<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

સુષ્‍મા સ્‍વરાજ ૫૨ દિવસ માટે દિલ્‍હીના સીએમ બનેલઃ જુથવાદ-મોંઘવારીએ ભાજપને ૨૭ વર્ષ સત્તાથી દુર રાખ્‍યુ

છેલ્લે ૧૯૯૮માં ભાજપે રાજધાનીમાં સરકાર બનાવેલ

નવી દિલ્‍હી , તા.૮: દિલ્‍હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને રાજધાનીને ટૂંક સમયમાં નવા મુખ્‍યમંત્રી મળવાના છે. આ પ્રસંગે દિલ્‍હીના રાજકારણ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્‍યો છે. જે કદાચ અત્‍યાર સુધી ધ્‍યાનમાં નહીં લીધા હોય.જેમાં સુષ્‍મા સ્‍વરાજ ફક્‍ત ૫૨ દિવસ માટે દિલ્‍હીના મુખ્‍યમંત્રી બન્‍યા અને ભાજપમાં આંતરિક સંઘર્ષ અને મોંઘવારીની અસરને કારણે સત્તામાંથી બહાર થઈ ગયા.

૧૯૯૩માં, જ્‍યારે દિલ્‍હીમાં પહેલી વિધાનસભા ચૂંટણી યોજાઈ, ત્‍યારે ભાજપે ૭૦ માંથી ૪૯ બેઠકો જીતીને સરકાર બનાવી. પરંતુ પક્ષની અંદરના જૂથવાદને કારણે, તેણે સતત ત્રણ મુખ્‍યમંત્રી બદલ્‍યા. પહેલા મદન લાલ ખુરાનાને હવાલા કેસમાં આરોપોને કારણે પદ છોડવું પડ્‍યું, પછી ડુંગળીના વધતા ભાવ અને નબળી વહીવટી છબીને કારણે સાહિબ સિંહ વર્માને દૂર કરવામાં આવ્‍યા. ૧૨ ઓક્‍ટોબર, ૧૯૯૮ના રોજ ભાજપે દિલ્‍હીની કમાન સુષ્‍મા સ્‍વરાજને સોંપી પરંતુ તેમની સરકાર ફક્‍ત ૫૨ દિવસ જ ચાલી.

જ્‍યારે સુષ્‍મા સ્‍વરાજ મુખ્‍યમંત્રી બન્‍યા ત્‍યારે દેશભરમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા હતા. દિલ્‍હીમાં ડુંગળી ૬૦-૮૦ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી હતી. જેના કારણે જનતામાં ભારે રોષ જોવા મળ્‍યો. કોંગ્રેસે આનો ફાયદો ઉઠાવ્‍યો અને ડુંગળીના માળા પહેરીને વિરોધ કર્યો. સુષ્‍મા સ્‍વરાજે લોકોને સસ્‍તા ભાવે ડુંગળી ઉપલબ્‍ધ કરાવવાની યોજના બનાવી હતી પરંતુ તે સફળ થઈ ન હતી. મોંઘવારીએ ભાજપ સરકારની લોકપ્રિયતા પર ખરાબ અસર કરી છે.

ભાજપે સુષ્‍મા સ્‍વરાજ પર દાવ લગાવ્‍યો. પરંતુ કોંગ્રેસે દિલ્‍હીમાં બીજી મહિલા નેતા શીલા દીક્ષિતને પોતાનો ચહેરો બનાવ્‍યા. શીલા દીક્ષિતની સરળ અને સીધીસાદી રાજનીતિએ લોકોને પ્રભાવિત કર્યા. કોંગ્રેસને ૫૨ બેઠકો મળી. જ્‍યારે ભાજપ માત્ર ૧૫ બેઠકો પર સમેટાઈ ગયું. શીલા દીક્ષિતે દિલ્‍હીમાં પોતાના મૂળ એટલા મજબૂત કર્યા કે તેઓ સતત ત્રણ વખત મુખ્‍યમંત્રી બન્‍યા અને ૧૫ વર્ષ સુધી સત્તામાં રહ્યા.

ભાજપની હારનું બીજું એક મુખ્‍ય કારણ પાર્ટીમાં ત્રણ જૂથોની રચના હતી - મદનલાલ ખુરાના જૂથ, સાહિબ સિંહ વર્મા જૂથ અને સુષ્‍મા સ્‍વરાજ જૂથ. ચૂંટણી દરમિયાન આ જૂથવાદ ખુલ્લેઆમ બહાર આવ્‍યો, જેના કારણે પક્ષ નબળો પડ્‍યો અને જનતાનો વિશ્વાસ ગુમાવ્‍યો. પરિણામ એ આવ્‍યું કે ૧૯૯૮માં સત્તા કોંગ્રેસના હાથમાં ગઈ અને ભાજપ ફરી કયારેય દિલ્‍હીમાં સરકાર બનાવી શકયું નહીં.

૧૯૯૮માં સત્તા ગુમાવ્‍યા બાદ, ભાજપે ઘણી ચૂંટણીઓ લડી પરંતુ દિલ્‍હીમાં સત્તામાં પાછા ફરી શકયા નહીં. સુષ્‍મા સ્‍વરાજ પછી, ૨૦૧૩ માં, આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલના નેતળત્‍વમાં ઉભરી આવી અને ભાજપ અને કોંગ્રેસને પાછળ છોડી દીધી

(1:56 PM IST)