<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

વિપક્ષે હાથકડી પહેરીને સંસદ પરિસરમાં કર્યો વિરોધઃ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો મુદ્દે હોબાળો

સંસદના બંને ગૃહમાં કાર્યવાહી ઠપ્‍પ : રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, શશિ થરૂર સહિત અનેક સાંસદોએ કર્યા દેખાવો

નવી દિલ્‍હી, તા.૬: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની દેશનિકાલ નીતિને લઈને સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્‍પના આદેશ બાદ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ઈમિગ્રન્‍ટ્‍સને તેમના દેશમાં મોકલવામાં આવી રહયા છે. અમેરિકામાં રહેતા ભારતના ૧૦૪ લોકોને પણ મોકલવામાં આવ્‍યા છે. હવે વિપક્ષી નેતાઓ આને લઈને સંસદમાં હાથકડી પહેરીને વિરોધ કરી રહયા છે.

કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત તમામ વિપક્ષી નેતાઓ સંસદના મકર ગેટ સામે વિરોધ પ્રદર્શન કરી રહયા છે. આ દરમિયાન વિપક્ષના સાંસદોએ હાથકડી પહેરી છે.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્‍દ્ર યાદવ, કોંગ્રેસના સાંસદ ગુરજીત સિંહ અને અન્‍ય વિપક્ષી નેતાઓ હાથકડી પહેરીને સંસદમાં વિરોધ કરતા જોઈ શકાય છે. વિપક્ષી સાંસદોનું કહેવું છે કે અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયો સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્‍યું હતું.

સમાજવાદી પાર્ટીના અધ્‍યક્ષ અખિલેશ યાદવે અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયો વિશે કહયું કે તેઓ સપનું બતાવી રહયા હતા કે ભારત વિશ્વ લીડર બની ગયું છે પરંતુ સરકાર હવે મૌન છે. અમેરિકાએ ભારતીયોને સાંકળોથી ગુલામ બનાવીને મોકલ્‍યા. વિદેશ મંત્રાલય શું કરી રહયું છે? મહિલાઓ અને સરકાર પણ બાળકોને બચાવી શકી નથી. સરકારે જણાવવું જોઈએ કે આ લોકોએ ભારત કેમ છોડયું.

આ મામલે વિપક્ષ સતત પ્રહારો કરી રહયો છે. આવી સ્‍થિતિમાં વિદેશ મંત્રી જયશંકર આજે બપોરે ૨ વાગે સંસદને સંબોધિત કરશે. આ દરમિયાન વિદેશ મંત્રી ભારતીયોની વાપસી અંગે નિવેદન આપશે.

(3:47 PM IST)