<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

વર્ષ ૨૦૧૭-૧૮ની જીએસટી નોટિસનો ઓર્ડર થતાં કરદાતાઓ દોડતા થઈ ગયા

GST દ્વારા ઓગસ્‍ટ ૨૦૨૪માં કરદાતાઓને નોટિસ અપાઈ હતી

મુંબઇ, તા.૭: બોગસ બિલિંગ, ખોટી રીતે ક્રેડિટ લીધી હોય. વધુ ક્રેડિટ લીધી હોય, ટેક્‍સ ઓછો ભર્યો હોય તેવા કેસમાં જીએસટી વિભાગે ઓગસ્‍ટ ૨૦૨૪માં કરદાતાઓને નોટિસ આપી હતી. આ નોટિસનો જવાબ આપ્‍યા પછી અધિકારીએ ૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધીમાં તેને લગતી કાર્યવાહી પૂરી કરીને ઓર્ડર કરી દેવાના હોય છે. આ માટે અધિકારીઓએ ઓર્ડર કરી દેતા કરદાતાઓ દોડતા થઈ ગયા છે, કારણ કે વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે વાંધો હોય તો હવે અપીલમાં જ જવું પડશે.  જીએસટીના અધિકારીઓએ નોટિસ આપ્‍યા બાદ કરદાતાઓ તેને લગતા પુરાવા સહિતના જવાબો રજૂ કરતા હોય છે. આ જવાબ યોગ્‍ય લાગે તો નોટિસ બાદ ઓર્ડર કરતા નથી. જ્‍યારે જવાબ યોગ્‍ય નહીં હોય તેવા કિસ્‍સામાં અધિકારીઓ દ્વારા ઓર્ડર કરી દેવામાં આવતા હોય છે. આ ઓર્ડર કરવાની છેલ્લી તારીખ પ ફેબ્રુઆરીએ પૂર્ણ થઇ હોવાના લીધે મોટાભાગના કરદાતાઓને મેઇલથી ઓર્ડર આપી દેવામાં આવ્‍યા છે. જેથી કરદાતાઓએ તેમાં અધિકારીએ કરેલા ઓર્ડર પ્રમાણે રકમ ભરવા તૈયાર હોય તો ભરી દેવાની રહેશે. જે અધિકારીએ કરેલા ઓર્ડર સામે વાંધો હોય તો જે રકમ ભરપાઈ કરવાનો ઓર્ડર કરવામાં આવ્‍યો છે તેની ૧૦ ટકા રકમ ભરીને અપીલમાં જવાનું રહેશે. કરદાતાએ આ માટેની કાર્યવાહી ઝડપથી પૂરી કરવામાં આવે તો જ જીએસટીની કાર્યવાહીથી બચી શકાય હોવાનું જાણકારો કહી રહયા છે.

 ત્રણ મહિનામાં અપીલ કરી શકાશે

જીએસટીની નોટિસ આપ્‍યા બાદ ઓર્ડર કરવાની સમયમર્યાદા પૂરી થઇ જવાની હોવાથી મોટાભાગના ઓર્ડર કરી દેવામાં આવ્‍યા છે. જેથી કરદાતાઓને તે ઓર્ડર મળ્‍યા છે કે નહીં તેની પૂરતી ચકાસણી કરી લેવી જોઇએ. તેમજ અધિકારી દ્વારા કરવામાં આવેલા ઓર્ડર સામે વાંધો હોય તો આગામી ત્રણ માસમાં અપીલ કરવાની રહેશે. જો અપીલ કરવામાં નહીં આવે તો અધિકારી દ્વારા કરવામાં આવેલી યોગ્‍ય હોવાનું ગણીને કાર્યવાહી કરવામાં આવશે.

                                                                                                             - અતીત દિલીપ શાહ, સીએ

(12:01 PM IST)