<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી વેગથી નવી ઉંચી ટોચે : સોનુ રૂ.1500 ઉછળી રૂ.87 હજારની સપાટી પાર પહોંચ્યું

અમદાવાદ ચાંદીના ભાવ પણ કિલોના રૂ.1500 ઉછળી રૂ.95 હજારને આંબી ગયા

મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી વેગથી આગળ વધતાં નવી ઉંચી ટોચ દેખાઈ હતી. અમદાવાદ  બજારમાં સોનાના ભાવ 10 ગ્રામના ઝડપી રૂ.1500 ઉછળી રૂ.87 હજારની સપાટી પાર કરી જતાં બજારના ઝવેરીઓ સ્તબ્ધ બની ગયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ પણઆજે કિલોના રૂ.1500 ઉછળી રૂ.95 હજારને આંબી ગયા હતા. અમદાવાદ સોનાના ભાવ વધી 99.50ના રૂ.87000 તથા 99.90ના રૂ.87300 બોલાતા થતાં નવો ઈતિહાસ સર્જાયો હતો.

   વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળતાં તથા ઘરઆંગણે રૂપિયો ગબડતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ છે તથા તેના પગલે ઝવેરી બજારોમાં તોફાની તેજી દેખાઈ રહી છે. એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડ  ઉંચા મથાળેથી નીચે ઉતરતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યું હતું. અમેરિકામાં ટ્રમ્પના આગમન પછી ટ્રેડવોર સહિતની વિવિધ અનિશ્ચિતતાઓ સર્જાતાં  વિશ્વ બજારમાં સોનામાં સેફ-હેવન સ્વરૂપનું બાઈંગ પણ આવી રહ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી.

 

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના 2819થી 2820 ડોલરવાળા ઉછળી ઉંચામાં 2877 થઈ 2870 થી 2872 ડોલર રહ્યા  હતા. હવે 2900 ડોલર તથા ત્યાર પછી 3000 ડોલરના ભાવ પર બજારની નજર મંડાઈ છે. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના 31.64 વાળા વધી 32.540 થઈ 32.41 થી 32.42 ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ વધી 987 થઈ 984થી 985 ડોલર રહ્યા હતા, જ્યારે પેલેડીયમના ભાવ વધી 1007 થઈ 1003થી 1004 ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે 0.21 ટકા પ્લસમાં રહ્યા હતા.

 

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર વધી 99.50ના રૂ.84318 તથા 99.90ના રૂ.84957 રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી જીએસટી વગર રૂ.૯૫૪૨૫ બોલાયા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી.  અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક 50થી 51 લાખ બેરલ્સ વધ્યાનું અંમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટેજણાવ્યું હતું. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના 74.57 વાળા ઉંચામાં 76.34 થયા પછી નીચામાં ભાવ 75.23 થઈ 75.32 ડોલર રહ્યા હતા. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ હવે ઈરાન સામે કેવા પગલાં ભરે છે તેના પર ક્રૂડતેલ બજારના ખેલાડીઓની નજર રહી હતી.

 

આર્થિક તથા ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતા વચ્ચે કેન્દ્રીય બેન્કો હેજિંગ તરીકે ગોલ્ડની ખરીદી કરી રહી છે, એમ કાઉન્સિલના રિપોર્ટમાં જણાવાયું હતું. ગયા વર્ષે ગોલ્ડની એકંદર વૈશ્વિક માગ એક ટકો વધી 4974.50 ટન રહી હતી, પરંતુ ઊંચા ભાવને પરિણામે જ્વેલરી માગ ઘટી હતી. વિક્રમી ઊંચા ભાવ તથા ઊંચા વોલ્યુમને કારણે ગોલ્ડની વૈશ્વિક માગનો આંક ગયા વર્ષે 382 અબજ ડોલર રહ્યો હતો. ગોલ્ડ જ્વેલરી માગ 2024માં 11 ટકા ઘટી ગઈ હતી. ઊંચા ભાવને કારણે જ્વેલરી માગ દબાણ હેઠળ રહેશે પરંતુ રિસાયકલિંગમાં વધારો જોવા મળશે. ચીન તથા અમેરિકા વચ્ચે ટ્રેડ વોર વકરે તો તેવી સ્થિતિમાં સૂચિત અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી વૈશ્વિક બેન્કો ગોલ્ડની ખરીદી ચાલુ રાખશે. વૈશ્વિક સ્તરે કેન્દ્રીય બેન્કો તરફથી સોનાની ઊંચી માગ રહે છે. 

 

દેશમાં ગોલ્ડની એકંદર માગમાં જ્વેલરી માટેની માગનો હિસ્સો 70 ટકા જેટલો રહે છે. ગોલ્ડના વધી રહેલા ભાવને પરિણામે જ્વેલરી માગ પર અસર પડી રહ્યાનું જોવા મળી રહ્યું છે, પરંતુ ઈન્વેસ્ટમેન્ટ માગ હજુપણ જળવાઈ રહી છે, એમ   કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. 2024માં દેશની ગોલ્ડ માગ નવ વર્ષની ટોચે રહી હતી પરંતુ વર્તમાન વર્ષમાં તેમાં ઘટાડો જોવા મળશે. 2024માં ગોલ્ડની 802.80 ટન માગ 2015 બાદ સૌથી ઊંચી રહી હતી. 2024માં જ્વેલરી માગ બે ટકા ઘટી 563.40 ટન રહી હતી.

(10:46 PM IST)