<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

હેપીનેસ ઈન્‍ડેક્‍સમાં દસ વર્ષમાં ભારત ૧૧૧થી ૧૨૬માં ક્રમમાં પહોંચ્‍યું

ફિનલેન્‍ડને દુનિયાનો સૌથી ખુશ દેશ : ડેનમાર્ક અને આઇસલેન્‍ડ અનુક્રમે બીજા અને ત્રીજા સ્‍થાને : ભારત પાકિસ્‍તાન, લિબિયા, ઇરાક, પેલેસ્‍ટાઇન, નાઇજર, ચીન, નેપાળ અને મ્‍યાનમાર જેવા દેશો કરતાં નીચેના ક્રમે છે

 

નવી દિલ્‍હી, તા.૬: યુએન સસ્‍ટેનેબલ ડેવલપમેન્‍ટ સોલ્‍યુશન્‍સ નેટવર્કે ઓક્‍સફર્ડ યુનિવર્સિટીના વેલબીઇંગ રિસર્ચ સેન્‍ટર અને ગેલપ સંસ્‍થાની માદદથી વર્લ્‍ડ હેપીનેસ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રીપોર્ટ દર્શાવે છે કે તેમના નાગરિકો પોતાને કેટલા ખુશ માને છે.

વર્ષ ૨૦૨૪ માટે તૈયાર કરાયેલા વર્લ્‍ડ હેપીનેસ રિપોર્ટ (WHR) માં રેક્રિંગ અને સ્‍કોર્સમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળી રહ્‍યા છે. ૧૨ વર્ષમાં પહેલી વાર અમેરિકા વર્લ્‍ડ હેપીનેસ રિપોર્ટમાં ટોચના ૨૦ સ્‍થાનથી બહાર નીકળી ગયું છે. તાજેતરના વર્લ્‍ડ હેપીનેસ રિપોર્ટ અનુસાર, ભારત ઘણા પશ્‍ચિમી દેશો અને તેના કેટલાક પડોશી દેશોની તુલનામાં નીચા સ્‍થાને પહોંચી ગયું છે.

આ દેશના લોકો સૌથી ખુશઃ આ વર્ષના રીપોર્ટમાં પણ ફરી એક ફિનલેન્‍ડને દુનિયાનો સૌથી ખુશ દેશ જાહેર કરવામાં આવ્‍યો છે, ત્‍યારબાદ ડેનમાર્ક અને આઇસલેન્‍ડ અનુક્રમે બીજા અને ત્રીજા સ્‍થાને છે. જ્‍યારે ભારત વર્લ્‍ડ હેપીનેસ રિપોર્ટમાં ૧૪૩ દેશોમાંથી ૧૨૬મા ક્રમે છે. રિપોર્ટ મુજબ અફઘાનિસ્‍તાન અને લેબનોન છેલ્લા બે સ્‍થાનો પર રહયા છે.

છેલ્લા ૧૦ વર્ષોમાં ભરતો ક્રમ સતત ઘટતો જાય છે. આ ઇન્‍ડેક્‍સમાં વર્ષ ૨૦૧૪માં ભારત ૧૧૧માં ક્રમે હતું, ત્‍યાર બાદ વર્ષ ૨૦૨૪માં ભારત ૧૨૬માં ક્રમે આવી ગયું છે. ચોકવાનારી બાબત એ છે કે લોકોની ખુશહાલી બાબતે હવે ભારત પાકિસ્‍તાન, લિબિયા, ઇરાક, પેલેસ્‍ટાઇન, નાઇજર, ચીન, નેપાળ અને મ્‍યાનમાર જેવા દેશો કરતાં નીચેના ક્રમે છે.

શિક્ષણના સ્‍તર, સામાજિક જાતિ પ્રથા, ભેદભાવ અને નબળી સ્‍વાસ્‍થ્‍ય સેવાઓ જેવા પરિબળો ભારતીયોમાં જીવનને અસર કરી રહયા છે.

પાકિસ્‍તાનનો ક્રમઃ ૨૦૨૪ના હેપીનેસ ઈન્‍ડેક્‍સ મુજબ ૧૪૩ દેશોમાં પાકિસ્‍તાન ૧૦૮મા સ્‍થાને છે. પાકિસ્‍તાનનો હેપીનેસ સ્‍કોર ૪.૬૬ છે જે ૨૦૨૩ના તેના સ્‍કોર કરતાં +૦.૧૦૫ વધુ છે. પાકિસ્‍તાનના નાગરિકો પરિવાર, મિત્રો અને સમુદાય સાથેના પાકિસ્‍તાનીઓના સંબંધોને મૂલ્‍યાંકનના અન્‍ય પરિબળોને મહત્‍વ આપે છે. જ્‍યારે ૨૦૨૪માં પાકિસ્‍તાનના લોકો ૨૦૨૩ કરતાં થોડા ખુશ છે, છતાં હજુ પણ સુધારો થઇ શકે છે.

પેલેસ્‍ટાઇનની સ્‍થિતિઃ યુધ્‍ધ વચ્‍ચે ઘેરાયેલા જોવા છતાં પેલેસ્‍ટાઇનના હેપીનેસ ઇનેક્‍સને વધુ અસર થઇ નથી. ૨૦૨૩માં પેલેસ્‍ટાઇનનો ક્રમ ૯૯ હતો જે ૨૦૨૪માં ૧૦૧ થયો. યુદ્ધની પ્રતિકૂળતાઓ અને સંસાધનોનો અભાવ ઘણા પેલેસ્‍ટિનિયનોને તેમના જીવનની ખુશીઓ છીનવી રહયો છે.

આ રીતે તૈયાર કરવામાં આવે છે ઇનેક્‍સઃ

વર્લ્‍ડ હેપીનેસ રિપોર્ટ/ઇન્‍ડેક્‍સ લોકોની ખુશીમાં ફાળો આપતા પરિબળોના આંકડાકીય વિશ્‍લેષણ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જોકે લોકોનું ખુશીને માપવી ખૂબ જ મુશ્‍કેલ છે. દરેક દેશના પ્રદર્શનનું નિરીક્ષણ વિવિધ પરિબળોને આધારે કરવામાં આવે છે, જેમાં GDP થી માંડીને પસંદગીની સ્‍વતંત્રતા, સામાજિક સમર્થન, સામાન્‍ય વસ્‍તીની ઉદારતા અને ભ્રષ્ટાચારના સ્‍તરનો સમાવેશ થાય છે.

ગેલપ વર્લ્‍ડ પોલ સર્વે (૨૦૨૧-૨૩) ના ડેટાનો ઉપયોગ હેપીનેસનો રેક્રિંગ નક્કી કરવા માટે કરવામાં આવ્‍યો છે. આને કેન્‍ટ્રીલ લેડર કહેવામાં આવે છે, જે હેઠળ સર્વેક્ષણ કરવામાં આવે છે જેમાં લોકોને ૦ થી ૧૦ ના સ્‍કેલ પર તેમના જીવનને રેટ કરવાનું કહેવામાં આવે છે.

સર્વે માટે દરેક દેશમાંથી લગભગ ૧,૦૦૦ રિસ્‍પોન્‍સ લેવામાં આવે છે. રેક્રિંગ નક્કી કરવામાં ૬ પરિબળો ફાળો આપે છે; જેમાં GDP, આયુષ્‍ય, ઉદારતા, સામાજિક સમર્થન, સ્‍વતંત્રતા અને ભ્રષ્ટાચારનું સ્‍તરનો સમાવેશ થાય છે.(૨૩.૪)

(10:17 AM IST)