News of Wednesday, 5th February 2025
વિજય માલ્યાએ ભારતની કોર્ટમાં બેન્કો પર કેસ કર્યો
૬૨૦૩ કરોડની જગ્યાએ ૧૪૧૩૧ કરોડ વસુલ્યાઃમાલ્યાએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે અને કહ્યું કે બેન્ક તેને લોન રિકવરી સંબંધિત તમામ જાણકારી આપે

નવી દિલ્હી, તા.૫
બેન્કોને મોટો ચૂનો લગાવી ભાગી જનારા આરોપી વિજય માલ્યાએ હવે બેક્નો પર જ આરોપ લગાવી દીધો છે. માલ્યાએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે અને કહ્યું કે બેન્ક તેને લોન રિકવરી સંબંધિત તમામ જાણકારી આપે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, માલ્યા પર લગભગ ૬૨૦૦ કરોડ લેવાના બાકી નીકળતા હતા, પણ અત્યાર સુધીમાં ૧૪,૦૦૦ કરોડથી પણ વધારેની વસૂલી થઈ ચૂકી છે. માલ્યાના વકીલે દલીલ આપી છે કે, જ્યારે બાકીની રકમ વસૂલ થઈ ચૂકી છે, તો ફરીથી રિકવરી પ્રક્રિયા કેમ ચાલુ કરી? ત્યારે આવા સમયે બેક્નોને આખી રિકવરીનું વિસ્તૃત વિવરણ આપવું જોઈએ.
માલ્યાની આ અરજી પર સુનાવણી કરતા ન્યાયમૂર્તિ આર. દેવદાસની અધ્યક્ષતાવાળી હાઈકોર્ટ બેન્ચે બેક્નો અને લોન રિકવરી અધિકારીઓને નોટિસ જાહેર કરી છે. વિજય માલ્યા હાલમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રત્યર્પણ પ્રયાસોનો સામનો કરી રહ્યો છે. માલ્યા હાલમાં લંડનમાં રહે છે.
૧૮ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ માલ્યાએ દાવો કર્યો હતો કે, "બેક્નોએ તેની પાસેથી ૬૨૦૩ કરોડના બદલામાં ૧૪,૧૩૧.૬૦ કરોડ વસૂલી લીધા છે. તેમ છતાં હજુ પણ તેને આર્થિક અપરાધી માનવામાં આવી રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, "જો ઈડી અને બેક્ન કાયદાકીય રીતે આ સાબિત ન કરી શકે કે તેમણે મને બાકી રકમથી ડબલ વસૂલી કેમ કરી, તો મને રાહત મળવી જોઈએ."" નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં જણાવ્યું કે ઈડીએ ૨૨,૨૮૦ કરોડની સંપત્તિઓ જપ્ત કરી છે, જેમાં કેટલાય મોટા આર્થિક ગુનાના કેસ સામેલ છે. તેમણે જણાવ્યું કે, તેમાંથી ૧૪,૧૩૧.૬ કરોડની સંપત્તિ વિજય માલ્યા પાસેથી જપ્ત કરી સાર્વજનિક ક્ષેત્રની બેક્નોને સોંપી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે હાઈકોર્ટ આ મામલાની સુનાવણી બાદ શું નિર્ણય કરે છે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
