News of Friday, 7th February 2025
ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર મૂકયો પ્રતિબંધ
ટ્રમ્પનું વધુ એક આકરૂં પગલું icc એ પોતાના પાવરનો દૂરૂપયોગ કર્યો હોવાનો આરોપ

વોશીંગ્ટન તા. ૭ : એક પછી એક પોતાના નિર્ણયોથી દુનિયાને આヘર્યચકિત કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત સામે પ્રતિબંધોની જાહેરાત કરી છે. તેમના એક કાર્યકારી આદેશમાં, તેમણે આ સંગઠનને પાયાવિહોણું ગણાવ્યું છે. આ આદેશમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત હંમેશા અમેરિકા અને તેના સાથી ઇઝરાયલ સામે અન્યાયી અને પાયાવિહોણા પગલાં લે છે.
આ આદેશ મુજબ, અમેરિકાએ હવે ICC અધિકારીઓ અને તેમના પરિવારો પર વિઝા પ્રતિબંધ લાદ્યો છે. આ સાથે, આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલતની તપાસમાં સહયોગ કરનારાઓ પર પણ વિઝા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ટ્રમ્પે આ આદેશ પર તે જ સમયે હસ્તાક્ષર કર્યા હતા જ્યારે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકાની મુલાકાતે હતા. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૪ માં, આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને યુદ્ધ ગુનેગાર માન્યા હતા અને તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.
ICC દ્વારા ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યા બાદ ટ્રમ્પે આ પગલું ભર્યું હતું.
ટ્રમ્પે આદેશમાં કહ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયલ આ કોર્ટના સભ્ય નથી અને ન તો તેઓ તેને માન્યતા આપે છે. આઈસીસીએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. તેમણે ICC અધિકારીઓ, સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો તેમજ તપાસમાં મદદ કરનારા કોઈપણ વ્યક્તિની સંપત્તિ સ્થગિત કરવા અને મુસાફરી પર પ્રતિબંધ મૂકવાનો આદેશ પણ આપ્યો.
આનો અર્થ એ થયો કે પ્રતિબંધમાં સામેલ તમામ લોકોની અમેરિકામાં રહેલી બધી સંપત્તિઓ સ્થગિત કરવામાં આવશે. ઉપરાંત, તેમને અમેરિકા જવાથી પ્રતિબંધિત કરવામાં આવશે. વિઝા આપવામાં આવશે નહીં.
નેતન્યાહૂ અમેરિકાના પ્રવાસે છે. તેઓ ૪ ફેબ્રુઆરીએ વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પને અને ૬ ફેબ્રુઆરીએ કાયદા નિર્માતાઓને મળ્યા હતા. ICC એ ૨૧ નવેમ્બરના રોજ નેતન્યાહૂ અને ગેલન્ટ વિરુદ્ધ યુદ્ધ અપરાધો, માનવાધિકાર ઉલ્લંઘન અને ગાઝામાં નરસંહારના આરોપસર ધરપકડ વોરંટ જારી કર્યું હતું.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકો અને ગાઝામાં ઇઝરાયલી સૈનિકો દ્વારા કથિત યુદ્ધ અપરાધોના પાયાવિહોણા કાર્યોમાં રોકાયેલી હતી, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જ્યારે ટ્રમ્પ પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પણ તેમણે ICC પર પ્રતિબંધો લગાવ્યા હતા. ૨૦૨૦ માં તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન, તેમણે તત્કાલીન ICC પ્રોસિકયુટર ફાટૌ બેન્સૌડા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સ્ટાફ પર નાણાકીય અને વિઝા પ્રતિબંધો લાદ્યા હતા.
ટ્રમ્પે થોડા દિવસો પહેલા UNHRC અંગે પણ મોટો નિર્ણય લીધો હતો. તેમણે જાહેરાત કરી કે અમેરિકા હવે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (UNHRC) ની બેઠકમાં ભાગ લેશે નહીં. આ ઉપરાંત, ડોનાલ્ડ ટ્રમ્પે પેલેસ્ટાઇનને મદદ કરતી સંયુક્ત રાષ્ટ્રની એજન્સી યુનાઇટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી (UNRWA) નું ભંડોળ પણ બંધ કરી દીધું છે
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
