News of Friday, 7th February 2025
રાજકીય પક્ષોને દાન આપી લાભ લેનાર કરદાતા ફસાયા
આઇટીની તપાસમાં ગેરરીતિ બહાર આવશે તો ૩૦૦ ટકાથી વધુનો દંડ વસૂલાશે

નવી દિલ્હી, તા.૭: રાજકીય પક્ષોને દાન આપ્યાનું ઇન્કમટેક્સ રિટર્નમાં દર્શાવનારાઓ સામે ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. આવા હજારો કરદાતાઓને નોટિસ આપીને તેને લગતા પુરાવા સહિતની વિગતો રજૂ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. તેમજ આઇટી રિટર્નમાં આવી વિગતો ખોટી રીતે દર્શાવવામાં આવી હોય તો આગામી ૩૧ માર્ચ સુધીમાં સુધારો કરી દેવા માટે તાકીદ કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.
રાજકીય પક્ષોને કરવામાં આવતું દાન કલમ ૮૦ જીજીસી હેઠળ ખર્ચમાં બાદ મળતી હોય છે. તેના લીધે કરદાતાને ટેક્સ ઓછો ભરવો પડતો હોય છે, પરંતુ કેટલાક કરદાતાઓ આઇટી રિટર્નમાં રાજકીય પક્ષને દાન આપ્યાનું દર્શાવીને ટેક્સમાં રાહત મેળવતા હોય છે. આવા કરદાતાઓ પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે થોડા સમય પહેલા આ રીતે દાન આપીને બ્લેક એન્ડ વ્હાઈટનો મોટો ખેલ કરવામાં આવ્યો હતો. તેથી રાજકીય પક્ષને દાન કરનારાઓ પાસેથી તેને લગતી વિગતો એકત્ર કરીને આઈટી રિટર્નમાં દર્શાવેલી વિગત યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવતી હોય છે. આ રીતની કાર્યવાહી સુરત ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. તેમજ હજારો કરદાતાઓને નોટિસ આપીને જવાબ રજૂ કરવા અથવા તો રિટર્નમાં સુધારો કરવા માટે તાકીદ કરવામાં આવી છે. જો તેઓ દ્વારા તેમાં સુધારો કરવામાં નહીં આવે અને ગેરરીતિ બહાર આવશે તો કરદાતા પાસેથી ૩૦૦ ટકા સુધીનો દંડ વસૂલ કરવામાં આવનાર હોવાની પણ વિગતો જાણવા મળી છે.
નોટિસનો જવાબ પુરાવા સાથે આપવો અથવા તો રિટર્ન સુધારે તો જ કાર્યવાહીથી બચાશે
ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રાજકીય પક્ષને આપવામાં આવતા દાન પર ખાસ નજર રાખવામાં આવતી હોય છે. કારણ કે તેમાં ગેરરીતિ થવાની શકયતાઓ રહેલી હોય છે. તેથી આવા કરદાતાઓને નોટિસ મોકલીને જવાબ રજૂ કરવા અથવા તો રિટર્નમાં સુધારો કરી દેવા નોટિસ આપવામાં આવી છે. જો તેમ છતાં કરદાતા દ્વારા સુધારો કરવામાં નહીં આવે તો આઇટી દ્વારા કાર્યવાહી કરીને ૩૦૦ ટકા સુધીનો દંડ વસુલ કરશે. આ માટે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે કરદાતાઓએ ખોટી રીતે ટેક્સનો લાભ લેવા માટે રીટર્નમાં દર્શાવેલા આંકડા સુધારવા જોઇએ.
(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
