણા રાજ્ય તેમજ અહીંના ગામડાઓને ખૂબ જ મદદ કરી છે. જેના કારણે ગુજરાતનો સારો એવો વિકાસ પણ થયો છે. આથી મારી આપ સૌને વિનંતી છે કે, ડિપોર્ટ કરવામાં આવેલા ગુજરાતીઓને એક આરોપી તરીકે ના જોવા જોઈએ. આપણે તેમને સહાનુભૂતિથી જોવા જોઈએ. મારી સરકારને પણ વિનંતી છે કે, ડિપોર્ટ કરવામાં આવેલા તમામ ગુજરાતીઓ અને ભારતીયો આપણા જ નાગરિકો છે. આથી તેમના પ્રત્યે સહાનુભૂતિ દાખવીને મદદરૂપ થવું જોઈએ.

અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા 104 ભારતીયો સાથેનું અમેરિકન સેનાનું વિમાન અમૃતસર પહોંચ્યું, તેમાં 79 પુરુષ, 25 મહિલા અને 13 જેટલા બાળકો છે. જે પૈકી 33 જેટલા ગુજરાતી હોવાનું કહેવાય છે. જેમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના 12-12 લોકો ઉપરાંત અમદાવાદના 2, વડોદરા, ખેડા, આણંદ અને પાટણ જિલ્લાના એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે.


 

(8:21 PM IST)