<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

ઓલા-ઉબેર ડ્રાઇવરો, ઝોમેટો-સ્‍વિગી ડિલિવરી કરનારાઓને પેન્‍શન મળશે

ઓનલાઈન ગ્રાહક સેવાઓ પૂરી પાડતી એગ્રીગેટર કંપનીઓના પ્‍લેટફોર્મ પર કામ કરતા એક કરોડથી વધુ ગિગ વર્કર્સને EPFO પેન્‍શન સુવિધાના દાયરામાં લાવવામાં આવશે : કેબિનેટ મંજૂરી માટે પ્રસ્‍તાવ મોકલવામાં આવશે

નવી દિલ્‍હી, તા.૭: ઓનલાઈન ગ્રાહક સેવાઓ પૂરી પાડતી એગ્રીગેટર કંપનીઓના પ્‍લેટફોર્મ પર કામ કરતા એક કરોડથી વધુ ગિગ વર્કર્સને EPFO પેન્‍શન સુવિધાના દાયરામાં લાવવામાં આવશે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, શ્રમ મંત્રાલયે EPFO પેન્‍શન સુવિધાને ગિગ વર્કર્સ સુધી લંબાવવા માટેનો ડ્રાફ્‌ટ પ્રસ્‍તાવ લગભગ તૈયાર કરી લીધો છે, જેને ટૂંક સમયમાં કેન્‍દ્રીય મંત્રીમંડળને મંજૂરી માટે મોકલવામાં આવશે. કોઈપણ સામાજિક સુરક્ષા કવચ વિના કામ કરતા ગિગ કામદારોને પેન્‍શન આપવા માટે એગ્રીગેટર કંપનીઓ પાસેથી ન્‍યૂનતમ ફાળો એકત્રિત કરવામાં આવશે. આ માટે, પેન્‍શન યોગદાન માટે તેમના દરેક બિલિંગ વ્‍યવહારોમાંથી બે કે ત્રણ ટકા રકમ લેવામાં આવશે.

ગિગ કામદારોને યુનિવર્સલ એકાઉન્‍ટ નંબર જારી કરવામાં આવશે, જેના દ્વારા તેઓ બે કે ત્રણ એગ્રીગેટર કંપનીઓ માટે કામ કરતી વખતે એક જ ખાતામાં તમામ પેન્‍શન યોગદાન પ્રાપ્ત કરી શકશે. ઉદાહરણ તરીકે, નવી યોજના હેઠળ, જો ઝોમેટો અને રેપિડો સાથે કામ કરતો કર્મચારી અનુક્રમે રૂ. ૧૦,૦૦૦ અને રૂ. ૧૨,૦૦૦ કમાય છે, તો તેમને દરેક એગ્રીગેટર તરફથી પેન્‍શન ફંડ ફાળો મળશે.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે ગિગ વર્કર્સના પેન્‍શન સંબંધિત દરખાસ્‍તો અંગે, શ્રમ મંત્રાલયે ઝોમેટો, સ્‍વિગી, ઓલા, ઉબેર જેવી બધી મોટી એગ્રીગેટર કંપનીઓ સાથે ચર્ચા કરી છે અને સામાજિક સુરક્ષા માટે યોગદાન આપવા માટે તેમની મંજૂરી લીધી છે. ગયા અઠવાડિયે, આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું હતું કે ૨૦૩૦ સુધીમાં ભારતનું ગિગ વર્કફોર્સ ૨૩.૫ મિલિયન સુધી પહોંચી જશે.

એ વાત જાણીતી છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઈ-શ્રમ પોર્ટલ પર ગિગ વર્કર્સની નોંધણી કરાવવા અને તેમને ઓળખ કાર્ડ આપવાની સુવિધા પૂરી પાડવાની જાહેરાત કરી હતી. બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ ગિગ વર્કર્સ માટે આરોગ્‍ય કવરેજની પણ જાહેરાત કરવામાં આવી હતી.

સરકાર માને છે કે ગિગ વર્કર્સની આવક એટલી બધી નથી કે તેમની આવકમાંથી ફાળો આપવા માટે રકમ કાપી લેવી જોઈએ. તેથી, એવો પ્રસ્‍તાવ છે કે કંપનીઓ દરેક વ્‍યવહાર પર પેન્‍શન યોગદાન કાપશે જેમ બિલમાં GST કાપવામાં આવે છે.

 

(11:00 AM IST)