<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

હાથ પર હાથકડી, પગમાં બેડી : ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને અમેરિકાથી આ રીતે પાછા મોકલાયા :હવે વેરિફિકેશન પછી શું થશે ?

અમેરિકાથી 104 ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને ભારત પાછા મોકલાયા જેમાં 23 મહિલાઓ, 12 બાળકો અને 79 પુરૂષો છે. તેમની ઉંમર 10 થી 41 વર્ષની વચ્ચે છે

અમૃતસર. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 104 ભારતીયોને લઈને અમેરિકન લશ્કરી વિમાન C-17 બુધવારે બપોરે 1:55 વાગ્યે અમૃતસરના શ્રીગુરુ રામદાસ જી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યું હતું.

   અમેરિકામાં ટ્રમ્પ સરકાર બન્યા બાદ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર કડકાઈ કરવામાં આવી છે. આ અંતર્ગત આ 104 ભારતીયોને ગેરકાયદેસર સ્થળાંતર માટે દોષિત માનીને ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે. આ મિલિટરી પ્લેન સાંજે 5.32 કલાકે આ લોકોને ડ્રોપ કરીને પરત ફર્યું હતું.

  વિમાનમાં સવાર તમામ મુસાફરોના પગ, હાથ અને કમરમાં હાથકડી રાખવામાં આવી હતી, પરંતુ એરપોર્ટ પર ઉતરતા પહેલા વિમાનમાં તેમની હાથકડી દૂર કરવામાં આવી હતી. અમેરિકાથી મોકલવામાં આવેલા 104 લોકોની યાદીમાં 23 મહિલાઓ, 12 બાળકો અને 79 પુરુષો છે. તેમની ઉંમર 10 વર્ષથી 41 વર્ષની વચ્ચે છે.

  તેમાં પંજાબના 30, હરિયાણાના 33, ગુજરાતના 33, મહારાષ્ટ્રના ત્રણ, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના બે-બે લોકોનો સમાવેશ થાય છે. જ્યારે પ્લેન અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે કસ્ટમ્સ અને ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓએ તમામ મુસાફરોના દસ્તાવેજો તપાસ્યા.

  કોઈપણ મુસાફર અંગે કોઈ શંકાસ્પદ વસ્તુ પ્રકાશમાં આવી નથી. તમામ સ્વસ્થ છે અને કાગળની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેઓને તેમના રાજ્યોમાં મોકલવામાં આવ્યા હતા.

  અન્ય રાજ્યોમાંથી દેશનિકાલ કરાયેલ લોકોને તેમના રાજ્યોમાં હવાઈ માર્ગે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે પંજાબ, હરિયાણા અને ચંદીગઢના લોકોને રોડ માર્ગે લઈ જવા માટે વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. હરિયાણા પોલીસની બસ હરિયાણાના લોકોને એરપોર્ટ પરથી લઈ ગઈ.

  પંજાબના લોકોને તેમના ઘરે લઈ જવા માટે, ઘણા જિલ્લાઓમાંથી પોલીસની ટીમો એરપોર્ટ પર પહોંચી હતી, જે કસ્ટમ્સ અને ઈમિગ્રેશનની તપાસ પછી તેમના ઘરે જવા રવાના થઈ હતી.

  અમેરિકાથી દેશનિકાલ કરાયેલા લોકોને લઈ જનાર વિમાનના આગમનની એક દિવસ અગાઉ માહિતી હોવાથી સવારથી જ એરપોર્ટની બહાર ભારે ભીડ જામી હતી. વહીવટીતંત્ર અને પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.

  પંજાબના NRI મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલ ખાસ પધાર્યા હતા. તેણે પંજાબના કેટલાક યુવકો સાથે પણ વાત કરી હતી જેમને પરત મોકલી દેવામાં આવ્યા હતા

કયા રાજ્યમાંથી કેટલા લોકોને પાછા મોકલવામાં આવ્યા ગુજરાત-33 હરિયાણા-33 પંજાબ-30 મહારાષ્ટ્ર- 3 ઉત્તર પ્રદેશ- 2 ચંદીગઢ- 2

(11:36 PM IST)